ગુજરાતમાં (Gujarat) હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ (Heavy Rain) જોવા મળ્યો છે. અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 6 મેના રોજ પણ 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથે રાજ્યમાં ગાજવીજ વચ્ચે કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. આ પહેલાં સોમવારે (5 મે) સાંજે અને રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક શહેરોમાં તારાજી સર્જાઈ હતી. વધુમાં કચ્છ અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં સ્થિતિ બગડી શકે તેવી આગાહી પણ કરવામાં આવી છે.
સોમવારે વરસાદના કારણે રાજ્યમાં કુલ 8 લોકોના મોત નિપજ્યાં હોવાના અહેવાલ સામે આવ્યા છે. સોમવારે મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદે તાંડવ મચાવ્યો હતો. ભાવનગરના કુંભારવાડ વિસ્તારમાં વીજળી પણ પડી હતી. મોડી રાત્રે ભાવનગર શહેર સહિતના જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ હતી. જૂનાગઢ, ગિર સોમનાથ, કચ્છ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લામાં હાલ આંબા પર કેરીનો પાક તૈયાર થઈ ચૂક્યો છે. એવા સમયે ભારે પવન અને કરા પડતાં કેરીનાં પાકને નુકસાન થવાની ચિંતા સેવાઈ રહી છે.
સોમવારે સાંજે અને રાત્રે ભારે પવન સાથે અનેક શહેરોમાં વરસાદ વરસ્યો હતો. પવનના કારણે ભારે તારાજી સર્જાઈ હતી. અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. જેમાં વડોદરામાં ત્રણ લોકોનું, અરવલ્લીમાં બે લોકોનું અને અમદાવાદમાં એક વ્યક્તિનું મોત થયું હતું. વધુમાં અમદાવાદના ધોળકા હાઇવે પર હોર્ડિંગ્સ પડતાં એક રિક્ષાચાલકનું પણ મોત નીપજ્યું હતું. અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં 23 જેટલા ઝાડ ધરાશાયી થયા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. આ સાથે જ અનેક વિસ્તારોમાં આખી રાત વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. ડાંગ જિલ્લામાં આહવા, સુબીર, વઘઈ અને સાપુરાતામાં પણ ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.
અનેક જિલ્લાઓમાં નોંધાયો ભારે વરસાદ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના 8માંથી 6 તાલુકાઓમાં 3થી 21 મિમિ સુધીનો કમોસમી વરસાદ નોંધાયો છે. પાટણમાં વાવાઝોડાના કારણે જૂના પોલીસ સ્ટેશનના વાયરલેસ ટાવર પર ચડવાની સીડી તૂટીને વીજ વાયર અને ટાંકી પર પડતાં નુકસાન થયું છે અને તેના કારણે આખી રાત અંધારપટ છવાયો હતો. તે સિવાય દાહોદના પીપલોદ-દેવગઢ બારિઆ રોડ પર 10થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે વાહનવ્યવહાર પણ ઠપ થઈ ગયો છે.
ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 1 ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબકી ગયો છે. તે સિવાય મહેસાણા જિલ્લામાં પણ એક ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે. હિંમતનગરના પણ નેશનલ હાઇવે જામ થઈ જતાં ભારે ટ્રાફિક જોવા મળ્યો છે. સવારે 6 વાગ્યાની સ્થિતિ મુજબ ગુજરાતના 168 તાલુકાઓમાં એક મિમિથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. આ સાથે જ વહેલી સવારથી પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ફરી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે.
કપડવંજ તાલુકામાં 40 મિમિ, માણસામાં 37, સિહોરમાં 37, જોટાણામાં 37, વડોદરામાં (શહેર) 30, મહેસાણામાં (શહેર) 28, કડીમાં 27, ભાવનગરમાં (શહેર) 27, ડોલવનમાં 26, નડિયાદમાં 25, સોજિત્રામાં 22, કામરેજમાં 22 અને ગાંધીનગરમાં પણ 22 મિમિ જેટલો વરસાદ નોંધાયો છે. તે સિવાય અમદાવાદમાં પણ થોડી-થોડી વારે વરસાદ વધતો હોવાનું સામે આવી રહ્યું છે.