પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાએ એક ઇન્ટરવ્યૂમાં ભારતમાં આવીને માહિતી એકઠી કરી પાકિસ્તાની એજન્સી આઈએસઆઈને આપવાનો સ્ફોટક ખુલાસો કર્યા બાદ આ વિવાદમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીનું નામ સામે આવ્યું હતું. મિર્ઝાએ કહ્યું હતું કે, તેઓ તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી દ્વારા અપાયેલા આમંત્રણ પર ભારત આવ્યા હતા.
વિવાદે વેગ પકડ્યા બાદ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ નિવેદન જારી કરીને છટકબારી શોધવાના પ્રયત્નો કરી જવાબદારી તત્કાલીન યુપીએ સરકાર પર ઢોળી મૂકી હતી અને કોન્ફરન્સમાં આમંત્રિત મહેમાનોને નિમંત્રણ આપવામાં તેમની કોઈ ભૂમિકા ન હતી તેમ જણાવ્યું હતું તેમજ ભાજપ પ્રવક્તા અને મીડિયા પર આ વિવાદમાં તેમને ખોટી રીતે ઘસડવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
*PRESS STATEMENT*
— Dr. Adish C Aggarwala (@adishcaggarwala) July 14, 2022
*HAMID ANSARI PUTTING UP SPURIOUS DEFENCE TO CONCEAL TIES WITH PAK SPY NUSRAT AND TO MALIGN THE PM: ICJ PRESIDENT & CO-AUTHOR OF PM BIOGRAPHY DR. ADISH C. AGGARWALA*
New Delhi, July 14 – Pakistani Journalist Nusrat Mirza is reported to have stated in…..
હામિદ અન્સારીના નિવેદન બાદ આ અંગે વિજ્ઞાન ભવન સ્થિત આયોજિત કોન્ફરન્સના આયોજક રહી ચૂકેલા વરિષ્ઠ વકીલ અને બાર એસોશિએશનના પ્રમુખ ડૉ. આદિશ અગ્રવાલે એક નિવેદન જારી કરીને મોટા ખુલાસા કર્યા છે અને હામિદ અન્સારી અને કોંગ્રેસ દ્વારા તથ્યોને છુપાવવામાં આવતાં હોવાનું અને સરકાર અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાનું જણાવ્યું છે. તેમણે ખુલાસો કરતાં કહ્યું કે, જે કોન્ફરન્સની ચર્ચા ચાલે છે તેમાં હામિદ અન્સારીની ઈચ્છા હોવા છતાં નુસરત મિર્ઝા હાજર જ રહ્યા ન હતા અને તેમની મુલાકાત એક અન્ય કોન્ફરન્સમાં થઇ હતી. તેમણ આ કોન્ફરન્સની તસ્વીર પણ જારી કરી છે.
ડૉ. આદિશ અગ્રવાલે જણાવ્યું કે, જે કોન્ફરન્સની ચર્ચા ચાલે છે તે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 11 અને 12 ડિસેમ્બર 2010ના રોજ યોજાઈ હતી. જેમાં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીને નિમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમણે કોન્ફરન્સમાં ભાગ પણ લીધો હતો. પરંતુ નુસરત મિર્ઝાને ન આમંત્રણ આપવામાં આવ્યું હતું કે ન તેમણે ભાગ લીધો હતો. તેમણે એમ પણ કહ્યું કે, નુસરત મિર્ઝાએ જે કોન્ફરન્સનો ઉલ્લેખ કર્યો એ આ કોન્ફરન્સ ન હતી.
કાર્યક્રમના આયોજક રહેલા વરિષ્ઠ વકીલે ખુલાસો કરતાં કહ્યું કે, તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ અન્સારીએ આ કાર્યક્રમમાં પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાને આમંત્રણ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ કાર્યક્રમમાં કોઈ પાકિસ્તાની ન્યાયાધીશ કે વકીલને આમંત્રણ ન હોવાથી નુસરત મિર્ઝાને પણ આમંત્રણ અપાયું ન હતું. જે બાદ અન્સારી નારાજ થઇ ગયા હતા અને કહ્યું હતું કે તેઓ માત્ર 20 મિનિટ જ હાજરી આપશે અને જે બાદ તેઓ માત્ર 20 મિનિટ સુધી જ કાર્યક્રમમાં આવ્યા હતા.
તેમણે એમ પણ કહ્યું કે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર પુસ્તક લખ્યું હોવાના કારણે કોંગ્રેસ નેતાઓ તેમને ‘મોદી ભક્ત’ ગણાવીને દાવા કરી રહ્યા છે કે તેમણે જ હામિદ અન્સારીને કાર્યક્રમમાં નિમંત્રણ આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, હામિદ અન્સારીને જાણીજોઈને આ કોન્ફરન્સ અંગે ઉલ્લેખ કરવા માટે જણાવવામાં આવ્યું હશે જેથી સત્ય હકીકત બહાર ન આવે.
સાચી હકીકત જણાવતાં તેમણે કહ્યું કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અને પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝા જે કોન્ફરન્સમાં મળ્યા હતા તે વિજ્ઞાન ભવન ખાતેની કોન્ફરન્સ નહીં પરંતુ જામા મસ્જિદ દ્વારા આયોજિત ‘ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અગેઈન્સ્ટ ટેરેરિઝમ’ હતી, જે 2009માં 27 ઓક્ટોબરના રોજ દિલ્હીની ઓબેરોય હોટેલ ખાતે આયોજિત કરવામાં આવી હતી. જેનો જાણીજોઈને હામિદ અન્સારી કે કોંગ્રેસના જયરામ રમેશે ઉલ્લેખ કર્યો નથી.
Image issued by Dr. Adish C. Aggarwala, President, International Council of Jurists Mr. Hamid Ansari & Mr. Nusrat Mirza (marked in red circles) sharing dais #HamidAnsari #NusratMirza #PressRelease pic.twitter.com/tE1XKQmiZY
— Dr. Adish C Aggarwala (@adishcaggarwala) July 14, 2022
આ કોન્ફરન્સમાં હામિદ અન્સારી તેમજ જામા મસ્જિદના શાહી ઇમામ, ફારૂક અબ્દુલ્લા અને અન્ય મુસ્લિમ નેતાઓએ ભાગ લીધો હતો. જેમાં બંને નેતાઓ મળ્યા પણ હતા. ડૉ. આદિશ અગ્રવાલે કહ્યું કે, જ્યારે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે ઉપ-રાષ્ટ્રપતિ કક્ષાના વ્યક્તિ કોઈ જાહેર કાર્યક્રમમાં ભાગ લે ત્યારે તેમની સાથે ડાયસ પર બેસનાર વ્યક્તિની માહિતી તેમને અગાઉથી આપવામાં આવે છે અને તેમના દ્વારા મંજૂર કરાયા બાદ જ જે-તે અન્ય વ્યક્તિને નિમંત્રણ આપવામાં આવે છે. જેથી નુસરત મિર્ઝાને અપાયેલ આમંત્રણ અંગે હામિદ અન્સારીની પરવાનગી કે જાણ ન હોય તે બાબત અશક્ય છે.
ડૉ. આદિશ અગ્રવાલે આ સાથે ભારત સરકાર સમક્ષ આ મામલાની તપાસની માંગ કરી છે અને કહ્યું કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હોય જામા મસ્જિદ યુનાઇટેડ ફોરમ દ્વારા આયોજિત કોન્ફરન્સની વિગતોની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. ઉપરાંત, એ બાબતે પણ ધ્યાન દોર્યું છે કે આ પ્રકારની કોન્ફરન્સ કેન્દ્ર સરકારની જાણબહાર થઇ શકતી નથી.
વરિષ્ઠ વકીલ ડૉ. આદિશ અગ્રવાલના સ્ફોટક ખુલાસા અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અને કોંગ્રેસનાં નિવેદનોમાં વિરોધાભાસ જણાય છે. પાકિસ્તાની પત્રકારના ખુલાસા બાદ જુઠ્ઠાણું સામે આવી જવાના ડરે હામિદ અન્સારી અને કોંગ્રેસે અન્ય એક કોન્ફરન્સનું નામ લઈને છટકબારી શોધી લેવાના પ્રયત્નો કર્યા હતા, જોકે, તેમાં જામા મસ્જિદ યુનાઇટેડ ફોરમ દ્વારા આયોજિત કોન્ફરન્સનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, જેમાં ખરેખર આ બંને નેતાઓ મળ્યા હતા.
હામિદ અન્સારીએ નિવેદનમાં દાવાઓને નકારી કાઢતા જણાવ્યું હતું કે, તેઓ નવી દિલ્હીમાં 2010માં આયોજિત કોન્ફરન્સમાં નુસરત મિર્ઝાને મળ્યા ન હતા કે તેમણે આમંત્રણ પણ આપ્યું ન હતું. આ ઉપરાંત તેમણે ઈરાનમાં તેમની રાજદૂત તરીકેની કામગીરીનો ઉલ્લેખ કરીને સહાનુભૂતિ ઉઘરાવવાના પ્રયત્નો કર્યા હતા. જોકે, તેમણે જાણીજોઈને 2009માં આયોજિત કોન્ફરન્સનો ઉલ્લેખ કર્યો ન હતો, જેમાં ખરેખર આ બંને નેતાઓ મળ્યા હતા.