ગુજરાત ATSએ અમદાવાદમાંથી આતંકવાદી સંગઠન અલ-કાયદા માટે કામ કરતા એક સક્રિય ગ્રુપનો પર્દાફાશ કર્યો છે. એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડે સોજીબ નામના એક બાંગ્લાદેશી ઈસમની ધરપકડ કરી છે, જ્યારે અન્ય કેટલાક ઈસમો હિરાસતમાં છે. બોગસ આઈડી પ્રૂફ બનાવીને અમદાવાદમાં રહેતા આ ઈસમો બાંગ્લાદેશમાં બેઠેલા આકાઓના ઈશારે ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવાના મોટા ષડયંત્રનો ભાગ હતા.
રથયાત્રા પહેલાં ગુજરાતમાં કોઈ મોટા આતંકી ષડ્યંત્રની આશંકા હોવાના ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા બાદ રવિવારે (21 મે, 2023) ગુજરાત એટીએસે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી ચાર સંદિગ્ધ ઈસમોની ધરપકડ કરી લીધી હતી. તપાસમાં આ તમામ બાંગ્લાદેશના રહેવાસીઓ હોવાનું અને બોગસ આઇડી બનાવીને ભારતમાં રહેતા હોવાનું ખૂલ્યું છે.
અમદાવાદ ATSના DIG દીપેન ભદ્રને જણાવ્યા અનુસાર, મોહમ્મદ સોજીબમિયાં, મુન્ના ખાલિદ અન્સારી, અઝરૂલ ઇસ્લામ અન્સારી અને અબ્દુલ લતીફ નામના ચાર ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમની સામે UAPAની કલમ 38, 39 અને 40 તેમજ IPCની વિવિધ કલમો લગાડવામાં આવી છે.
ATS દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, આ તમામ બોગસ આઇડીની મદદથી ભારતમાં ઘૂસી આવ્યા હતા અને અમદાવાદમાં રહેતા હતા. જ્યાં તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા માટે યુવાનોની ભરતી કરવી, તેમના બ્રેનવૉશ કરવાં તેમજ ભંડોળ એકઠું કરીને બાંગ્લાદેશ મોકલવું જેવી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે તેમને હથિયારની તાલીમ પણ અપાઈ હતી.
મોહમ્મદ સોજીબમિયાં વિશે જાણવા મળ્યું છે કે તે વર્ષ 2019-20માં પહેલી વખત ભારત આવ્યો હતો પરંતુ કોરોના મહામારી શરૂ થાય તે પહેલાં બાંગ્લાદેશ પરત ફર્યો હતો. ત્યારબાદ ડિસેમ્બર 2021માં તે ફરી ભારત આવ્યો હતો અને જુદાં-જુદાં રાજ્યોમાં રહ્યો હતો. તે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ઈસમો સાથે પણ સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.
સોજીબની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તે બાંગ્લાદેશનો રહેવાસી છે અને ત્યાંના હેન્ડલર શરીફુલ ઇસ્લામ સાથે સંપર્કમાં રહેતો હતો. તેણે જ તેને અલ-કાયદામાં સામેલ કરાવ્યો હતો. તે તેના અન્ય સાગરીતો સાથે ઘૂસણખોરી કરીને ભારતમાં આવી ગયો હતો અને અહીં બોગસ આઈડી બનાવીને વસવાટ કરતો હતો.
ATSની ટીમે તપાસ કરતાં તેના ઠેકાણેથી બોગસ આધારકાર્ડ અને પાન કાર્ડ મળી આવ્યા હતા. ઉપરાંત અલ-કાયદા દ્વારા પ્રકાશિત થતું કટ્ટરવાદી સાહિત્ય પણ હાથ લાગ્યું હતું. ઉપરાંત, આ ઈસમો ગુજરાતમાં ઘણા લોકોના પરિચયમાં આવ્યા હોવાનું અને તેમની પાસેથી ભંડોળ એકઠું કર્યું હોવાનું પણ સામે આવ્યું છે, જે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે. ઉપરાંત, ATS એ દિશામાં પણ તપાસ કરશે કે આ તમામ કઈ રીતે ભારતમાં ઘૂસી આવ્યા હતા અને અહીં તેમના અન્ય સંપર્કો કોણ હતા.