એસ. એસ રાજામૌલીની પ્રખ્યાત ફિલ્મ RRR હાલ ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં પણ ચર્ચાનો વિષય બની છે. ફિલ્મે પહેલાં તેના ગીત ‘નાટૂ..નાટૂ’ માટે ગોલ્ડન ગ્લોબ એવૉર્ડ જીત્યો અને હવે વિદેશની ધરતી પર વધુ બે એવોર્ડ પોતાના નામ કર્યા છે.
ભારતીય ફિલ્મ RRRને ‘બેસ્ટ ફોરેન લેન્ગવેજ ફિલ્મ’ માટે ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્ મળ્યો છે. ઉપરાંત, ફિલ્મના ‘નાટૂ..નાટૂ’ ગીતને બેસ્ટ સોન્ગ માટેની ‘ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ’ મળ્યો છે. એવોર્ડ્સના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી આ સમાચાર શૅર કરીને RRR ફિલ્મની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Congratulations to the cast and crew of @RRRMovie – winners of the #criticschoice Award for Best Foreign Language Film.#CriticsChoiceAwards pic.twitter.com/axWpzUHHDx
— Critics Choice Awards (@CriticsChoice) January 16, 2023
આ કેટેગરીમાં RRRની સ્પર્ધા વિદેશી ફિલ્મો જર્મન ફિલ્મ ‘ઑલ ક્વાઇટ ઓન થઈ વેસ્ટર્ન ફ્રન્ટ’, આર્જેન્ટિનાની ‘આર્જેન્ટિના 1985’, મેક્સિકન કોમેડી ફિલ્મ ‘બાર્ડો’, ‘ફૉલ્સ ક્રૉનિકલ ઑફ અ હેન્ડફૂલ ઑફ ટ્રૂથ્સ’, ફ્રેન્ચ ફિલ્મ ‘ક્લોઝ’ અને કોરિયન ફિલ્મ ‘ડિસિઝન ટૂ લીઝ’ જેવી ફિલ્મો સાથે હતી. આ તમામ ફિલ્મોને પછાડીને RRR ફિલ્મે બેસ્ટ ફોરેન લેન્ગવેજ ફિલ્મ માટેનો એવોર્ડ મેળવી લીધો હતો.
બીજી તરફ, સોન્ગ ‘નાટૂ..નાટૂ’એ પણ ‘કેરોલિના’, ‘હોલ્ડ માય હેન્ડ’, ‘લિફ્ટ મી અપ’ સહિતનાં વિદેશી ફિલ્મોનાં સોન્ગને પછાડીને ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ મેળવ્યો હતો. આ એવોર્ડ ફિલ્મના મ્યુઝિક કોમ્પોઝર એમએમ કિરાવણી જ્યારે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ પ્રાપ્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ફિલ્મ RRR તેના સોન્ગ ‘નાટૂ…નાટૂ’ માટે બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતી ચૂકી છે. આ ઉપરાંત, આ જ સોન્ગ વિશ્વવિખ્યાત ઓસ્કર એવોર્ડ્સ માટે પણ શોર્ટલિસ્ટ થયું છે.
એક્શન ડ્રામા ફિલ્મ RRR ગત વર્ષે 2022માં માર્ચ મહિનામાં રિલીઝ થઇ હતી. ફિલ્મ વિજયેન્દ્ર પ્રસાદ અને એસ. એસ રાજામૌલીએ સાથે મળીને લખી છે અને તેનું નિર્દેશન એસ. એસ રાજામૌલીએ કર્યું છે. ફિલ્મમાં દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના અભિનેતાઓ જુનિયર એનટીઆર અને રામ ચરણ મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય બૉલીવુડ કલાકારો અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ જોવા મળે છે.
આ ફિલ્મ દક્ષિણ ભારતના બે ક્રાંતિકારીઓ અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમના જીવન પર આધારિત છે. જોકે, તેની વાર્તા કાલ્પનિક છે. ફિલ્મ 500 કરોડના બજેટ સાથે બની હતી અને વિશ્વભરમાં 1200 કરોડની કમાણી કરી હતી. ફિલ્મ વર્ષ 2022ની સૌથી સફળ ફિલ્મો પૈકીની એક છે.