છેલ્લા દોઢ કરતાં વધુ વર્ષથી ચાલતા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલે પાડોશી વિસ્તાર ગાઝા પટ્ટી પર નિયંત્રણ મેળવવાની ઘોષણા કરી છે. શુક્રવારે (8 ઑગસ્ટ) ઇઝરાયેલની સુરક્ષા કેબિનેટે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના પ્લાનને સત્તાવાર રીતે મંજૂરી આપી હતી. આ બાબતની જાણકારી ઇઝરાયેલી વડાપ્રધાન કાર્યાલય દ્વારા એક્સ પર પોસ્ટ કરીને આપવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર, ઇઝરાયેલી સશસ્ત્રબળો ગાઝા પર નિયંત્રણ મેળવીને ત્યાં નવી સરકાર સ્થાપિત કરશે, જે ન તો હમાસ સાથે સંબંધ ધરાવતી હોય ન પેલેસ્ટેનિયન ઓથોરિટી સાથે.
ઉલ્લેખનીય છે કે ગાઝા પટ્ટી એ ઇઝરાયેલની પશ્ચિમે આવેલો એક નાનકડો પટ્ટો છે, જેની ઉપર અત્યાર સુધી આતંકવાદી સંગઠન હમાસનું શાસન હતું. 7 ઑક્ટોબર, 2023ના રોજ હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલ પર હુમલો કરી દીધા બાદ યહૂદી દેશે વળતા જવાબમાં શરૂ કરેલા યુદ્ધમાં હમાસનું નામનિશાન નીકળી ગયું છે. કાટમાળમાં ફેરવાઈ ચૂકેલા ગાઝાનું નિયંત્રણ હવે ઇઝરાયેલ પોતાના હાથમાં લેશે તેવી ઘોષણા કરવામાં આવી છે.
સુરક્ષા કેબિનેટની મંજૂરી બાદ ઇઝરાયેલી વડાપ્રધાન કાર્યાલયે આ અંગે એક્સ પર પોસ્ટ કરીને વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં લખ્યું હતું કે, “સુરક્ષા મંત્રીમંડળે હમાસને હરાવવા માટે વડાપ્રધાનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. IDF ગાઝા શહેર પર નિયંત્રણ મેળવવાની તૈયારી કરશે અને યુદ્ધક્ષેત્રની બહાર નાગરિક વસ્તીને માનવતાવાદી સહાયનું વિતરણ પણ કરશે.”
The Security Cabinet has approved the Prime Minister's proposal for defeating Hamas.
— Prime Minister of Israel (@IsraeliPM) August 8, 2025
The IDF will prepare for taking control of Gaza City while distributing humanitarian assistance to the civilian population outside the combat zones.
પ્લાન સમજાવતાં લખવામાં આવ્યું કે,, “યુદ્ધનો અંત લાવવા માટે સર્વાનુમતે કેબિનેટે પાંચ સિદ્ધાંતો અપનાવ્યા છે. 1. હમાસનું નિઃશસ્ત્રીકરણ. 2. જીવિત કે મૃત– તમામ બંધકોને પરત લાવવા. 3. ગાઝા પટ્ટીનું સૈન્યીકરણ ખતમ કરવું. 4. ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી સુરક્ષા નિયંત્રણ. 5. એક વૈકલ્પિક વહીવટીતંત્રની સ્થાપના જે ન તો હમાસ હોય કે ન તો પેલેસ્ટિનિયન ઓથોરિટી.”
A decisive majority of Security Cabinet ministers believed that the alternative plan that had been submitted to the Security Cabinet would neither achieve the defeat of Hamas nor the return of the hostages.
— Prime Minister of Israel (@IsraeliPM) August 8, 2025
આ પહેલાં ઇઝરાયેલી પીએમ નેતન્યાહુએ ફોક્સ ન્યુઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “અમારો સ્પષ્ટ ઇરાદો છે. અમે ગાઝા પર કબજો મેળવવા માંગતા નથી, પણ સુરક્ષાની દ્રષ્ટિએ અમુક કામ કરવાં પડે છે. અમે ત્યાં શાસન નહીં કરીએ.”
નોંધનીય છે કે 2005માં ઇઝરાયેલે ગાઝામાંથી પોતાના સૈનિકો હટાવ્યા હતા પરંતુ સરહદો, હવાઈ ક્ષેત્રને નિયંત્રિત કરવાનું ચાલુ રાખ્યું હતું. હવે આ નિર્ણયથી 2005ના નિર્ણયમાં મોટો ફેરફાર આવશે. હવે ઇઝરાયેલ સંપૂર્ણપણે ગાઝાનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ રહ્યું છે. 2005માં ઇઝરાયેલ ગાઝામાંથી ગયા બાદ અહીં હમાસે કબજો મેળવી લીધો હતો અને 2006માં થયેલી કથિત ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ સરકાર સ્થાપી હતી. ત્યારથી અત્યાર સુધી અહીં હમાસનું જ નિયંત્રણ હતું.
આમ તો અત્યારે ગાઝાના મોટેભાગના વિસ્તારોમાં ઇઝરાયેલી સેના તહેનાત છે, પણ જે વિસ્તારોમાં સેના નથી ત્યાં પણ હવે લશ્કરી નિયંત્રણ મુકાઈ જશે. અમુક ઠેકાણેથી નાગરિકોને વિસ્તાર ખાલી કરવા માટે પણ કહેવામાં આવી શકે અથવા અન્યત્ર ખસેડવામાં આવી શકે. સંપૂર્ણ નિયંત્રણ મેળવવા પહેલાં ચેતવણી આપીને સમય પણ આપવામાં આવે તેવી પણ શક્યતા છે. જોકે ગાઝાનો મોટાભાગનો વિસ્તાર કાટમાળમાં ફેરવાઈ ચૂક્યો છે, જેથી સ્થળાંતર કઠિન કામ છે.


