શનિવારે (18 જૂન 2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ વડોદરામાં વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમહુર્ત કરશે. એક તરફ પીએમની સભાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યાં બીજી તરફ ગુજરાત એટીએસે રાજ્યમાં આતંકવાદીઓનું નવું મોડ્યુલ શોધી કાઢ્યું છે. જેમાં વડોદરા, ગોધરા અને અમદાવાદમાંથી ચારની અટકાયત કરી લેવામાં આવી છે. આ તમામ આઈએસઆઈએસના હેન્ડલરના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે.
બુધવારે વહેલી સવારે એટીએસની ટીમે વડોદરામાં રહેતા ડૉ. સાદાબ પાનવાળા અને ફતેગંજ વિસ્તારમાં રહેતી સાબિહા ખીલજી નામની મહિલાની અટકાયત કરી બંનેને અમદાવાદ લાવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ગોધરામાં ભંગારનો વેપાર કરતા ઇશાક અને દાણીલીમડામાં રહેતા એક ફેક્ટરી સંચાલક પઠાણની પણ અટકાયત કરી લેવામાં આવી હતી.
તપાસમાં સામે આવ્યું છે કે આ ચારેય સોશિયલ મીડિયા થકી આઈએસઆઈએસ હેન્ડલરોઆ સંપર્કમાં રહેતા હતા. તેમજ વિદેશથી ફંડિંગ પણ મેળવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે એટીએસની ટીમ વધુ તપાસ હાથ ધરી રહી છે.
બીજી તરફ, અલકાયદાએ ધમકી આપ્યા બાદ કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ તેમજ એટીએસ વધુ સતર્ક થયા છે. બીજી તરફ, વડાપ્રધાન પણ રાજ્યમાં હોઈ સુરક્ષા સઘન કરવામાં આવી છે. જેના ભાગરૂપે જ તપાસ કરતા ગુજરાત એટીએસે આતંકવાદીઓનું નવું મોડ્યુલ શોધીને તપાસ હાથ ધરી છે.
વડોદરાનો તબીબ અને યુવતીના ખાતામાં વિદેશથી ફન્ડિંગ મળ્યું હોવાની પણ શંકા છે, જે મામલે હાલ તપાસ ચાલી રહી છે. બીજી તરફ, તેમના મોબાઈલ, લેપટોપ સહિતના ઇલેક્ટ્રોનિક ડિવાઇસની પણ તપાસ કરવામાં આવી રહી છે. જે બાદ અન્યોનાં નામો પણ ખુલી શકે તેવી શક્યતા છે.
અધિકારીઓએ ટાઈમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, “ટેરર ફન્ડિંગના કેસમાં ડૉ. પાનવાલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 18 જૂનની યાત્રા અગાઉ સાવચેતીના પગલાંરૂપે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.” ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઓક્ટોબર 2021 માં પણ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ડૉ. સાદાબ અને અન્યોની પૂછપરછ હાથ ધરી હતી. આ કાર્યવાહી હવાલા કેસમાં કરવામાં આવી હતી જેમાં યુકેના નાગરિક અબ્દુલ ફેફડાવાલાને 79 કરોડ રૂપિયા મળ્યા હતા.
ઉપરોક્ત કેસમાં પાનવાલા સાથે ATS દ્વારા જે અન્ય વ્યક્તિઓ પર આરોપ મુકવામાં આવ્યા હતા તેમના નામ છે, પાનવાલાનો મિત્ર સલાઉદ્દીન શેખ, શાહનવાઝ પઠાણ, ઇમરાન ઘીવાલા, આસિફ બોડાવાલા અને અલ્તાફ મન્સૂરી. આ તમામ પ્રતિબંધિત સંસ્થા સિમીના સભ્યોના સંપર્કમાં હોવાની શંકા છે.
એક તરફ નૂપુર શર્મા વિવાદના કારણે દેશમાં સાંપ્રદાયિક તણાવનો માહોલ સર્જાયો હતો તો બીજી તરફ આતંકવાદી સંગઠન અલ-કાયદાએ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ હુમલા કરવાની ધમકી આપતા એજન્સીઓ સતર્ક બની છે. ઉપરાંત, અમદાવાદમાં આગામી મહિને રથયાત્રા પણ યોજાનાર છે, ત્યારે ગુજરાત ATS વધુ સક્રિય બની છે.
ગુજરાત એટીએસે રાજ્યના વિવિધ શહેરોમાંથી લગભગ 12 જેટલા શંકાસ્પદ યુવાનોની અટકાયત કરી છે અને હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. આ યુવાનોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. અમુક માહિતીના આધારે રાજ્યભરમાંથી કેટલાક લોકોને રાઉન્ડ અપ કરીને પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું ગુજરાત એટીએસના અધિકારીએ જણાવ્યું હતું.