Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહીરાબાના અવસાનથી શોકમાં ડૂબ્યું વડનગર, ત્રણ દિવસ સ્વયંભૂ બંધ પાળવાનું એલાન

    હીરાબાના અવસાનથી શોકમાં ડૂબ્યું વડનગર, ત્રણ દિવસ સ્વયંભૂ બંધ પાળવાનું એલાન

    પીએમ મોદીનાં માતા હીરાબેન મોદીનું આજે 100 વર્ષની જૈફ વયે અવસાન થયું.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા મોદી સો વર્ષની જૈફ વયે અવસાન પામ્યાં છે. આજે મળસ્કે સાડા ત્રણ વાગ્યે તેમનું નિધન થયું હતું. ત્યારબાદ પીએમ મોદી પણ ગાંધીનગર પહોંચ્યા હતા અને માતાની અંતિમવિધિમાં ભાગ લીધો હતો. બીજી તરફ, હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા તેમના વતન વડનગર શહેરનું બજાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 

    વડનગર વેપારી એસોસિએશન દ્વારા ત્રણ દિવસ માટે સ્વયંભૂ બંધ પાળીને હીરાબાને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે જ વેપારીઓએ આ બંધની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, હીરાબાનું નિધન થવાથી શહેરના તમામ વેપારીઓ શુક્ર, શનિ અને રવિવારે બંધ પાળશે. 

    વડનગરના બજારમાં એક બોર્ડ મૂકી દેવામાં આવ્યું છે, જેમાં આ બંધની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ પર લખવામાં આવ્યું કે, વડનગરના પનોતા પુત્ર અને ભારતવર્ષના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી પૂજ્ય હીરાબાનું શતાયુ વર્ષમાં દુઃખદ અવસાન થવાથી નગરજનો ઘેરા દુઃખની લાગણી અનુભવે છે અને નગરના તમામ વેપારીઓ પોતાના ધંધા-રોજગાર ત્રણ દિવસ સુધી સ્વયંભૂ બંધ રાખશે.

    - Advertisement -

    બે દિવસ પહેલાં જ હીરાબાની તબિયત લથડતાં તેમને અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જેના સમાચાર મળતાં જ તેમના વતન વડનગર સ્થિત હાટકેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના અને પાઠ કરવામાં આવ્યાં હતાં અને હીરાબાના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. 

    મળસ્કે હીરાબાનું અવસાન થયા બાદ પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને પીએમ મોદી વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા હતા અને ત્યાંથી ગાંધીનગર તેમના ભાઈના નિવાસસ્થાને ગયા હતા. અહીં માતાના દર્શન કર્યા બાદ અંતિમયાત્રામાં પાર્થિવ દેહને કાંધ પણ આપી હતી. જ્યાંથી સ્મશાને જઈને જરૂરી વિધિ કરી તેમણે માતાને મુખાગ્નિ આપી હતી. 

    હીરાબેન મોદીએ ગત 18 જૂનના રોજ 99 વર્ષ પૂરાં કરીને 100મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બ્લૉગ લખીને મા સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. 

    પીએમ મોદીએ લખ્યું હતું કે, છ સંતાનોનું પાલન પોષણ કરવાની જવાબદારી હીરાબાએ બહુ વહેલી ઉપાડી લીધી હતી. આ માટે તેમણે ઘેરઘેર વાસણો પણ માંજ્યા હતાં અને બે છેડા ભેગા કરવા માટે તેમણે ચરખો પણ ચલાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ આ વાત તેમની અમેરિકા યાત્રા દરમ્યાન ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ સાથેની ચર્ચમાં પણ કરી હતી. ગરીબી હોવા છતાં હીરાબા પોતાના ઘરે આવેલી ગૌમાતાને ક્યારેય ભૂખી જવા દેતાં ન હતાં. નરેન્દ્ર મોદી યાદ કરતાં લખે છે કે તેઓ ગાયને ઘીમાં ઝબોળીને રોટલી અચૂક આપતાં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં