Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધી મુદ્દે દિગ્વિજય સિંહે જર્મનીનો માન્યો હતો આભાર, હવે કોંગ્રેસ પાર્ટીએ...

    રાહુલ ગાંધી મુદ્દે દિગ્વિજય સિંહે જર્મનીનો માન્યો હતો આભાર, હવે કોંગ્રેસ પાર્ટીએ જ હાથ ઊંચા કરી મૂક્યા: જયરામ રમેશના ડેમેજ કંટ્રોલના પ્રયાસ

    પોતાના ટ્વિટમાં દિગ્વિજય સિંહે તેમ પણ કહ્યું હતું કે ભારતમાં લોકતંત્રને કિનારે કરીને રાહુલ ગાંધીને હેરાન કરવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    રાહુલ ગાંધીનું સાંસદપદ રદ થવાને લઈને જર્મનીના વિદેશ મંત્રાલયે એક ટિપ્પણી કરી હતી. જેને લઈને કોંગેસ નેતા દિગ્વિજય સિંહે જર્મનીનો આભાર વ્યક્ત કરતાં હોબાળો મચી ગયો હતો. ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો શરૂ કરી દીધા હતા તેવામાં પાર્ટીને વધતું નુકસાન જોઇને કોંગ્રેસે પણ હાથ અધ્ધર કરી લીધા અને દિગ્વિજયસિંહે આપેલા નિવેદન બાદ જયરામ રમેશે ‘ડેમેજ કન્ટ્રોલ’ કરવાના પ્રયાસો કરીને એક નિવેદન આપ્યું હતું.

    દિગ્વિજય સિંહના નિવેદન બાદ શરૂ થયેલા ટ્વીટર યુદ્ધમાં ચારે બાજુથી ઘેરાયા બાદ કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ કરવા જયરામ રમેશને મેદાને ઉતાર્યા હતા. આડકતરી રીતે દિગ્વિજય સિંહે આપેલા નિવેદનનું ખંડન કરતા જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીની રાજનીતિ ડરાવવા-ધમકાવવાવાળી છે, જેના કારણે આપણા લોકતંત્ર પર જે જોખમ સર્જાયું છે તેનો સામનો કોંગ્રેસે પોતે જ કરવો પડશે.

    શું હતું દિગ્વિજય સિંહનું નિવેદન?

    રાહુલ ગાંધીના કેસને લઈને જર્મનીના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું હતું કે રાહુલનું સભ્યપદ જવાની બાબતનું તેમણે સંજ્ઞાન લીધું છે. મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે અમને તેની પણ જાણ છે કે રાહુલ ગાંધી પોતાના સભ્યપદ રદ કરવાના નિર્ણયને પડકારી શકે છે, આ પછી જ તમામ બાબતો જાણી શકાશે. તેમણે તેમ પણ જણાવ્યું હતું કે જર્મનીને આશા છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ સમાન કાનુન લાગુ થશે.

    - Advertisement -

    જર્મન વિદેશ મંત્રાલયના આ નિવેદનના જવાબમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને મંત્રાલય અને ડોયચે વેલીના ચીફ ઇન્ટરનેશનલ એડિટર રિચર્ડ વોલ્કરને ધન્યવાદ પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, ‘ચાલો કોઈએ તો આ મામલે સંજ્ઞાન લીધું.’ આ દરમિયાન દિગ્વિજય સિંહે તેમ પણ કહ્યું હતું કે ભારતમાં લોકતંત્રને કિનારે કરીને રાહુલ ગાંધીને હેરાન કરવામાં આવી રહ્યા છે.

    દિગ્વિજય સિંહના નિવેદન પર ભાજપનો પલટવાર

    દિગ્વિજય સિંહે જર્મનીનો આભાર વ્યક્ત કરતાંની સાથે જ ભાજપ એકશનમાં આવી ગયું હતું. કોંગ્રેસ અને દિગ્વિજય સિંહ પર નિશાનો સાધતા કાયદા મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે આપણા દેશના આંતરિક મામલાઓમાં વિદેશી શક્તિઓનો ઉપયોગ કરવા બદલ રાહુલ ગાંધીનો આભાર. તેમણે તેમ પણ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં હવે ભારતીય ન્યાયપાલિકા વિદેશી શક્તિઓથી પ્રભાવિત નહીં થાય.

    તો બીજી તરફ ભાજપ નેતા અનુરાગ ઠાકુરે પણ કોંગ્રેસ પર આકરું વલણ દાખવીને પ્રહાર કર્યા હતા, તેમણે કહ્યું કે, “કોંગ્રેસ અને રાહુલ ગાંધી ભારતની ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ નથી રાખતા, એટલે તેઓ વિદેશી તાકાતોને આપણા આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ આ નવું ભારત છે, મોદીજી કોઈ પણ વિદેશી દખલગીરીનો સ્વીકાર નહીં કરે.”

    ઉલ્લેખનીય છે કે એક ચૂંટણી સભામાં બધાં જ મોદી ચોર હોય છે એ બાબતનું નિવેદન કરવા બદલ સુરત કોર્ટ દ્વારા કોંગ્રેસના સાંસદ અને પક્ષનાં ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને દોષીત જાહેર કરવામાં આવ્યાં હતા. રાહુલ ગાંધીને આ બાબતે બે વર્ષની સજા થઇ છે. ત્યાર બાદ કાયદાકીય જોગવાઈ અનુસાર રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં