Tuesday, April 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાળઝાળ ગરમીમાં રોકકળ કરતી મહિલાઓ અને બાળકો, વિખરાયેલો સામાન... જેસલમેરમાં પાકિસ્તાની હિંદુઓના...

    કાળઝાળ ગરમીમાં રોકકળ કરતી મહિલાઓ અને બાળકો, વિખરાયેલો સામાન… જેસલમેરમાં પાકિસ્તાની હિંદુઓના ઘરો પર ફરી વળ્યું બુલડોઝર, કલેક્ટરના આદેશ સામે રોષ

    સિટી ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા અમર સાગર પંચાયતમાં UITની જમીન પરથી અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં સંખ્યાબંધ જેસીબી, ટ્રેક્ટર અને પોલીસ ફોર્સ હાજર હતા.

    - Advertisement -

    રાજસ્થાનમાં ફરી પાકિસ્તાની હિંદુઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આ વખતે આ કાર્યવાહી જેસલમેર જિલ્લામાં આવેલા અમર સાગર વિસ્તારમાં રહેતા હિંદુ પરિવારો સામે થઇ છે. આ પરિવારો પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને ભારત આવ્યા હતા અને છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનના અમર સાગર વિસ્તારમાં રહેતા હતા. જિલ્લા કલેકટર ટીના ડાબીના આદેશ બાદ UIT સહાયક એન્જિનિયરની આગેવાની હેઠળ અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

    મહિલાઓ અને બાળકો ધોમધખતી ગરમીમાં રહેવા મજબૂર થયા

    મંગળવારે (16 મે 2023) સિટી ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા અમર સાગર પંચાયતમાં UITની જમીન પરથી અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં સંખ્યાબંધ જેસીબી, ટ્રેક્ટર અને પોલીસ ફોર્સ હાજર હતા. જે પાકિસ્તાની હિંદુઓના ઘરો તોડી પાડવામાં આવ્યા હતા, તેમના પરિવારના સભ્યો ભીષણ ગરમીમાં રસ્તા પર આવી ગયા હતા. આમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ હતા.

    રસ્તા પર ચારેબાજુ વિખરાયેલો સામાન અને રોકકળ કરતા લોકો જોવા મળ્યા

    રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનમાં આતંક અને સરકારના દમનથી બચીને ભારત પહોંચી આવેલા આ લોકો લાંબા સમયથી અમર સાગર વિસ્તારમાં રહેતા હતા. પરંતુ, જિલ્લા કલેક્ટરના આદેશથી તેમના ઘરો તોડી પાડવામાં આવ્યા હતા. વહીવટતંત્રની આ કાર્યવાહીનો હિંદુ પરિવારોએ વિરોધ પણ કર્યો હતો, પરંતુ પોલીસ સામે તેઓ કંઈ કરી શક્યા ન હતા. બેઘર બનેલા લોકો કાળઝાળ ગરમીમાં રહેવા મજબૂર થયા હતા. ચારેબાજુ વિખરાયેલો સામાન અને રોકકળ કરતા લોકો જોવા મળ્યા હતા.

    - Advertisement -

    ભારતમાં પણ નિરાધાર બન્યા હિંદુ પરિવારો

    ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ઉત્પીડનનો ભોગ બનેલા હિંદુ પરિવારો ભારત આવીને મોટી સંખ્યામાં રાજસ્થાન સરહદ પાસેના જિલ્લાઓમાં વસવાટ કરી રહ્યા છે. જેસલમેર પ્રશાસનની કાર્યવાહીને પગલે તેઓ ફરી નિરાધાર થઇ ગયા છે. તેમના માથેથી છત તો છીનવાઈ જ ગઈ છે ઉપરાંત, એવી કોઈ વ્યક્તિ પણ તેમની પાસે નથી જેમને તેઓ પોતાનું દુઃખ વર્ણવી શકે.

    અતિક્રમણને લઈને પરિવારો અને તંત્ર આમનેસામને

    અમર સાગર ગ્રામ પંચાયત શહેરથી માત્ર 5 કિમી દૂર છે. આ ગામની વસ્તી ઘણી ઓછી છે. તાજેતરમાં ખાલી પડેલી જમીનમાં ગેરકાયદે ખનન ચાલતું હતું. એ પછી તેના પર અતિક્રમણ થવાનું શરુ થયું. આ વિસ્તારમાં મોટાભાગના ભીલ વસાહતના રહેવાસીઓ છે. ભીલ વસાહતમાં જગ્યા ન હોવાને કારણે લોકો અમર સાગર ગામમાં આવીને સ્થાયી થયા હતા. અહીંના રહેવાસીઓનો આરોપ છે કે પાકિસ્તાનમાં અશાંતિને કારણે તેઓ ભારત આવ્યા, પરંતુ અહીં પણ તેમને શાંતિથી જીવવા દેવામાં નથી આવતા.

    બીજી તરફ UITનો આરોપ છે કે આ લોકો કબજો મેળવ્યા બાદ જમીન આગળ વેચી દે છે અને પછી નવી જગ્યાએ કબજો કરે છે. એટલે આ અતિક્રમણને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 24 એપ્રિલે જોધપુરમાં પણ હિંદુ પરિવારના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું અને અતિક્રમણ દૂર કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં