Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાતવિદેશ પ્રવાસ પહેલાં આજે અયોધ્યા પહોંચશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: રામલલ્લાના દર્શન કરી...

    વિદેશ પ્રવાસ પહેલાં આજે અયોધ્યા પહોંચશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: રામલલ્લાના દર્શન કરી મંદિરના નિર્માણકાર્યનું નિરીક્ષણ પણ કરશે

    બપોરના સમયે સીએમ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામમંદિરના કાર્યનું નિરીક્ષણ પણ કરશે. અયોધ્યામાં ઉત્તર પ્રદેશ સરકારે ગુજરાત ભવનના નિર્માણ માટે રાજ્ય સરકારને જમીન પણ ફાળવી છે. અનુમાન છે કે મુખ્યમંત્રી આ જગ્યાનું પણ નિરીક્ષણ કરશે.

    - Advertisement -

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંગાપોર અને જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે. તે પહેલાં આજે તેઓ અયોધ્યા પહોંચશે, જ્યાં ભગવાન રામલલ્લાના દર્શન કરશે. આ ઉપરાંત, તેઓ ગુજરાત ભવન બનાવવા માટે ફાળવવામાં આવેલી જગ્યાનું નિરીક્ષણ પણ કરશે તેમ મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યા છે. 

    સીએમ પટેલની આ મુલાકાત બિનરાજકીય છે. આગામી વિદેશ પ્રવાસ પહેલાં તેઓ અયોધ્યામાં ભગવાનના દર્શન માટે જઈ રહ્યા છે. જાણવા મળ્યા અનુસાર, શનિવારે (25 નવેમ્બર, 2023) સવારે તેઓ અયોધ્યા પહોંચશે અને રામલલ્લા મંદિર તેમજ હનુમાનગઢી મંદિરે દર્શન કરશે. આજે જ તેઓ ગુજરાત પરત ફરે તેવી સંભાવના છે. 

    બપોરના સમયે સીએમ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામમંદિરના કાર્યનું નિરીક્ષણ પણ કરશે. અયોધ્યામાં ઉત્તર પ્રદેશ સરકારે ગુજરાત ભવનના નિર્માણ માટે રાજ્ય સરકારને જમીન પણ ફાળવી છે. અનુમાન છે કે મુખ્યમંત્રી આ જગ્યાનું પણ નિરીક્ષણ કરશે. નવી અયોધ્યા ટાઉનશિપમાં આ 6 હજાર સ્ક્વેર મીટર જમીનની ફાળવણી કરવામાં આવી છે.

    - Advertisement -

    દેશગુજરાતના રિપોર્ટ અનુસાર, અગાઉ 10 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રીની અયોધ્યા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈક કારણોસર રદ કરવી પડી હતી. તેઓ હનુમાનગઢી મંદિરના દર્શન કર્યા બાદ રામજન્મભૂમિ સાઇટ પર પહોંચવાના હતા. તેમની આ મુલાકાત 2 કલાકની નક્કી કરવામાં આવી હતી. 

    અહીં ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા હજુ સુધી આ મામલે કોઇ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ મીડિયા અહેવાલોમાં આ બાબતની માહિતી મળી રહી છે. 

    27 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી વિદેશ પ્રવાસે CM

    CM આગામી 27 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી વિદેશ પ્રવાસે રહેશે. જેમાં તેઓ સિંગાપોર અને જાપાનની મુલાકાત લેશે. CM ભૂપેન્દ્ર પટેલ સાથે એક હાઈલેવલ ડેલિગેશન (ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ) પણ મોકલવામાં આવશે. જેમાં 7 અધિકારીઓનો સમાવેશ થશે. મુખ્યમંત્રીની આગેવવાની હેઠળ આ પ્રતિનિધિ મંડળને મોકલવામાં આવી રહ્યું છે. આ વિદેશ પ્રવાસ પાછળનો હેતુ વિદેશમાં જઈને વાઇબ્રન્ટ સમિટ માટે આમંત્રણ આપવું અને ગુજરાતમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહિત કરવાનો છે.

    વાઇબ્રન્ટ સમિટના 10મા સંસ્કરણનું 10-12 જાન્યુઆરી 2024 સુધીમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. વાઇબ્રન્ટ સમિટના પ્રચારના ભાગરૂપે રાજ્ય સરકાર મુખ્યમંત્રીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળને જાપાન અને સિંગાપોર મોકલશે. CM ભૂપેન્દ્ર પટેલ પ્રવાસ દરમિયાન વિદેશના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં મૂડી રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરશે અને વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં