ઈરાન હાલ ચર્ચામાં છે. અહીં 22 વર્ષીય યુવતીના મોત બાદ મોટાપાયે મહિલાઓ પ્રદર્શન કરી રહી છે અને ધીમે-ધીમે તેણે હિંસક સ્વરૂપ પકડવા માંડ્યું છે. દરમ્યાન, ત્યાંના રાષ્ટ્રપતિ ચર્ચામાં આવ્યા છે. ઈરાની રાષ્ટ્રપતિએ સીએનએનની એક પત્રકારને ઇન્ટરવ્યૂ આપવાનો એટલા માટે ઈનકાર કરી દીધો હતો, કારણ કે તેણે વાતચીત દરમિયાન હિજાબ પહેરવાની ના પાડી દીધી હતી.
વધુ રસપ્રદ બાબત એ છે કે, આ ઘટના ઈરાનમાં નહીં પરંતુ અમેરિકામાં બની હતી. ઇરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસી હાલ અમેરિકામાં છે અને તેમણે યુએનની સામાન્ય સભામાં સંબોધન પણ કર્યું હતું. ત્યાં જ અમેરિકાની જાણીતી ન્યૂઝ ચેનલ સીએનએનની એક પત્રકાર તેમનો ઇન્ટરવ્યૂ લેવા માટે પહોંચી હતી, પરંતુ તે થઇ જ ન શક્યો.
આ ઘટના અંગે જણાવતાં અમેરિકી પત્રકારે ટ્વિટર પર લખ્યું કે, આ ઇન્ટરવ્યૂના આયોજન માટે કેટલાંય અઠવાડિયાનો સમય લાગ્યો હતો અને ઇન્ટરવ્યૂ અગાઉ તૈયારીઓ અને બધાં સાધનો ગોઠવવામાં કલાકો લાગ્યા હતા. જોકે, રાષ્ટ્રપતિ રઈસી નિયત સમયે પહોંચ્યા ન હતા અને 40 મિનિટ બાદ તેમનો એક માણસ આવ્યો અને ઇન્ટરવ્યૂ લેનાર મહિલા પત્રકારને હિજાબ પહેરવા માટે કહ્યું હતું. તે માટેનું કારણ એવું આપવામાં આવ્યું કે હાલ મહોરમ ચાલી રહ્યો છે.
This was going to be President Raisi’s first ever interview on US soil, during his visit to NY for UNGA. After weeks of planning and eight hours of setting up translation equipment, lights and cameras, we were ready. But no sign of President Raisi. 2/7
— Christiane Amanpour (@amanpour) September 22, 2022
જોકે, મહિલા પત્રકારે આદરપૂર્વક હિજાબ પહેરવાની ના પાડી દીધી હતી અને કહ્યું કે તેઓ ન્યૂયોર્કમાં છે જ્યાં હિજાબનો કોઈ નિયમ કે કાયદો નથી. તેમણે એમ પણ જણાવ્યું કે, તેઓ અગાઉના ઈરાની રાષ્ટ્રપતિઓનાં ઇન્ટરવ્યૂ કરી ચૂક્યાં છે અને તેમાંથી કોઈએ તેમને હિજાબ પહેરવા માટે કહ્યું ન હતું.
જોકે, રાષ્ટ્રપતિના માણસો તરફથી તેમને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેવામાં આવ્યું કે, તેઓ હિજાબ નહીં પહેરે તો ઇન્ટરવ્યૂ થઇ શકશે નહીં. જોકે, પત્રકાર પણ ઝૂક્યાં નહીં અને આખરે ઇન્ટરવ્યૂ રદ કરી દેવો પડ્યો હતો. પત્રકારે ટ્વિટર પર લખ્યું કે, ઈરાનમાં એક તરફ સતત પ્રદર્શનો ચાલી રહ્યાં છે અને લોકો મરી રહ્યા છે ત્યારે રાષ્ટ્રપતિ રઈસી સાથે વાતચીત ઘણી મહત્વપૂર્ણ હતી.
ઈરાનમાં મહસા અમીની નામની એક 22 વર્ષીય મહિલાને ઈરાનની પોલીસે વ્યવસ્થિત રીતે હિજાબ ન પહેરવા બદલ પકડી લીધી હતી અને તેને ડિટેન્શન સેન્ટર સુધી લઇ જતી વખતે માર માર્યો હતો. આ ઘટના 13 સપ્ટેમ્બરના રોજ બની હતી. ત્યારબાદ તે કોમામાં જતી રહી હતી એ ડોકટરોએ બ્રેન ડેડ જાહેર કરી હતી. થોડી સારવાર બાદ હોસ્પિટલમાં જ તે મૃત્યુ પામી હતી.
મહસા અમીનીની હત્યા બાદ ઈરાનમાં હજારો મહિલાઓ રસ્તા ઉપર ઉતરી આવી હતી અને હિજાબ વિરુદ્ધ પ્રદર્શન કર્યાં હતાં. જે વધુ આક્રમક બન્યાં અને લોકોએ હોબાળો મચાવીને આગચંપી પણ કરવા માંડી હતી. જેના કારણે સરકારે ઇન્ટરનેટ સેવા પણ સ્થગિત કરી દીધી હતી.