બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનની અગામી ફિલ્મ પઠાણ ઉપરાછાપરી નવા વિવાદોમાં ઘેરાતી જ જાય છે. વિવાદિત ગીત ‘બેશરમ રંગ’ના વિરોધ વચ્ચે નવો વિવાદ સર્જાયો છે. વાસ્તવમાં બુલંદશહરમાં શાહબાઝ નામના એક ઈસમે દીપિકાની જગ્યાએ સીએમ યોગીનો ચહેરો લગાવી અશ્લીલ ફોટો વાયરલ કર્યો હતો. હિંદુ સંગઠનોના ધ્યાને આ બાબત આવતાં વિરોધ દર્શાવીને ફરિયાદ દાખલ કરી હતી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ બુલંદશહરમાં શાહબાઝ નામના શખ્સે દીપિકાની જગ્યાએ સીએમ યોગીનો ચહેરો લગાવી અશ્લીલ ફોટો વાયરલ કર્યો હતો. તેણે ‘બેશરમ રંગ’ ગીતના પોસ્ટરમાં શાહરૂખ ખાન સાથે આલિંગનમાં ઉભેલી અભિનેત્રી દીપિકા પાદુકોણના ફોટાને હટાવીને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ફોટો લગાવીને અશ્લીલ પોસ્ટર બનાવ્યું, આટલેથી ન અટકતા શાહબાઝે આ અશ્લીલ ફોટો વાયરલ કરવાના હેતુથી પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર પણ કર્યો.
હિંદુ સંગઠનોમાં ઉભરાયો રોષ
શાહબાઝની આ કરતૂત જોઈને બુલંદશહરના સ્થાનિક હિંદુ સંગઠનો ઉકળી ઉઠ્યા હતા. ફોટો જોયા બાદ હિંદુ રક્ષા દળના પ્રદેશ ઉપાધ્યક્ષ રાકેશ સિંહ સિસોદિયાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, શાહબાઝ નામના યુવકે સનાતન હિંદુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની છબી ખરાબ કરવાની મનશાથી આ પ્રકારનો અશ્લીલ ફોટો ફેસબુકમાં વાયરલ કર્યો છે. તેને આકરામાં આકરી સજા આપવા માંગ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ પોલીસ પણ હરકતમાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી. સ્ટેશન ઇન્ચાર્જ મુનેન્દ્ર પાલ સિંહે આ બાબતે જણાવ્યું હતું કે, પોલીસે આરોપી શાહબાઝ વિરુદ્ધ આઈટી અને સાઈબર ક્રાઈમ અંતર્ગત સહિતની કલમો લગાવીને કાર્યવાહી શરૂ કરી છે.
આ પહેલા લખનૌમાં પણ આવી જ કરતૂત કરવામાં આવી હતી
નોંધનીય છે કે થોડા સમય અગાઉ પણ આ પ્રકારના જ કોઈ અસામાજિક તત્વએ પઠાણ ફિલ્મના આ અશ્લીલ ગીતના પોસ્ટરને એડિટ કરીને દીપિકાની જગ્યાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ચહેરો મૂકી દીધો હતો. આ એડિટ કરેલો ફોટો સોશિયલ મીડિયામાં વીજળી વેગે વાયરલ થયો હતો, જેમાં લોકોએ એક હિંદુ યોગીને આવી અશ્લીલ સ્થિતિમાં દર્શાવવા માટે ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો. ઘણા સોશિયલ મીડિયા યુઝરોએ યુપી પોલીસને ટેગ કરી કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું હતું.
સોશિયલ મીડિયામાં મામલો ગરમાતા યુપી પોલીસ હરકતમાં આવી હતી. યુપીના લખનૌ ખાતે પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR નોંધાઈ છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાઈ હોવાથી આઈટી એક્ટ અનુસારની કલમો પણ ઉમરવામાં આવી છે. હાલમાં લખનૌ પોલીસની ટીમ તપાસમાં લાગી હતી.