Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાન: ઇમરાન ખાને લાહોરથી રેલી કાઢી, કહ્યું- અમે જેહાદ કરવા નીકળી પડ્યા...

    પાકિસ્તાન: ઇમરાન ખાને લાહોરથી રેલી કાઢી, કહ્યું- અમે જેહાદ કરવા નીકળી પડ્યા છીએ, લોકોએ ‘ઘડીચોર’ની બૂમો પાડી

    ઇમરાન ખાને લાહોરથી રાજધાની ઇસ્લામાબાદ સુધી માર્ચનું આયોજન કર્યું, લોકોને કહ્યું- કપડાં, માસ્ક, ધાબળા, દંડા લઈને આવો.

    - Advertisement -

    પાડોશી દેશ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને સત્તા પરથી તગેડી મૂકાયા બાદ સતત તેઓ ચર્ચામાં રહે છે. ગત સપ્તાહે તેમને ચૂંટણી પંચે અયોગ્ય જાહેર કર્યા હતા અને પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર રોક લગાવી દીધી હતી. હવે ઇમરાન ખાને એક માર્ચનું આયોજન કર્યું છે. લાહોરથી ઇસ્લામાબાદ જતી આ રેલી હકીકી આઝાદી માર્ચ નામ આપવામાં આવ્યું છે, જેની આગેવાની ઇમરાન ખાન કરી રહ્યા છે. 

    ઇમરાન ખાને માર્ચમાં હિસ્સો લઇ રહેલા લોકોને સંબોધતાં કહ્યું હતું કે, તેઓ ‘જેહાદ’ કરવા માટે નીકળી પડ્યા છે. બે દિવસ પહેલાં ઇમરાન ખાને એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ માર્ચ યોજવાનું એલાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ વિરોધ પ્રદર્શન દેશના ઇતિહાસનું સૌથી મોટું પ્રદર્શન હશે, જે લાહોરના લિબર્ટી ચોકથી નીકળીને રાજધાની ઇસ્લામાબાદ જશે. 

    ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ દ્વારા માર્ચમાં ભાગ લેતા લોકોને ઇસ્લામાબાદમાં યોજાનાર ધરણા પ્રદર્શન માટે ગેસ માસ્ક, ચાદર, ધાબળા, રૂમાલ, કપડાં, નાના તંબૂ અને દંડા સાથે લઈને આવવા માટે કહ્યું છે. બીજી તરફ, ઇસ્લામાબાદ પહોંચી રહેલા લોકોને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને સુરક્ષાકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે. ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા માટે ટીયરગેસ અને પેપરગનથી લેસ 13 હજાર જેટલા જવાનોને રાજધાનીમાં તહેનાત કરવામાં આવ્યા હતા. 

    - Advertisement -

    ઇમરાન ખાને રેલી શરૂ કરતાં આઈએસઆઈની પોલ ખોલવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, હું કોઈ કાયદાઓ નથી તોડી રહ્યો. તેમણે સેનાએ પ્રમુખ બાજવાને મીર જાફર અને ગદ્દાર ગણાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, હું નવાઝ શરીફની જેમ દેશમાંથી ભાગીશ નહીં પરંતુ દેશમાં જ રહીને કાયદાનો સામનો કરીશ. ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન અને પાકિસ્તાનના સેના પ્રમુખ બાજવા અને આઈએસઆઈ પ્રમુખ નદીમ અંજુમ વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલી રહી છે. 

    ઇમરાન ખાને લાહોરથી માર્ચની શરૂઆત કર્યા બાદ તેમાં સામેલ થવા માટે વકીલોને આમંત્રણ આપવા માટે ગયા હતા. દરમ્યાન, તેમને જોઈને ઘણા લોકોએ ‘ઘડી ચોર’ની બૂમો પાડવા માંડી હતી. જેના કારણે ઇમરાન ખાને ભાગવું પડ્યું હતું. 

    વાસ્તવમાં, તાજેતરમાં જ ઇમરાન ખાનને પાકિસ્તાનના ચૂંટણી પંચે તોષાખાના કેસમાં દોષી ઠેરવ્યા હતા અને પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. ઇમરાન ખાન પર વિદેશોમાંથી મળેલ મોંઘી ભેટોને તોષાખાના (સરકારી ખજાના)માંથી સસ્તા ભાવે લઈને મોંઘી કિંમતે વેચી મારવાનો આરોપ લાગ્યો હતો, જે પુરવાર પણ થયો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં