ભરતપુરમાં ગૌરક્ષક શ્રીકાંત કૌશિકના નવજાત શિશુના મોતથી રાજસ્થાન પોલીસ સવાલોમાં ઘેરાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હરિયાણા પોલીસે મરોડા ગામના સ્મશાનગૃહમાંથી નવજાત શિશુના મૃતદેહને બહાર કાઢ્યો છે. મોતનું કારણ જાણવા માટે ડોક્ટરોના બોર્ડ દ્વારા બાળકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. રાજસ્થાન પોલીસ પર શ્રીકાંતની ગર્ભવતી પત્ની સાથે મારપીટ કરવાનો આરોપ છે, જેના કારણે નવજાત શિશુનું મોત થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, રાજસ્થાનની ભરતપુર પોલીસ આ વાતને નકારી રહી છે. પણ હરિયાણા પોલીસે દફનાવેલા બાળકના મૃતદેહને બહાર કાઢી તપાસ આદરી તપાસ હાથ ધરી છે.
અહેવાલો મુજબ નૂહ જિલ્લા પોલીસ અધિક્ષક વરુણ સિંગલાના જણાવ્યા અનુસાર શ્રીકાંતની માતાની ફરિયાદ પર કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. તેમનું કહેવું છે કે પોલીસ તપાસની સાથે પુરાવા એકત્ર કરી રહી છે. આ કેસમાં જે પણ દોષી સાબિત થશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ શ્રીકાંતની માતા દુલારીએ હરિયાણાના નુહના નગીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં રાજસ્થાન પોલીસ પર શ્રીકાંતની ગર્ભવતી પત્નીને પેટમાં લાત મારવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે રવિવારે (19 ફેબ્રુઆરી 2023) મરોડા ગામના સ્મશાનગૃહમાંથી હરિયાણા પોલીસે દફનાવેલા બાળકના મૃતદેહ ને બહાર કાઢ્યો છે.
તો બીજી તરફ રાજસ્થાન પોલીસે તેના પર લાગેલા આરોપોને નકારી દીધા છે. ભરતપુરના એસપીના જણાવ્યા પ્રમાણે શ્રીકાંતના પરિવારના આરોપો તદ્દન ખોટા છે, અને ઘટના સમયે પોલીસ તેના ઘરની અંદર ગઈ જ નહોતી. આ ઘટનામાં હરિયાણા પોલીસના જવાનોની સંડોવણીના આક્ષેપો અંગે નુહના એસપીએ માહિતી આપી છે કે આ ઘટનાની તપાસ જિલ્લાના એડિશનલ એસપી કરશે.
ઉલ્લેખનીય છે કે શ્રીકાંતનો પરિવાર રાજસ્થાન પોલીસ સામે લગાવેલા આરોપો પર અડગ છે. ઓપઇન્ડિયા સાથે વાત કરતાં શ્રીકાંતના કાકાએ જણાવ્યું હતું કે, રાજસ્થાન પોલીસ બળજબરીથી તેના ઘરમાં ઘૂસી ગઇ હતી અને તેના પર થયેલા હુમલાના કારણે શ્રીકાંતની પત્નીને પેટમાં ઇજા થઇ હતી, જેના કારણે બાળકનું ગર્ભમાં જ મોત થયું હતું. શ્રીકાંતના પિતરાઈ ભાઈ વિષ્ણુ કૌશિકે પણ રાજસ્થાન પોલીસ પર 40 કલાક સુધી ગેરકાયદેસર રીતે અટકાયત કરીને ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો છે.