બોર્ડની પરીક્ષામાં ઘણી વાર વિદ્યાર્થીઓ નાપાસ થવાની બીકે ગેરરીતિઓ આચરતા હોય છે. આ વિદ્યાર્થીઓ કાપલી લઈને પરીક્ષા ખંડમાં બેસતા હોય છે અથવા હાથ-પગ પર જવાબો લખી આવતા હોય છે. પણ તાજેતરમાં વિદ્યાર્થીઓએ સીધા પેપર ચેકરને જ લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. દસમા ધોરણના બે વિદ્યાર્થીઓએ આન્સરશીટમાં રૂ.500ની નોટો ચોટાડી દીધી હતી. જો આ વિદ્યાર્થીઓ સામે નિયમો મુજબ કાર્યવાહી થશે તો તેમને નાપાસ કરવામાં આવશે અને બોર્ડની પરીક્ષા આપવા પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવશે.
વિદ્યાર્થીઓએ જવાબ લખવાને બદલે રૂ. 500ની નોટો ચોટાડી દીધી
ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા ગત માર્ચ મહિનામાં યોજાઈ હતી. જેમાં ધોરણ-10ના ગણિત અને અંગ્રેજીના પ્રશ્નપત્રની ચકાસણી દરમિયાન શિક્ષકને રૂ.500ની નોટો લગાવેલી મળી આવી હતી. જવાબ લખવાને બદલે લાંચ આપનારા વિદ્યાર્થીઓની હરકત જોઈને પેપરચેકર પણ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીઓએ આન્સરશીટમાં રૂ.500ની નોટો ચોટાડીને ગુજરાતીમાં એવું લખ્યું હતું કે, ‘મહેરબાની કરીને મને પાસ કરી દો. કારણકે, હું પરીક્ષાની તૈયારી કરી શક્યો નથી.’
વિદ્યાર્થીએ લખ્યું: ‘મહેરબાની કરીને મને પાસ કરી દો’
આ ઘટના બાબતે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “ગુજરાતી મીડિયમમાં ભણતા બંને છોકરાઓ તેમના પરફોર્મન્સને લઈને શ્યોર નહોતા એટલે તેમણે કાગળ પર રૂ.500ની નોટો ચોટાડીને પેપર ચેકરને પાસ કરવા માટે વિનંતી કરી હતી. તેમણે ગુજરાતીમાં મેસેજ લખ્યો હતો કે, મહેરબાની કરીને મને પાસ કરો, કારણકે હું પરીક્ષાની તૈયારી કરી શક્યો નથી.”
વિદ્યાર્થીઓ સામે થઇ શકે છે કડક કાર્યવાહી
દસમા ધોરણના બે વિદ્યાર્થીઓએ આન્સરશીટમાં ચલણી નોટો સ્ટેપલ કરેલી હોવાથી પ્રોટોકોલ મુજબ બંને વિદ્યાર્થીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. જોકે, આ મામલો કોપી કેસનો ન હોવાથી વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી. પરંતુ, આ મામલો પરીક્ષા સુધારણા સુધી પહોંચ્યો છે. જ્યાં પહેલા વિદ્યાર્થીઓની વાત સાંભળવામાં આવશે અને બાદમાં તેમની સજા નક્કી કરવામાં આવશે. નિયમો મુજબ કાર્યવાહી થશે તો આ વિદ્યાર્થીઓને વર્તમાન પરીક્ષામાં નાપાસ કરવામાં આવશે અને તેઓ એક વર્ષ સુધી બોર્ડની પરીક્ષા નહીં આપી શકે.
2022માં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી
અધિકારીએ જણાવ્યું હતું કે, આવો જ એક કિસ્સો 2022માં પણ સામે આવ્યો હતો જયારે મધ્ય ગુજરાતના 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીએ કેમિસ્ટ્રી અને ફિઝીક્સની આન્સરશીટમાં રૂ.500ની નોટો ચોટાડી હતી. તે પરીક્ષામાં નાપાસ થયો હતો અને તેને એક વર્ષ સુધી પરીક્ષા આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.