ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરા ખાતે પોતાની એક કાર્યક્રમમાં ખુબ મહત્વની ટિપ્પણી કરી છે. જ્યાં તેઓએ અયોધ્યા રામમંદિર ખાતે યોજાયેલ હોળી ઉત્સવને યાદ કર્યો હતો. સાથે તેઓએ તેને મથુરા અને વૃંદાવનની હોળી સાથે જોડીને કહ્યું કે અહી પણ હોળીની રાહ જોવાઈ રહી છે.
પોતાના સંબોધનમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, “હોલી ખેલે રઘુવીરા ભજન તો આપણે સૌએ ખુબ સંભાળ્યું છે. પરંતુ લગભગ 500 વર્ષો બાદ રામલલાએ પોતાના અયોધ્યા ધામમાં રંગોત્સવ માણ્યો છે. આ રીતે હોળીઉજવવાની રાહ મથુરા અને વૃંદાવનની ગલીઓ પણ કરી રહી છે.”
નોંધનીય છે કે મથુરાના મંગલમ રિસોર્ટ ખાતે આયોજિત પ્રબુદ્ધજન સંમેલનમાં CM યોગીએ આ વાત કરી હતી. સાથે જ તેઓએ યાદ કરાવ્યું કે વ્રજની હોળી પૂરી દુનિયામાં વખણાય છે અને એટલે જ હોળી દરમિયાન અહીંયા શ્રદ્ધાળુઓની ભીડ વધી જતી હોય છે.
સાથે જ તેઓએ મેરઠમાં લોકસભા ઉમેદવાર બનેલા અરુણ ગોવિલ માટે પ્રચાર પણ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, “ત્રણ દાયકાઓ પહેલા જે અરુણ ગોવિલે નાના પરદા પર રામાયણમાં પ્રભુ શ્રી રામને જીવંત કર્યા હતા, હવે તેઓ પોતે મેરઠની ઓળખ બનવા જઈ રહ્યા છે.” સાથે જ તેઓએ કહ્યું કે મેરઠ ઈતિહાસમાં નથી લખાતું પરંતુ ઈતિહાસ મેરઠમાં લખાય છે.
495 વર્ષ બાદ જન્મભૂમિ પર રામલલાએ રમી હોળી
નોંધનીય છે કે અયોધ્યા નગરીમાં આ વખતે હોળી ખૂબ જ ખાસ રહી હતી. ભગવાન રામલલાએ 495 વર્ષ પછી તેમના જન્મસ્થળના ભવ્ય મહેલમાં હોળી રમી હતી. આ દરમિયાન ભક્તોએ રંગોત્સવની ઉજવણી કરી હતી. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પછી હનુમાનગઢી મંદિરમાં ભગવાનને રંગો લગાવીને રંગોનો તહેવાર ‘રંગોત્સવ’ પ્રથમ ‘રંગભરી એકાદશી’ પર શરૂ થયો હતો. સોમવારે (25 માર્ચ 2024) હોળીના અવસર પર મોટી સંખ્યામાં ભક્તો રામ મંદિરમાં રામલલાના દર્શન કરવા પહોંચ્યા હતા.
આ માટે CSIR-NBRIના વૈજ્ઞાનિકોએ બે ખાસ હર્બલ ગુલાલ તૈયાર કર્યા હતા , જેમાંથી એક કાચનારમાંથી (ગુજરાતીમાં કોવિદરના વૃક્ષ તરીકે ઓળખાતી વનસ્પતિ) બને છે. રામલલાને કાચનારમાંથી બનાવવામાં આવેલું ગુલાલ લગાવવામાં આવ્યું હતું. ત્રેતાયુગમાં કાચનારને અયોધ્યાનું રાજ્ય વૃક્ષ માનવામાં આવતું હતું અને તે આપણી આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં એક સુસ્થાપિત દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. તેમાં બળતરા વિરોધી, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ફંગલ વગેરે ગુણો પણ છે. થોડા દિવસો પહેલાં આ ગુલાલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આપવામાં આવ્યું હતું. તેમણે આ ગુલાલને વિશેષ અને ઉપયોગી ગણાવ્યું હતું.