Tuesday, July 23, 2024
More
  હોમપેજદેશપત્નીએ કર્યાં બીજાં લગ્ન, પતિએ કરી ફરિયાદ, સમન્સ વિરુદ્ધ પત્નીએ હાઈકોર્ટના દરવાજા...

  પત્નીએ કર્યાં બીજાં લગ્ન, પતિએ કરી ફરિયાદ, સમન્સ વિરુદ્ધ પત્નીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા: HCએ કહ્યું- સાત ફેરા ન ફરે ત્યાં સુધી લગ્ન ન ગણાય

  સુનાવણી દરમિયાન જસ્ટીસ સંજય કુમાર સિંહે કહ્યું હતું કે, "પતિએ દાખલ કરેલી અરજીમાં ક્યાય પણ સપ્તપદીનો ઉલ્લેખ નથી અને તેને લગતા પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા નથી. પતિ સત્યમ દ્વારા પુરાવારૂપે આપેલો ફોટો પણ અસ્પષ્ટ છે. "

  - Advertisement -

  સનાતન સંસ્કૃતિ અનુસાર ઉત્તમ જીવન નિર્વાહ માટે હિંદુ શાસ્ત્રોમાં અનેક સંસ્કારોનો ઉલ્લેખ છે, જેમાં ‘લગ્ન સંસ્કાર’ એક મહત્વનું પાસું છે. હિંદુ સંસ્કૃતિમાં લગ્ન એ સામાજિક જીવનનો મૂળભૂત પાયો ગણવામાં આવ્યો છે અને સંપૂર્ણ લગ્નવિધિ દ્વારા બે વ્યક્તિ અને બે પરિવારો સામાજિક બંધનમાં બંધાય છે. ભારતમાં હિંદુ મેરેજ એક્ટમાં પણ આ પ્રકારના સંસ્કારોને ધ્યાને રાખીને કાયદા બનાવવામાં આવ્યા છે. તેવામાં લગ્ન બાબતે અલાહાબાદ હાઈકોર્ટનો એક ચુકાદો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

  અહેવાલો અનુસાર, હાઈકોર્ટે આ આદેશ એક યુવતીએ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરતાં આપ્યો હતો. તેની વિરુદ્ધ પતિ અને સાસરિયાંએ છૂટાછેડા લીધા વગર બીજાં લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો, જેની પર તેને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જે સમન્સને મહિલાએ અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી કરીને પડકાર્યું હતું. ત્યારબાદ કોર્ટે સુનાવણી હાથ ધરીને આ આદેશ આપ્યો અને મહત્વની ટિપ્પણીઓ કરી હતી.

  વધુ વિગતો એવી છે કે, સત્યમ સિંહ નામના એક વ્યક્તિનાં લગ્ન વર્ષ 2017માં સ્મૃતિ નામની યુવતી સાથે થયાં હતાં. લગ્ન બાદ કોઈ કારણોસર બંને વચ્ચેના સંબંધમાં તિરાડ પડતાં સ્મૃતિ તેના પિયર ચાલી ગઈ હતી. પિયર ગયા બાદ તેણે પોતાના પતિ અને સાસરિયાં વિરુદ્ધ દહેજ ઉત્પીડન અને ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો. જે બાદ સત્યમ અને તેના પરિવાર વિરુદ્ધ મિર્ઝાપુર કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો.

  - Advertisement -

  સ્મૃતિએ પતિ અને તેના પરિજનો વિરુદ્ધ કેસ દાખલ કરતાં મિર્ઝાપુર કોર્ટે 11 જાન્યુઆરી, 2021ના રોજ સત્યમ સિંહને તેની પત્નીને દર મહિને 4000 રૂપિયા ભરણપોષણ પેટે આપવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે નિયમ મુજબ જો પત્ની બીજાં લગ્ન કરે તો પતિ તેને ભરણપોષણ આપવા માટે બાધ્ય નથી હોતો. બીજી તરફ, થોડા જ મહિનાઓ બાદ સત્યમને શંકા ગઈ હતી કે તેની પત્નીએ છૂટાછેડા લીધા વગર બીજે લગ્ન કરી લીધાં છે.

  ત્યારબાદ સત્યમે 20 સપ્ટેમ્બર, 2021ના રોજ પત્ની વિરુદ્ધ છૂટાછેડા લીધા વગર બીજે લગ્ન કરી લીધાં હોવાની ફરિયાદ સાથે અરજી દાખલ કરી હતી. આ અરજીમાં સત્યમે પત્નીનાં બીજાં લગ્નનો એક ફોટો પણ પુરાવા રૂપે રજૂ કર્યો હતો. આ અરજી પર સુનાવણી કરતાં કોર્ટે 21 એપ્રિલ, 2021એ સ્મૃતિ સિંહને સમન ફટકારી હાજર થવા માટે જણાવ્યું હતું. જે બાદ પતિએ દાખલ કરેલી અરજી વિરુદ્ધ સ્મૃતિએ અલ્હાબાદ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

  લગ્નનો ફોટો અસ્પષ્ટ, સાત ફેરા ફર્યા હોય તેવા પુરાવાનો અભાવ- અલ્હાબાદ હાઈકોર્ટ

  પતિએ દાખલ કરેલી અરજીને સ્મૃતિએ હાઈકોર્ટમાં પડકારતાં અલ્હાબાદ હાઈકોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજય કુમાર સિંહે કહ્યું હતું કે, “પતિએ દાખલ કરેલી અરજીમાં ક્યાંય પણ સપ્તપદીનો ઉલ્લેખ નથી અને તેને લગતા પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા નથી. પતિ સત્યમ દ્વારા પુરાવારૂપે આપવામાં આવેલો ફોટો પણ અસ્પષ્ટ છે. હિંદુ મેરેજ એક્ટ મુજબ લગ્ન સમારોહ અને અગ્નિની સાક્ષીએ લીધેલા સપ્તપદીના સાત ફેરા બાદ જ લગ્ન સંપન્ન માની શકાય. જો આ લગ્ન તે મુજબ ન થયાં હોય તો કોર્ટ આ લગ્નને માન્ય ન રાખી શકે.”

  કોર્ટે સ્પષ્ટરૂપે કહ્યું હતું કે જો લગ્ન વિધિવત રૂપે સાત ફેરા સાથે ન થયા હોય તો તે લગ્નને કોર્ટ માન્ય ન રાખી શકે. આ સાથે જ અલાહાબાદ હાઈકોર્ટે પતિ સત્યમ સિંહ દ્વારા નીચલી અદાલતમાં દાખલ કરેલી ફરિયાદ રદ કરી દીધી હતી. કોર્ટના આ નિર્ણય બાદ હવે સત્ય વિરુદ્ધ પત્નીએ કરેલા કેસ યથાવત રહેશે અને જ્યાં સુધી કાયદાકીય રીતે બંનેના છૂટાછેડા ન થાય ત્યાં સુધી સત્યમે અલગ રહેતી પત્નીને ભરણપોષણ આપવાનું રહેશે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં