Tuesday, April 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ગુલામ’ને થવું છે ‘આઝાદ’: કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ સોનિયા ગાંધીના પ્રસ્તાવનો બેધડક અસ્વીકાર...

    ‘ગુલામ’ને થવું છે ‘આઝાદ’: કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ સોનિયા ગાંધીના પ્રસ્તાવનો બેધડક અસ્વીકાર કરી દીધો, આપી સોનેરી સલાહ

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે તેમના પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીની પક્ષમાં નંબર બેનું સ્થાન સ્વીકારવાની ઓફરને ના પાડી દીધી છે. આઝાદ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે.

    - Advertisement -

    રાજ્યસભામાં પૂર્વ વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ આમ તો કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ પાર્ટીના કામોમાં રસ લઇ રહ્યા નથી. તેમજ તેમનો સમાવેશ કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓના G-23 સમૂહમાં થાય છે, જેઓ ઘણા સમયથી કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફાર લાવવા માટે પાર્ટી અધ્યક્ષ સમક્ષ રજૂઆતો કરતા આવ્યા છે. 

    તાજેતરમાં જ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુલામ નબી આઝાદ સમક્ષ પાર્ટીમાં બીજા નંબરે કામ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, આઝાદે આ પ્રસ્તાવ ફગાવી દીધો હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું કે, પાર્ટી ચલાવતા યુવાનો અને વરિષ્ઠ નેતાઓના વિચારોમાં ખૂબ અંતર છે.

    રિપોર્ટ મુજબ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યસભાની ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરવા પહેલાં ગુલામ નબી આઝાદ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે આઝાદ સમક્ષ પાર્ટીમાં બીજા ક્રમે રહીને જવાબદારી નિભાવવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, ગુલામ નબી આઝાદે એ પ્રસ્તાવ ફગાવી દીધો છે.

    - Advertisement -

    ગુલામ નબી આઝાદે કહ્યું કે, પાર્ટી ચલાવનારા યુવાઓ અને દિગ્ગ્જ્જોના વિચારોમાં અંતર છે. તેમણે કહ્યું, “આજે પાર્ટી ચલાવનારા યુવાનો અને મારી વચ્ચે એક પેઢીનું અંતર આવી ગયું છે. અમારા વિચાર અને તેમના વિચારમાં અંતર છે. આ માટે યુવાઓ પાર્ટીના દિગ્ગ્જ્જો સાથે કામ કરવા માટે તૈયાર થતા નથી.”

    ગુલામ નબી આઝાદ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસ કાર્યસમિતિના પણ સભ્ય છે. ઉપરાંત, તેઓ સોનિયા ગાંધી દ્વારા બનાવવામાં આવેલ રાજકીય મામલાઓના પણ સભ્ય છે. પરંતુ હવે તેમણે પાર્ટીના કામોમાં રસ લેવાનો ઓછો કરી નાંખ્યો છે. હાલમાં જ રાજસ્થાનના ઉદયપુરમમ યોજાયેલી પાર્ટીની ચિંતન શિબિરમાં પણ તેમણે બહુ ઓછી ચર્ચાઓમાં ભાગ લીધો હોવાનું કહેવાય છે.

    જોકે, ગુલામ નબી આઝાદે પ્રસ્તાવ ફગાવવા પાછળનું એક કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધીએ તેમને પાર્ટીમાં તેમની ભૂમિકા અંગે કંઈ કહ્યું ન હતું. એટલે કે તેમને સંગઠનના ઉપાધ્યક્ષ કે કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવશે કે મહાસચિવ બનાવવામાં આવશે તે પણ સ્પષ્ટતા કરી ન હતી. 

    ઉલ્લેખનીય છે કે હાલમાં કોંગ્રેસ પાર્ટીએ જારી કરેલી રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારોની યાદીમાં ગુલામ નબી આઝાદનું નામ સામેલ ન હતું. કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસ લઘુમતી બોર્ડના ચેરમૅન ઇમરાન પ્રતાપગઢીને રાજ્યસભા ચૂંટણીના ઉમેદવાર બનાવ્યા છે. આ નિર્ણય રાહુલ ગાંધીનો હોવાનું કહેવાય રહ્યું છે.

    બીજી તરફ, હવે કોંગ્રેસનો G-23 સમૂહ પણ નબળો પડી રહ્યો છે. કારણ કે એક તરફ કપિલ સિબ્બલ પાર્ટી છોડી ગયા છે. તેમજ હરિયાણામાં ભુપેન્દ્ર હુડ્ડા સાથે રાહુલ ગાંધીની સમજૂતી થઇ ગયા બાદ તેઓ પણ ખાસ સક્રિય થયા નથી. વધુમાં મુકુલ વાસનિક અને વિવેક તન્ખાને પણ રાજ્યસભા ઉમેદવાર બનાવવામાં આવતા તેમની નારાજગી પણ ઓછી થઇ છે. આ સંજોગોમાં G-23 સમૂહમાં ગુલામ નબી આઝાદની શક્તિઓ પણ નબળી પડી રહી છે. 

    એ પણ નોંધનીય છે કે રાજ્યસભામાંથી ગુલામ નબી આઝાદની નિવૃત્તિ સમયે ગૃહમાં ચર્ચા દરમિયાન પીએમ મોદીએ તેમના ખૂબ વખાણ કર્યા હતા. પીએમ મોદીએ ગુલામ નબીને તેમના મિત્ર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ ભવિષ્યમાં પણ તેમની સલાહ લેવાનું ચાલુ રાખશે અને ક્યારેય નિવૃત્ત નહીં થવા દે. ઉપરાંત, આ વાત કરતા પીએમ ભાવુક પણ થયા હતા. 

    ગુલામ નબી આઝાદના નજીકના નેતાઓને કોંગ્રેસે કારણદર્શક નોટિસ ફટકારી 

    જમ્મુ-કાશ્મીર કોંગ્રેસે ગુલામ નબી આઝાદના નજીકના ગણાતા નેતાઓ અને પૂર્વ ધારાસભ્યો જીએન મોંગા અને વિકાર રસૂલને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. હકીકતે, પાર્ટીએ 31 મેથી 2 જૂન સુધી નવસંકલ્પ શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં આ નેતાઓ ઉપસ્થિત રહ્યા ન હતા. પાર્ટીએ કહ્યું કે, શિબિરનું મહત્વ જાણતા હોવા છતાં આ નેતાઓ હાજર રહ્યા ન હતા અને અંગત કાર્યક્રમમાં વ્યસ્ત હતા. એમ માની શકાય કે ગુલામ નબી આઝાદીની નારાજગીના અનેક કારણોમાં આ એક કારણ પણ હોઈ શકે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં