Saturday, April 13, 2024
More
  હોમપેજગુજરાતગુરુ આશ્રમ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી મનજીદાદાનું નિધન: પાર્થિવ દેહ દર્શનાર્થે રખાયો, વડાપ્રધાન...

  ગુરુ આશ્રમ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી મનજીદાદાનું નિધન: પાર્થિવ દેહ દર્શનાર્થે રખાયો, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ

  ગુરુ આશ્રમના મોભી મનજીદાદા બજરંગદાસ બાપાની સાથે રહેનારા લોકોમાંના એક હતા. તાજેતરમાં જ તેઓએ શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે 'બાપા સીતારામ અન્નક્ષેત્ર' શરૂ કરાવ્યું હતું.

  - Advertisement -

  ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ, ગુરુ આશ્રમ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી અને સંત શિરોમણી બજરંગદાસ બાપાના અનન્ય ભક્ત મનજીદાદાનું નિધન થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મનજીદાદાના પાર્થિવ દેહને હાલ ભક્તજનો અને અનુયાયીઓ માટે દર્શન કરવા રાખવામાં આવ્યો છે. આ અંગે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

  ભાવનગર જિલ્લામાં સ્થિત ગુરુ આશ્રમ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી અને આશ્રમ પરિવારના મોભી મનજીદાદાનું બુધવારે (14 ફેબ્રુઆરી, 2024) નિધન થયું છે. તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન બગદાણા મુકામે 15 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યા સુધી રાખવામાં આવ્યા છે. તેમની અંતિમ યાત્રા પણ 15 ફેબ્રુઆરીએ રાખવામાં આવી છે. આ અંગે વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શ્રદ્ધાંજલિ પાઠવી છે.

  તેમણે લખ્યું કે, “ગુરુ આશ્રમ, બગદાણાના પૂજ્ય મનજીદાદાના અવસાનના સમાચારથી દુખી છું. સમાજસેવા ક્ષેત્રે એમનું યોગદાન હંમેશા યાદ રહેશે. ઈશ્વર સદગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના.” તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

  - Advertisement -

  તેમણે લખ્યું કે, “સૌરાષ્ટ્રની પાવન ધરાના બગદાણા સ્થિત ગુરુ આશ્રમના પૂજ્ય મનજીદાદાના અવસાનના સામચારથી અંત્યત વ્યથિત છું. નિ:સ્વાર્થ સેવા અને ભક્તિ થકી સમાજ સેવાની જયોતને ઝળહળતી રાખનાર મનજીદાદાનું યોગદાન આવનાર પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.” તેમણે વધુમાં લખ્યું કે, “પ્રભુ એમની દિવંગત આત્માને પોતાના શ્રી ધામમાં સ્થાન આપે અને અનુયાયીઓને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એજ પ્રાર્થના. ૐ શાંતિ.”

  ઉલ્લેખનીય છે કે, આ સિવાય ગુજરાતના અન્ય ઘણા નેતાઓએ પણ મનજીદાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ જેવા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. નોંધનીય છે કે, ગુરુ આશ્રમ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી મનજીદાદા સેવાકીય કાર્યોને લઈને જાણીતા હતા. તેઓ ટ્રસ્ટના સહયોગથી અનેક સેવાના કાર્યો કરતાં હતા. આજુબાજુના વિસ્તારમાં તેમણે શાળાઓ પણ બનાવી છે. આ સાથે તેઓ બજરંગદાસ બાપાની સાથે રહેનારા લોકોમાંના એક હતા. તાજેતરમાં જ તેઓએ શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ‘બાપા સીતારામ અન્નક્ષેત્ર’ શરૂ કરાવ્યું હતું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં