આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ (Himanta Biswa Sarma) મેઘાલયની ખાનગી યુનિવર્સિટીઓ પર સવાલ ઉઠાવ્યા છે. CM બિસ્વાએ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, મેઘાલયની (USTM) રચનાને મક્કા (Mecca) તરીકે ગણાવી છે અને કહ્યું છે કે અહીં ‘જેહાદ’ નહીં ‘જેહાદનો બાપ’ થાય છે. તેમણે કહ્યું હતું કે યુનિવર્સિટીનો દરવાજો જેહાદના પ્રતીક સમાન છે અને તેમાં પ્રવેશતા શરમ અનુભવાય છે. અગાઉ તેમણે USTM પર ‘પૂર જેહાદ’ માટે પણ હુમલો કર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CM હિમંતા બિસ્વાએ USTM નામની ખાનગી યુનિવર્સિટીની સંરચના પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે યુનિવર્સિટીના મુખ્ય ગેટની ઉપર ત્રણ ડોમ બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અહીં જવું શરમજનક લાગે છે, કારણ કે દરવાજમાં પ્રવેશ કરીએ તો એવું લાગે છે જાણે મક્કામાં પ્રવેશ કરતાં હોઈએ. આસામના (Assam) સીએમએ કહ્યું કે અહીં એક મંદિર પણ હોવું જોઈએ. તેમણે કહ્યું કે જો આ પ્રકારની બનાવટ બનાવી જ રહ્યા છો તો મક્કા, મદીના, ચર્ચ, બધું જ બનાવો, પરંતુ ત્યાં ફક્ત મક્કા જ બનાવવામાં આવ્યું છે. સરમાએ કહ્યું કે, “ત્યાં મંદિર, ચર્ચ અને મક્કા ત્રણેય બનાવો, અમે ત્રણેય જઈશું. માત્ર એકમાં જ શા માટે જવાનું?”
જ્યારે હિમંતા સરમાને પૂછવામાં આવ્યું કે, “તમે જેહાદ શબ્દનો ઉપયોગ કેમ કરી રહ્યા છો?” તો તેમણે કહ્યું કે, “જેહાદ કહીને હું હજુ પણ નરમાશથી વર્તી રહ્યો છું. આ લોકો તો જેહાદનો બાપ કરી રહ્યા છે. સમગ્ર શિક્ષણ વ્યવસ્થા બરબાદ થઈ રહી છે. આપણી સભ્યતા અને આપણી સંસ્કૃતિ પર હુમલો એ જેહાદ કહેવાય.”
સરમાએ કહ્યું પૂર જેહાદ માટે USTM જવાબદાર
હિમંતા બિસ્વા સરમાએ આ યુનિવર્સિટીને ‘પૂર જેહાદ’ માટે જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું કે UTSM કેમ્પસ (University of Science and Technology, Meghalaya) માટે પહાડો કાપવામાં આવી રહ્યા છે. જેના કારણે ગુવાહાટીમાં પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે. શિલોંગ ટાઈમ્સે દાવો કર્યો છે કે આ યુનિવર્સિટીની આસપાસ મોટી માત્રામાં માટીનું ધોવાણ થયું છે. જો કે જિલ્લા અધિકારીઓ દ્વારા આ મામલે કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવ્યા નથી. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, “USTM આસામ માટે ખતરો છે. અમે તેની સામે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં (NGT) જઈશું.”
યુનિવર્સિટી ચાન્સેલર મહબુબુલ હકે સરમાના આરોપો ફગવતા કહ્યું, “અમારી યુનિવર્સિટી ગુવાહાટીથી લગભગ 6 કિલોમીટર દૂર સ્થિત છે, જ્યાં અમારી પાસે 100 એકરથી વધુ જમીન છે. 2011થી, અમે USTMના વિકાસ પર કામ કરી રહ્યા છીએ, અને 2009થી કૉલેજ ઑફ એન્જિનિયરિંગ માટે કામ ચાલુ છે. તેથી પૂર માટે અમને દોષી ઠેરવવામાં આવ્યા તે આશ્ચર્યજનક અને નિરાશાપૂર્ણ લાગી રહ્યું છે.”
USTM અંગે વિશેષ બાબતો
USTM યુનિવર્સિટી ઉત્તર-પૂર્વની સૌથી મોટી ખાનગી યુનિવર્સિટી છે. તે ERD ફાઉન્ડેશન, ગુવાહાટી દ્વારા ચલાવવામાં આવે છે. તેની સ્થાપના આસામ-મેઘાલય સરહદ પર રી-ભોઈ જિલ્લામાં CRPF કેમ્પની સામે કરવામાં આવી છે. જે આસામની રાજધાની ગુવાહાટીથી નજીક આવેલી છે. મેઘાલય સરકારે 2008માં આ યુનિવર્સિટી માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જ્યારે યુનિવર્સિટીની કામગીરી વર્ષ 2011માં શરૂ કરવામાં આવી હતી.
આ યુનિવર્સિટીનું નિર્માણ બંગાળી મૂળના મુસ્લિમ અને વર્તમાનમાં યુનિવર્સિટી ચાન્સેલર મહબૂબુલ હક દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ આસામની બરાક ખીણના કરીમગંજ જિલ્લાના રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી જંગલ વિસ્તારમાં હોવાના કારણે તેના વિસ્તારમાં આવતા ઘણાં જંગલો અને ટેકરીઓનો નાશ કરવામાં આવ્યો હતો. હિમંતા બિસ્વા સરમાનો આરોપ છે કે આ યુનિવર્સિટીના કારણે ઈકોસિસ્ટમને અસર થઈ છે.