પત્રકારમાંથી રાજકારણી બનેલા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીનો એક જૂનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. જેમાં ઈસુદાને હાલના તેમની પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને લઈને કહ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચારને લઈને સૌ કોઈને પ્રશ્નો પૂછતા રહે છે પરંતુ હવે તેઓ જ ફસાઈ ગયા છે.
ઈસુદાન ગઢવીનો આ જૂનો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર ઝડપથી ફરી રહ્યો છે. વિડીયોમાં ઈસુદાન ગઢવી કહેતા સંભળાય છે કે, “ભ્રષ્ટાચારને લઈને સૌ કોઈને ઘેરતા કેજરીવાલ હવે ખુદ ફસાઈ ગયા છે. કેજરીવાલ ઉપર એક એનજીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે પોતાના સાળાને ફાયદો પહોંચાડવાનો પણ પ્રયાસ કર્યો છે.”
અહેવાલમાં આગળ જણાવવામાં આવ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પોતાને ભ્રષ્ટાચાર વિરુદ્ધના કિંગ સાબિત કરવામાં કોઈ કસર છોડતા નથી પરંતુ આ વખતે તેમના સાળા ભ્રષ્ટાચારમાં ફસાતા દેખાઈ રહ્યા છે. અહેવાલમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કેજરીવાલના સાળા સુરેન્દ્ર કુમાર બંસલ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોમાં સંડોવણી બદલ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.
ઈસુદાન ગઢવીનો આ વિડીયો શૅર કરીને એક ટ્વિટર હેન્ડલ લખ્યું હતું કે, મને કમનસીબે બહુ ગુજરાતી આવડતું નથી, પરંતુ એટલું સમજાયું છે કે અરવિંદ કેજરીવાલ=ભ્રષ્ટાચાર. તેમણે ગુજરાતીઓને વિનંતી કરી આ મુદ્દે પ્રકાશ પાડવા માટે કહ્યું હતું તો એ પણ પ્રશ્ન પૂછ્યો હતો કે શું આ એન્કર ઈસુદાન ગઢવી જ છે, જેઓ હાલ આમ આદમી પાર્ટી ગુજરાતના નેતા છે.
It is unfortunate that I don’t know much of Gujarati.
— Modi Bharosa (@ModiBharosa) August 21, 2022
I could only understand
Arvind Kejriwal = Corruption
Request Gujarati brothers & sisters on my timeline to shed some light on it .
Also confirm if the anchor is @isudan_gadhvi who is currently in Gujarat @AamAadmiParty https://t.co/QD0tXmYhyD pic.twitter.com/wZpDT8APsg
આ વિડીયો ત્યારબાદ અન્ય પણ કેટલાંક હેન્ડલો દ્વારા શૅર કરવામાં આવ્યો હતો અને ઈસુદાન ગઢવીને ટેગ કરીને પૂછ્યું હતું કે આ વિડીયો સાચો છે કે કેમ.
.@isudan_gadhvi
— Sujit Hindustani (@geeta5579) August 22, 2022
Is this true? pic.twitter.com/pTrzkKqhWz
આ મામલો વર્ષ 2017નો છે. જ્યારે રોડ એન્ટી કરપ્શન ઓર્ગેનાઇઝેશન નામના એક એનજીઓએ સુરેન્દ્ર બંસલે પીડબ્લ્યુડી વિભાગ પાસેથી ખોટી રીતે મોટો નફો મેળવ્યો હોવાની ફરિયાદ કરી હતી. એનજીઓએ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલે 2014થી 2016 વચ્ચે અનેક નિર્માણકાર્યોનો સરકારી કોન્ટ્રાક્ટ સુરેન્દ્ર કુમાર બંસલને અપાવ્યો હતો. જેમાંથી અનેક ફર્જી કંપનીઓ બનાવીને કરોડોનું કામ બતાવવામાં આવ્યું અને કાગળ પર જ કામ બતાવીને પૈસા પડાવી લેવામાં આવ્યા. કેજરીવાલે તેમના સબંધીઓને ફાયદો પહોંચાડવા માટે આમ કર્યું હોવાના આરોપ લાગ્યા હતા.
એનજીઓએ કેજરીવાલ સરકાર પર નિયમોના ઉલ્લંઘન મામલે પણ આરોપ લગાવ્યા હતા. એનજીઓએ એમ પણ કહ્યું હતું કે સુરેન્દ્ર કુમાર બંસલની કંપની દ્વારા 8 કરોડનું કૌભાંડ થયું હોવાના તેમની પાસે પુરાવા છે. આ જ ઘટનાને લઈને ઈસુદાન ગઢવીએ શૉ કર્યો હતો, જેનો વિડીયો હાલ ફરી રહ્યો છે.
ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા તે પહેલાં એક ખાનગી ટીવી ચેનલના એડિટર તરીકે કામ કરતા હતા. ત્યાંથી રાજીનામું આપી દીધા બાદ તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ‘આપ’માં જોડાયા પછી ઘણા સમય પછી તાજેતરમાં જ તેમને જવાબદારી મળી છે.