36 રાફેલ એરક્રાફ્ટ બાદ ભારત હવે ફ્રાંસ પાસેથી 26 Rafale-M ફાઈટર જેટ્સ ખરીદવા જઈ રહ્યું છે. ખાસ વાત તે છે કે આ ખરીદી ભારતીય નૌસેના માટે કરવામાં આવી રહી છે. ફ્રાન્સની સહુથી મોટી એરોસ્પેસ કંપની ‘Dassault Aviation’ સાથે જ આ સંબંધે કરાર કરવામાં આવશે, જેની પાસેથી વાયુસેના માટે 36 રાફેલ ફાઈટર જેટ્સ ખરીદવામાં આવ્યા હતા જે ડીલીવર પણ થઇ ચુક્યા છે. જોકે વર્ષ 2016માં થયેલા કરારથી આ ડીલ થોડી અલગ રહેશે. ડીઝાઇન અને ક્ષમતાની વાત કરવામાં આવે તો નેવલ ફાઈટર જેટ્સ વાયુસેનાના વિમાનોથી અલગ હોય છે.
તફાવત એટલા માટે હોય છે કે, જમીનથી હવામાં ઊડતા ફાઈટર જેટ અને સમુદ્રમાં ચાલતા વિમાનવાહક જહાજો (એરક્રાફ્ટ કેરિયર) માંથી ઊડતા ફાઈટર જેટના સંચાલનના માહોલમાં પણ મોટો તફાવત જોવા મળે છે. હાલ INS વિક્રાંત અને વિક્રમાદિત્ય પર 22 ફાઈટર જેટ તેનાત કરવાની યોજના છે. દક્ષિણ ભારતમાં માત્ર ભારત અને ચીન પાસે જ વિમાનવાહક જહાજો છે. આ Rafale-M વિમાનો નુકસાનકારક ખારા પાણીના વાતાવરણમાં રહેશે, તેથી તેને તે મુજબ ડિઝાઇન કરવામાં આવ્યા છે.
આ વિમાન ખાસ એરક્રાફ્ટ કેરિયરને લગતા પડકારોને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત આ નવા ફાઈટર જેટ્સ હાઈ-ઈમ્પેક્ટ સાથે લેન્ડ થવાની ક્ષમતા ધરાવે છે. તેમાં Catapult (ગિલોલ જેવું સાધન) અથવા રેમ્પ-લોન્ચ ટેકનોલોજી લાગેલી હોય છે. આ નેવલ એરક્રાફ્ટ ફાઇટર્સનું લેન્ડિંગ ગિયર બાકીના જેટ્સ કરતા વધુ મજબૂત હોય છે, તેમાં મજબૂત એરફ્રેમ લાગેલી હોય છે અને તેની વિંગ્સ (પાંખો) ફોલ્ડ થઇ શકે તેવી હોય છે. આ ફોલ્ડિંગ પાંખો એરક્રાફ્ટ કેરિયર્સ પર સંચાલન અને પાર્કિંગ કરવા માટે ખુબ જરૂરી હોય છે.
જ્યારે તેનાથી અલગ જમીન પરથી ઉડતા વિમાનોને આ સુવિધાઓની જરૂર હોતી નથી કારણ કે તેમના માટે રનવે બનેલા હોય છે. ભારતમાં અત્યાર સુધી MiG-29K વિમાનને એરક્રાફ્ટ કેરિયરથી સંચાલિત કરવામાં આવે છે, જેમાં સરળ લેન્ડીંગ માટે ટેઇલહૂક લાગેલા છે. નોંધનીય છે કે એક વિમાનવાહક જહાજ પર અનેક વિમાનોને ઉતરવા માટે ફોલ્ડિંગ પાંખોની જરૂર પડે છે. જ્યારે આપણે Sukhoi Su-30MKIને જોઈશું, ત્યારે તેમાં આવી કોઈ સુવિધા નહીં જોવા મળે. કારણ કે તેના લેન્ડીંગ અને જાળવણી માટે જમીન પર પૂરતી જગ્યાની જરૂર પડે છે.
POV of a Rafale Marine pilot on the Charles de Gaulle pic.twitter.com/9D02FhnD70
— Skies-of-Glory (@violetpilot1) April 23, 2022
તો બીજી તરફ એરક્રાફ્ટ કેરિયરના ડેકનું કદ મર્યાદિત છે. નૌકાદળના ફાઈટર વિમાનોને તેમના જમીની સમકક્ષ વિમાનો કરતા હળવા અને નાના બનાવવામાં આવે છે. બીજી તરફ તેમની ઉડવાની રેન્જ પણ પ્રમાણમાં ઓછી હોય છે. પરંતુ તેઓ ઇન-ફ્લાઇટ રિફ્યુઅલ કરવાની ક્ષમતા ધરાવે છે અને તેમાં રડાર સિસ્ટમ પણ લાગેલી હોય છે. સાથે જ તેની નેવિગેશન સિસ્ટમ સમુદ્રને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય છે. આ પ્રકારના વિમાનો બનાવવામાં તેવા મટીરીયલનો ઉપયોગ કરવામાં આવે છે જે દરિયાના ખારાં પાણીના દુષ્પ્રભાવો સહન કરી શકે.
આ પ્રકારના જેટ્સ કોઈ જહાજ કે સબમરીન વિરુદ્ધ ઉપયોગ કરવામાં વધુ પ્રભાવિત હોય છે. તેના પાયલોટ પણ વિશેષ હોય છે, કારણકે તેમને રન-વેની જગ્યાએ એરક્રાફ્ટ કેરિયરના ડેક પર લેન્ડીંગ કરવાનું હોય છે. આ વિમાનોમાં સામેનો ભાગ થોડો અણીવાળો હોય છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને ફ્રાંસ વચ્ચે Rafale-M ફાઈટર માટે 5.5 બિલીયન યુરો એટલે કે 49879.49 કરોડ રૂપિયાની ડીલ થશે. નવા રાફેલ ઉપરાંત ભારત ફ્રાંસ પાસેથી 3 સ્કોર્પિયન સબમરીન્સ પણ ખરીદશે.