Friday, May 24, 2024
More
  હોમપેજરાજકારણગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો રિપોર્ટ કોંગ્રેસ હાઇકમાન્ડને સોંપતા જગદીશ ઠાકોર: હારની...

  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો રિપોર્ટ કોંગ્રેસ હાઇકમાન્ડને સોંપતા જગદીશ ઠાકોર: હારની જવાબદારી લેવાના સ્થાને જરીપુરાણા બહાનાઓ આલાપ્યા

  હાલ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ સમક્ષ હારેલા ઉમેદવારોએ પોતાની હારના કારણોનો રિપોર્ટ રજુ કર્યો છે. જેમાં કોંગ્રેસની હારના મુખ્ય કારણોમાં સંગઠનની નિષ્ક્રિયતા અને અંગત નેતાઓની પક્ષ વિરોધી કામગીરીને જવાબદાર માનવામાં આવ્યા છે.

  - Advertisement -

  તાજેતરની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જે બાદ સંગઠનમાં સતત બેઠકોનો દોર ચાલુ જ છે. હાલ ગુજરાત કોંગ્રેસે એક લીટીનો ઠરાવ રજુ કરીને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પસંદ કરવાની તમામ સત્તા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આપી દીધી છે. સાથે જ અહેવાલો સૂચવે છે કે જગદીશ ઠાકોરે હાઇકમાન્ડને ગુજરાત ચૂંટણીમાં હારના કારણોનો રિપોર્ટ સોંપ્યો છે.

  અહેવાલો અનુસાર કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષે રવિવારે (18 ડિસેમ્બર) મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “ગુજરાત કોંગ્રેસ વિધાનસભા પક્ષની આજે બેઠક મળી, AICCના ઇન્ચાર્જ વિધાનસભા પક્ષના નેતૃત્વનું નક્કી કરવા આવેલ ડો. બી. કે. હરિપ્રસાદના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી. કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ એક લીટીનો ઠરાવ કરીને હાઇકમાન્ડને મોકલી આપ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા નિયુક્ત કરવા માટેની સંપૂર્ણ સત્તા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આપવામાં આવી છે અને સર્વાનુમતે ઠરાવ મોકલી આપ્યો છે.”

  આ સિવાય આ જ દિવસે કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનના ઉમેદવારોની પ્રદેશ સંગઠન સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ઉમેદવારોએ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની હારના કારણો સંગઠન સામે રજૂ કર્યા હતા. 2017માં કોંગ્રેસ 77 બેઠકો મેળવવામાં સફળ થઇ હતી જેમાં સૌરાષ્ટ્રનો ખુબ મોટો ફાળો હતો. પરંતુ આ વખતે કોંગ્રેસે તેમાંથી મોટા ભાગની બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો અને 2022માં કોંગ્રેસ માત્ર 17 પર આવીને અટકી ગઈ હતી.

  - Advertisement -

  ઝોનવાઈઝ યોજાઈ સમીક્ષા બેઠકો

  કોંગ્રેસ પ્રદેશ સંગઠને ગુજરાતમાં થયેલ અતિશય ખરાબ પરાજય બાદ મનોમંથન કરવાનું નક્કી કર્યું હતું. જે અનુસાર તેમણે ગુજરાતના દરેક ઝોનના હારેલા ઉમેદવારોને તેમની હારના કારણો જણાવવા કહ્યું હતું. દરેક ઝોનની જુદી જુદી બેઠકો પણ ગોઠવવામાં આવી હતી.

  વિધાનસભા ચૂંટણીની હાર બાદ કોંગ્રેસની સમિક્ષા બેઠકો યોજાઈ હતી. જેમાં ઝોન પ્રમાણે વિધાનસભાના ઉમેદવારો અને ધારાસભ્યો સાથે બેઠક થઇ હતી. જેમાં કોંગ્રેસની હારના અનેક કારણો સામે આવ્યા હતા. જેનું સંકલન કરીને પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કોંગ્રેસ હાઇકમાન્ડને એક રિપોર્ટ પણ સોંપ્યો છે.

  હારેલા ઉમેદવારો અનુસાર શું રહ્યા કોંગ્રેસની હારના કારણો?

  આ સમીક્ષા બેઠકોમાં દરેક હારેલા ઉમેદવારોએ પોતાની હારના કારણો જણાવ્યા હતા. મોટા ભાગના ઉમેદવારોએ પોતાની હારની જવાબદારી લેવાના સ્થાને ચૂંટણી પંચ, ભાજપ અને વહીવટી તંત્ર પર દોષનો ટોપલો ઊંધો વાળ્યો હતો.

  રિપોર્ટમાં દર્શાવાયેલ કોંગ્રેસની હારના મુખ્ય કારણો આ મુજબ છે;

  • નબળુ સંગઠન અને બુથ સ્તરનુ મીસમેનેજમેન્ટ
  • સરકારી મશીનરીનો બેફામ દુર ઉપયોગ
  • ત્રીજા પક્ષના કારણે કોગ્રેસના કમીટેડ મતમાં થયેલુ વિભાજન 
  • ભારતીય જનતા પાર્ટી દ્વારા ચુટણીમાં પાણીની જેમ વહેડાવેલ રૂપિયા
  • ઉમેદવારો જાહેર કરવામાં થયેલો વિલંબ અને પ્રચારનો ઓછો સમય
  • પ્રચાર-પ્રસાર માટે કોંગ્રેસ ઉમેદવારોને ઓછો સમય મળ્યો
  • વહીવટી તંત્ર પાર્ટીનાં વ્યક્તિ તરીકે લડી રહ્યું હતું
  • ભાજપે જ્યાં મત ઓછા મળ્યાં તે વિસ્તારોને ટાર્ગેટ કર્યાં

  આ કારણોનો અભ્યાસ કર્યા બાદ એવું નથી લાગતું કે કોંગ્રેસ હજી પણ પોતાની ભૂલોનો સ્વીકાર કરી શકવામાં સક્ષમ હોય. તે હજી પણ આત્મમંથન કરવાને બદલે પોતાની હારના કારણોનો દોષ અન્યો પર ઢોળી દઈને છૂટી જવા માંગે છે એવું ફરીથી સ્પષ્ટ થઇ રહ્યું છે. આ વખતે કોંગ્રેસ પ્રચારમાં પણ ઢીલી જોવા મળી હતી પરંતુ ઉપરોક્ત કારણોમાં તેનો કોઈજ ઉલ્લેખ નથી. ત્રીજા પક્ષને લીધે જો કોંગ્રેસના કમિટેડ મતદારો વિભાજીત થયા હોય એવું ખુદ કોંગ્રેસ માનતી હોય તો પછી તેનું અસ્તિત્વ જ ગુજરાતમાં જોખમાયું છે એ સાબિત થાય છે. જો આમ હોય તો એ માટે કોંગ્રેસ શું કરશે એની કોઈજ સ્પષ્ટતા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી નથી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં