Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતગુરુ આશ્રમ બગદાણાની જેમ રામ જન્મભૂમિમાં પણ ગુંજશે 'હરિહર'નો નાદ: બજરંગ દાસ...

    ગુરુ આશ્રમ બગદાણાની જેમ રામ જન્મભૂમિમાં પણ ગુંજશે ‘હરિહર’નો નાદ: બજરંગ દાસ બાપાની પુણ્યતિથિ પર ‘બાપા સીતારામ’ અન્નક્ષેત્ર શરૂ, રામભક્તોને ત્રણ ટાઈમ મળશે રામરોટી

    ગુરુ આશ્રમ બગદાણા સંચાલિત બાપા સીતારામ અન્નક્ષેત્ર 29 જાન્યુઆરીથી અયોધ્યામાં શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં 50 રસોયા, 25 સહાયકો તેમજ 150 સ્વયંસેવકો રામભક્તોની સેવામાં 24 કલાક હાજર રહેશે.

    - Advertisement -

    સૌરાષ્ટ્ર સંત અને શૂરાની ભૂમિ તરીકે પ્રાચીન કાળથી પ્રસિદ્ધ છે. અહિયાં અનેક સંતો જન્મ્યા છે, જેમણે દેશ અને દુનિયાને જીવન જીવવાનો રસ્તો બતાવ્યો છે. સૌરાષ્ટ્રના આ પવિત્ર ધર્મસ્થાનો રામરોટી માટે ખાસ જાણીતા છે. દેશ અને દુનિયામાંથી આવતા કરોડો શ્રદ્ધાળુઓ આ ધર્મસ્થાનો પર વિનામૂલ્યે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરી શકે છે. વિરપુર જલારામ બાપાના મંદિર તરફથી ભગવાન રામલલાને આજીવન થાળ ધરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ હવે ગુરુ આશ્રમ બગદાણા તરફથી પણ અયોધ્યામાં ભવ્ય બાપા સીતારામ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે. આ અન્નક્ષેત્રમાં જ્ઞાતિ, જાતિના ભેદભાવ વગર બગદાણાની જેમ જ તમામ રામભકતોને પ્રસાદ આપવામાં આવશે.

    ગુરુ આશ્રમ બગદાણા તરફથી 29 જાન્યુઆરીએ સંત શ્રી બજરંગ દાસ બાપાની (બાપા સીતારામ) પુણ્યતિથિ નિમિત્તે રામ જન્મભૂમિ અયોધ્યામાં ‘બાપ સીતારામ’ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે. સોમવારથી (29 જાન્યુઆરી) અયોધ્યામાં બાપા સીતારામ અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં સવાર, બપોર અને સાંજ ત્રણેય ટાઈમ રામભક્તોને વિનામૂલ્યે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. સરકારની ખાસ મંજૂરી બાદ આ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે. ઑપઇન્ડિયાએ ગુરુ આશ્રમ બગદાણા ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. ટ્રસ્ટના જનરલ મેનેજર સુરુભા ગોહિલ દ્વારા આ વિશેની જાણકારી આપવામાં આવી છે.

    બાપાની પુણ્યતિથિ પર લેવાયો મહત્વનો નિર્ણય

    ઑપઇન્ડિયા સાથે વાત કરતી વખતે ગુરુ આશ્રમ બગદાણાના જનરલ મેનેજર સુરુભા ગોહિલે જણાવ્યું હતું કે, આ મહત્વનો નિર્ણય બાપા બજરંગદાસની પુણ્યતિથિ નિમિત્તે લેવાયો છે. તેમણે કહ્યું કે, વિશ્વભરના રામભક્તોની સેવા કરવા માટે બાપા સીતારામ અન્નક્ષેત્રની શરૂઆત અયોધ્યામાં કરવામાં આવી છે. આ અન્નક્ષેત્ર 60 દિવસ સુધી અવિરત ધમધમતું રહેશે. જેમાં રામભક્તોને સવારે ચા અને પૌવા, બપોરે 11થી 4 વાગ્યા સુધી ભોજન અને મહાપ્રસાદ તેમજ સાંજે 7થી 10 વાગ્યા સુધી રાત્રિભોજન પીરસવામાં આવશે.

    - Advertisement -

    એ સિવાય સુરુભા ગોહિલે જણાવ્યું કે, ત્રણ સમયે રામભક્તોને રામરોટીનું વિતરણ કરવામાં આવશે. એ સિવાય ગુરુ આશ્રમ બગદાણાની જેમ જ ચાનો પ્રસાદ આખો દિવસ અવિરત ચાલુ રહેશે. એટલે કોઈપણ રામભક્ત બાપા સીતારામ અન્નક્ષેત્રમાં વિનામૂલ્યે ભોજન અને ચાનો પ્રસાદ ગ્રહણ કરી શકશે.

    150 સ્વયંસેવકો રહેશે સેવામાં

    અયોધ્યામાં એક નવા જ વિકસેલા વિસ્તાર કે જેને નવી અયોધ્યા ગણવામાં આવે છે. ત્યાં હાઇવે પર વિશાળ જગ્યામાં બાપા સીતારામ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવશે. આ માટે સરકારની મંજૂરી પણ મેળવી લેવાઈ છે. ભાવનગરના તળાજા, મહુવા અને અન્ય તાલુકામાંથી પૂજ્ય બાપાના ભક્તોનો પડાવ હાલ અયોધ્યામાં છે અને અન્નક્ષેત્ર માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુરુ આશ્રમ બગદાણા સંચાલિત બાપા સીતારામ અન્નક્ષેત્ર 29 જાન્યુઆરીથી અયોધ્યામાં શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં 50 રસોયા, 25 સહાયકો તેમજ 150 સ્વયંસેવકો રામભક્તોની સેવામાં 24 કલાક હાજર રહેશે. જેથી ગુરુ આશ્રમ બગદાણા અને શ્રીરામ જન્મભૂમિ અયોધ્યામાં એકસાથે ‘હરિહર’નો નાદ ગુંજી ઉઠશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં