Sony TV પર આવતા રિયાલિટી શૉ માસ્ટરશૅફમાં ભાગ લેવા આવેલાં અરુણા વિજય હાલ ચર્ચામાં છે. જૈન સમાજમાંથી આવતાં અરુણા વિજયે શૉમાં ઈંડાવાળી વાનગી બનાવવાની ના પાડીને 25 લાખ જેવી માતબર ઇનામી રકમ જતી કરીને હાર સ્વીકારી લીધી હતી. પોતાનાં મૂલ્યો-સિદ્ધાંતો અને પરંપરાને જાળવવા માટે તેમણે કરેલા આ નિર્ણયને લોકોએ ખોબલે-ખોબલે વધાવ્યો છે અને તેઓ ચર્ચાનો વિષય બન્યાં છે.
વાસ્તવમાં આ શૉમાં આખા દેશમાંથી અનેક લોકો ભાગ લઈને પોતાની પાક-કળાનું પ્રદર્શન કરે છે અને સહુથી સારા શૅફને પુરસ્કાર આપવામાં આવે છે. શૉમાં ક્યારે કઈ વાનગી બનાવવી તે શૉના જજ નક્કી કરે છે. જ્યારે માસ્ટરશૅફમાં 25 લાખ જતા કરનાર અરુણા વિજય જૈનના પોતાના સિદ્ધાંતોને પ્રથમ સ્થાન આપીને શૉ છોડવાના નિર્ણયે દર્શકો સહિત જજીસ પેનલને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. કારણ કે અરુણા વિજયે ટોપ 10માં પોતાનું સ્થાન બનાવી લીધું હતું.
સ્પર્ધાના આ પડાવ પર જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તેમને 25 લાખની રકમ ઇનામ સ્વરૂપે મળવાની હતી. પરંતુ મૂળ તમિલનાડુના જૈન પરિવારમાંથી આવતા અરુણા વિજયે ઈંડાવાળી વાનગી બનાવીને ના પાડીને શૉમાં પાછળ રહેવાનું નક્કી કર્યું હતું. પોતાના આ નિર્ણયને લઈને અરુણાએ પોતે ટ્વીટ કરીને માહિતી આપી હતી અને પોતાને ગર્વથી જૈન ગણાવ્યાં હતાં.
I gave up the immunity pin for an egg,
— Aruna vijay (@VjcarsOfficial) February 3, 2023
PROUD JAIN
“You never run behind success leaving your principles, let success follow you respecting your values. Your values makes you a winner”#MasterChefIndia #eggchallenge #proudjain #ahimsaparmodharam #Jainism #immunitypin pic.twitter.com/RFLhi5uEYI
અહીં નોંધનીય છે કે જૈન ધર્મના લોકો અહિંસામાં વિશ્વાસ કરે છે અને શાકાહારનું પાલન કરે છે. તેવામાં રિયાલિટી શૉ માસ્ટરશૅફમાં જૈન ધર્મમાંથી આવતાં અરુણા વિજયને વાનગીમાં ઇંડાનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ રીતે ના પાડી દીધી હતી.
માસ્ટરશૅફ ઇન્ડિયામાં ટોપ 10માં પહોંચેલા સ્પર્ધીઓમાં દેશના અલગ-અલગ ભાગના અલગ-અલગ લોકો સામેલ હતા. આ રિયાલિટી શોમાં દેશભરના કુલ 36 લોકોએ ભાગ લીધો હતો. શૉ Sony TV ચેનલ પર સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગે પ્રસારિત કરવામાં આવે છે.