પાકિસ્તાનમાં લઘુમતીઓને ટાર્ગેટ કરીને તેમની હત્યાની ઘટનાઓ વધી જ રહી છે. આ મહિનાની શરૂઆતમાં એક હિંદુ ડૉક્ટરની હત્યાનો મામલો સામે આવ્યા બાદ હવે બીજા ડૉક્ટરની હત્યા કરવામાં આવી છે. કરાચી મ્યુનિસિપલ કોર્પોરેશનના રિટાયર્ડ ડિરેક્ટર અને નેત્રરોગ વિશેષજ્ઞ ડૉ. બિરબલ ગેનાનીની અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાંખી છે.
30 માર્ચના રોજ કરાચીમાં લ્યારી એક્સપ્રેસવે નજીક ડૉ. બિરબલ ગેનાનીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ હુમલામાં ડૉ. ગેનાનીના અસિસ્ટંટ ડૉ. કુરાત-ઉલ-એન ગંભીર રીતે ઘાયલ થયા છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે બંને વિક્ટિમ કારમાં સવાર હતા. વિડીયો ફૂટેજ પરથી આ ટાર્ગેટેડ કિલિંગનો કેસ હોય તેવું લાગી રહ્યું છે.
ડૉ. ગેનાનીનું ઘટનાસ્થળે જ મોત થયું
પોલીસના જણાવ્યા અનુસાર, ડૉક્ટર બિરબલ ગેનાની અને તેમના અસિસ્ટંટ મહિલા ડૉક્ટર રામસ્વામીથી ગુલશન-એ-ઈકબાલ જઈ રહ્યા હતા ત્યારે લ્યારી એક્સપ્રેસ વે પર ગાર્ડન ઈન્ટરચેન્જ પાસે અજાણ્યા શખ્સોએ તેમની કારને નિશાન બનાવી હતી. ડૉક્ટર ગેનાનીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે સહાયક મહિલા ડૉક્ટરને ગોળી વાગતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.
રિપોર્ટ મુજબ, ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ અને રેસ્ક્યુ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે ડૉક્ટર ગેનાનીની કાર બેકાબૂ રીતે ચાલી રહી છે અને દીવાલ સાથે અથડાય છે.
SSP સિટી આરિફ અઝીઝે પત્રકારો સાથેની વાતચીતમાં આ હત્યાને ‘ટાર્ગેટ કિલિંગ’ ગણાવી હતી. તેમણે કહ્યું કે આ હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જ્યારે અજાણ્યા હુમલાખોરોએ કાર પર હુમલો કર્યો ત્યારે ડૉ. ગેનાની સાથે કામ કરતા મહિલા ડૉક્ટર તેમની સાથે હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મહિલાના નિવેદન પ્રમાણે અચાનક જ ફાયરિંગ શરૂ થઈ ગયું હતું એટલે તેઓ પોતાની સૂઝબૂઝ ખોઈ બેઠા હતા.
જિઓ ન્યૂઝના અહેવાલ પ્રમાણે, વાહન પર માત્ર એક બુલેટનું નિશાન હતું. પોલીસે કહ્યું કે, તેઓ મહિલા ડૉક્ટરનું નિવેદન નોંધી રહ્યા છે. આ દરમિયાન, સિંધ ગવર્નર કામરાન ખાન ટેસોરીએ કરાચી પોલીસના એડિશનલ ઈન્સ્પેક્ટર જનરલ પાસેથી ઘટના અંગે રિપોર્ટ માંગ્યો હતો. તેમણે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
માર્ચ મહિનામાં ટાર્ગેટેડ કિલિંગની આ બીજી ઘટના
ઉલ્લેખનીય છે કે, અગાઉ 7 માર્ચના રોજ કરાચીમાં એક હિંદુ ડૉક્ટરની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પાકિસ્તાનના હૈદરાબાદમાં ડર્મેટોલોજિસ્ટ ડૉ. ધરમ દેવ રાઠીને તેમના જ ડ્રાઈવરે ગળું કાપીને મોતને ઘાટ ઉતર્યા હતા. આરોપીની ઓળખ હનીફ લેઘારી તરીકે થઈ હતી. ડૉક્ટરના રસોઈયાએ પોલીસને જણાવ્યું હતું કે, મૃતક અને આરોપી ઘરે પાછા આવતા હતા ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ઘરે પહોંચતાં જ, ડ્રાઈવરે કથિત રીતે રસોડામાંથી ચપ્પુ લઈને ડૉક્ટરની તેમના જ ઘરમાં હત્યા કરી નાખી હતી.