Sunday, May 19, 2024
More
  હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિભવ્ય રામ મંદિર પર તે જ ધ્વજ પતાકા લહેરાશે જે અયોધ્યા સામ્રાજ્યની...

  ભવ્ય રામ મંદિર પર તે જ ધ્વજ પતાકા લહેરાશે જે અયોધ્યા સામ્રાજ્યની શક્તિ અને સંપ્રભુતાનો હતો પ્રતિક: રાજધ્વજ પર અંકિત હતું કોવિદરનું વૃક્ષ અને સૂર્ય, વેદ અને પુરાણોમાં પણ છે ઉલ્લેખ

  પૌરાણિક માન્યતા અનુસાર, પહેલાં કોવિદર નામના કોઈ વૃક્ષનું અસ્તિત્વ નહોતું. હરિવંશ પુરાણમાં કહેવાયું છે કે, ઋષિ કશ્યપે આ વૃક્ષની શોધ કરી હતી. પારિજાત વર્ગના કાચનાર વૃક્ષમાં મંદારના સારનું (રસનું) મિશ્રણ કરીને તેની રચના કરવામાં આવી હોવાનું પુરાણોમાં કહેવાયું છે.

  - Advertisement -

  અયોધ્યા રામ મંદિર ખાતે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીના શુભ દિવસે થવા જઈ રહ્યો છે. ત્યારે મંદિર સાથે જોડાયેલા એવા ઘણા રસપ્રદ કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. જેમાનો એક કિસ્સો અયોધ્યાના રામ મંદિર પર લગાવવામાં આવનારા ધ્વજ વિષેનો છે. રામ મંદિરમાં જે ધ્વજ સ્થાપિત કરવામાં આવશે તે જ ધ્વજ અયોધ્યા સામ્રાજ્ય સાથે ખૂબ ગાઢ સંબંધ ધરાવે છે. પ્રાચીન અયોધ્યા રાજ્યનો જે રાજધ્વજ હતો તે જ ધ્વજને હવે રામ મંદિરમાં સ્થાન મળશે. તેના પર કોવિદરનું વૃક્ષ અને સૂર્ય અંકિત કરવામાં આવ્યો હતો. જે અયોધ્યા સામ્રાજ્યની શક્તિ અને સંપ્રભુતાનું પ્રતિક ગણવામાં આવતું હતું. ઘણા સંશોધનો બાદ મધ્ય પ્રદેશના રીવાના રહેવાસી લલીત મિશ્રાએ આ ધ્વજને તૈયાર કર્યો છે.

  અયોધ્યા રામ મંદિર ખાતે તે જ ધ્વજ લહેરાશે, જે એક સમયે અયોધ્યા નગરીના વિશાળ સામ્રાજ્યની શક્તિ અને સંપ્રભુતાનો પ્રતિક હતો. અયોધ્યાના રાજધ્વજને જ રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. ધ્વજ તૈયાર કરનાર લલીત મિશ્રાએ જણાવ્યું કે, “શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ ચંપતરાયને અમે પહેલાં જે ધ્વજની ડિઝાઇન સોંપી હતી તેમાં પરિવર્તન કરવા માટેની તેમણે સલાહ આપી હતી. જેના પર સંશોધન કરીને અમે જલ્દી જ નવી ડિઝાઇન તેમના સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. તે ધ્વજ બનીને તૈયાર થઈ ગયો છે. ધ્વજમાં સૂર્ય અને કોવિદરના વૃક્ષને સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે, સૂર્ય તે સૂર્યવંશનું પ્રતિક છે અને કોવિદરનું વૃક્ષ અયોધ્યાના રાજધ્વજમાં અંકિત રહેતું હતું, એક રીતે કોવિદરનું વૃક્ષ અયોધ્યાનું રાજવૃક્ષ હતું.”

  અયોધ્યા રાજધ્વજનો વેદ અને પુરાણોમાં ઉલ્લેખ

  અયોધ્યા સામ્રાજ્યની શક્તિ અને વિજયનું પ્રતિક તેનો રાજધ્વજ હતો. તેનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણ સહિત હરિવંશ પુરાણમાં પણ છે. હરિવંશ પુરાણ અનુસાર, કોવિદરનું વૃક્ષ અયોધ્યાના રાજધ્વજ પર અંકિત હતું. સાથે જ ઋષિ વાલ્મીકિએ પણ કોવિદર વૃક્ષનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. વાલ્મીકિ રામાયણના એક શ્લોકમાં અયોધ્યા સામ્રાજ્યના રાજધ્વજ વિષેની માહિતી આપવામાં આવી હતી. અયોધ્યા કાંડના 96મા સર્ગના 18મા શ્લોકમાં લખ્યું છે કે, ‘एष वै सुमहान् श्रीमान् विटपी सम्प्रकाशते। विराजत्य् उद्गत स्कन्धः कोविदार ध्वजो रथे.’- વાલ્મીકિ રામાયણમાં લખેલા આ શ્લોક અનુસાર, જ્યારે ભરત શ્રીરામને અયોધ્યા પરત ફરવા માટે વિનંતી કરવા ચિત્રકૂટ ગયા હતા, ત્યારે તેમના રથ પર કોવિદર વૃક્ષ અને સૂર્ય ચિહ્નરૂપ મહાન અયોધ્યા સામ્રાજ્યનો ધ્વજ ફરકતો હતો, લક્ષ્મણજીએ દૂરથી જ ધ્વજને જોઈને ઓળખી ગયા હતા કે, આ અયોધ્યાની મહાસેના છે.

  - Advertisement -

  આ ઉપરાંત વાલ્મીકિ રામાયણના અયોધ્યા કાંડના 84માં સર્ગમાં પણ તેનો ઉલ્લેખ છે, તેમાં જણાવાયું છે કે, નિષાદરાજ ગૃહે સૌ પ્રથમ રથ પર લહેરાતા રાજધ્વજથી જ અયોધ્યાની મહાસેના વિષેની ઓળખ કરી હતી. એ સિવાય વેદોમાં પણ કોવિદર વૃક્ષનું વર્ણન આવે છે. કોવિદર વૃક્ષ અયોધ્યાનું રાજવૃક્ષ હતું, જે રીતે આજે રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. આયુર્વેદમાં પણ કોવિદર વૃક્ષ વિષે કહેવાયું છે કે, તે રામબાણ ઈલાજ માટે પ્રસિદ્ધ છે અને તેને પર્યાવરણ સુરક્ષાનું પ્રતિક પણ માનવામાં આવે છે. તેને લીધે જ આ વૃક્ષને અયોધ્યા સામ્રાજ્યના પવિત્ર ધ્વજમાં સ્થાન આપવામાં આવ્યું હતું. કોવિદર વૃક્ષની સાથે તેમાં સૂર્યદેવની આકૃતિ પણ અંકિત હતી. જે સૂર્યવંશી રાજાની નિશાની ગણવામાં આવતી હતી. પ્રાચીન અયોધ્યાના રાજધ્વજને જોઈને વિશ્વના લોકો ઓળખી જતાં હતા કે, આ અયોધ્યા સામ્રાજ્યની મહાસેના છે.

  ઋષિ કશ્યપે કોવિદરના વૃક્ષનું કર્યું હતું સર્જન

  પૌરાણિક માન્યતા અનુસાર, પહેલાં કોવિદર નામના કોઈ વૃક્ષનું અસ્તિત્વ નહોતું. હરિવંશ પુરાણમાં કહેવાયું છે કે, ઋષિ કશ્યપે આ વૃક્ષની શોધ કરી હતી. પારિજાત વર્ગના કાચનાર વૃક્ષમાં મંદારના સારનું (રસનું) મિશ્રણ કરીને તેની રચના કરવામાં આવી હોવાનું પુરાણોમાં કહેવાયું છે. આ વૃક્ષ પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. રામ મંદિર અયોધ્યા માટે રામરાજ્યનો ધ્વજ બનાવનાર મિશ્રા ઉત્તર પ્રદેશ સરકારના સંસ્કૃતિ વિભાગ હેઠળ કામ કરતી અયોધ્યા સંશોધન સંસ્થા સાથે સંકળાયેલા છે. લલીત મિશ્રાએ જણાવ્યું કે, અયોધ્યા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. લવકુશ દ્વિવેદીના નિર્દેશ પર રામચરિતમાનસ અને વાલ્મીકિ રામાયણ સહિત અન્ય ધાર્મિક ગ્રંથો પર સંશોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જે તથ્યો અને રહસ્યો સામે આવ્યા તેના આધારે અયોધ્યા રામ મંદિરનો ધ્વજ બનાવવામાં આવ્યો છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં