હાલમાં જ ISRO ચીફ એસ. સોમનાથ વિશે એક ખુલાસો થયો છે જેના પરથી તેમનો જોમ અને જુસ્સો જોઈ શકાય છે. એક તરફ, ભારત તેના અત્યાર સુધીના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આદિત્ય L1ના લોન્ચની રાહ જોઈ રહ્યું હતું, તો બીજી તરફ, આદિત્ય L1ના લોન્ચિંગના દિવસે જ સોમનાથને કેન્સર જેવી જીવલેણ બીમારી હોવાનું નિદાન થયું હતું. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે હાલમાં દવાઓ ચાલી રહી છે. સર્જરીના થોડા દિવસો પછી બધું બરાબર થઈ ગયું હતું. તેમણે કહ્યું કે, “જો કે આ લડાઈ હજુ લડવાની બાકી છે, પરંતુ મને વિશ્વાસ છે કે હું આ યુદ્ધ જીતીશ.”
સોમનાથે એક ઈન્ટરવ્યુમાં આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે, “ચંદ્રયાન-3 મિશન દરમિયાન મને અહેસાસ થયો કે મને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ છે. મને કંઈ સ્પષ્ટ નહોતું. પરંતુ આદિત્ય L1 ના લોન્ચિંગની સવારે, મેં તપાસ કરી અને મને ખબર પડી કે મને કેન્સર છે”. તેનાથી તે અને તેમનો પરિવાર બંને પરેશાન હતા. તેમણે કહ્યું કે, “આ સમયે અમે બધા એક મહત્વપૂર્ણ મિશનમાં રોકાયેલા હતા, આવી સ્થિતિમાં મેં મારી જાતને નિયંત્રિત કરી.”
ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 એ 2 સપ્ટેમ્બર 2023 ના રોજ તેની યાત્રા શરૂ કરી. એ જ દિવસે એસ. સોમનાથ રૂટીન ચેકઅપ માટે ગયા હતા. આ દરમિયાન તેમના પેટમાં કેન્સરની જાણ થઈ હતી. ડોક્ટરોએ જણાવ્યું કે આ રોગ આનુવંશિક છે. આ પછી સર્જરી કરવામાં આવી હતી. પછી કીમોથેરાપી ચાલુ રહી. તેમણે કહ્યું કે આ દરમિયાન તેનો પરિવાર ખૂબ જ પરેશાન હતો.
પોતાની બીમારી અંગે તાજી અપડેટ આપતા એસ સોમનાથે કહ્યું કે તેઓ હાલમાં દવા લઈ રહ્યા છે. સર્જરીના થોડા દિવસો પછી બધું બરાબર થઈ ગયું. તેમણે કહ્યું કે તે નિયમિત સ્કેન અને ચેકઅપ કરાવી રહ્યા છે. તેમનું સમગ્ર ધ્યાન હવે ઈસરોના આગામી મિશનો પર છે.
2022માં બન્યા હતા ISROના ચીફ
ઉલ્લેખનીય છે કે એસ સોમનાથે 14 જાન્યુઆરી 2022ના રોજ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમનું પૂરું નામ શ્રીધર પણીકર સોમનાથ છે. તેમણે 14 જાન્યુઆરી, 2022ના રોજ અવકાશ વિભાગના સચિવ અને સ્પેસ કમિશનના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. અગાઉ, તેઓ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ના ડિરેક્ટર હતા.