Wednesday, April 17, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ'ત્સુનમો' સામે બધાં લાચાર: મોદીની પ્રચંડ લોકપ્રિયતા, ભુપેન્દ્રનો સાલસ સ્વભાવ અને સીઆરનાં...

  ‘ત્સુનમો’ સામે બધાં લાચાર: મોદીની પ્રચંડ લોકપ્રિયતા, ભુપેન્દ્રનો સાલસ સ્વભાવ અને સીઆરનાં સોગઠાંએ ભાજપને અભૂતપૂર્વ વિજય અપાવ્યો- વિશ્લેષણ

  ગુજરાતના લોકોએ મોદીને કામ કરતા જોયા છે, રાજ્યના વિકાસ માટે નરેન્દ્ર મોદીએ કરેલા દ્રઢ પુરુષાર્થ અને સખત પરિશ્રમના ગુજરાતીઓ સાક્ષી રહ્યા છે. જે દિવસથી ગુજરાતની સત્તા સંભાળી એ દિવસથી મોદીએ સખત મહેનત કરી છે.

  - Advertisement -

  ગઈકાલે (8 ડિસેમ્બર 2022) ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં અને તેની સાથે એક નવો ઇતિહાસ રચાયો. આજ સુધીની સૌથી વધુ બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીએ સાચા અર્થમાં ભવ્ય અને ઐતિહાસિક કહી શકાય એવી જીત મેળવી. છેલ્લે વર્ષ 2002માં ભાજપે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં 127 બેઠકો મેળવી હતી, જે તેમનો રેકોર્ડ હતો. આ વખતે ભાજપની જીત સાથે પાર્ટીએ પોતાનો 127 બેઠકોનો રેકોર્ડ તો તોડ્યો જ પણ માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. 

  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 182માંથી 156 બેઠકો મળી. જે કોંગ્રેસ 2017માં સત્તાની નજીક પહોંચી ગઈ હતી એ જ કોંગ્રેસને આ ચૂંટણીમાં માંડ 17 બેઠકો મળી. આમ આદમી પાર્ટી માટે આમ તો ગુમાવવાનું કશું હતું જ નહીં, પરંતુ જે રીતે માહોલ ઉભો કરી નાંખ્યો હતો તેના પ્રમાણમાં સાવ નબળું પ્રદર્શન કર્યું અને પાંચ બેઠકો મેળવી. તેમાં પણ પાર્ટીના તમામ મોટા ચહેરાઓને પોતપોતાની બેઠક પરથી ઘરભેગા કરી દેવામાં આવ્યા. 

  27 વર્ષથી શાસનમાં હોવા છતાં વિધાનસભા ચૂંટણીમાં તમામ રેકોર્ડ તોડીને ફરી સરકાર બનાવવી એ કોઈ નાનીસૂની ઘટના નથી. આ ચર્ચા કરતી વખતે એ પણ યાદ રાખવું જોઈએ કે એક સમયે (2017માં) ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી સરકાર સરકતી જોવા મળી રહી હતી. પરંતુ ગમે તેમ કરીને સરકાર બચાવી લઈને પાંચ વર્ષમાં એવાં કામો કર્યાં કે પાંચ વર્ષ પછી થયેલી ચૂંટણીમાં ઇતિહાસ સર્જી દીધો.

  - Advertisement -

  નરેન્દ્ર મોદીની પ્રચંડ લોકપ્રિયતા, સરકારનાં કામો અને મજબૂત સ્થાનિક સંગઠન ભાજપને ફળ્યાં 

  નરેન્દ્ર મોદી ભાજપનો એક એવો ચહેરો છે જેના જોરે તેઓ કોઈ પણ ચૂંટણી જીતી લાવે છે. લોકસભામાં તો મોદી સીધી રીતે જોડાયેલા હોય છે, પરંતુ વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પણ વધતે-ઓછે અંશે મોદી મેજિક કામ કરે છે. અહીં ગુજરાતમાં મોદી સામાન્ય રાજકારણી કે એકમાત્ર નેતા નથી, અહીં લોકો મોદી સાથે એક લાગણીના સબંધોથી જોડાઈ ગયા છે. ગુજરાતે જ મોદીને ‘મોદી’ બનાવ્યા છે. 2001માં મોદી અને ગુજરાતીઓ વચ્ચે જે સબંધો બંધાયા હતા તે આજદિન સુધી અકબંધ છે. 

  ગુજરાતમાં ભાજપે ત્રણ દાયકામાં બહુ સારું કહી શકાય એવું કામ કર્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વીજળી, પાણી, પ્રવાસન સ્થળોનો વિકાસ, દરેક ક્ષેત્રમાં ગુજરાતમાં નોંધપાત્ર કામ થયું છે. એમાં સિંહફાળો નરેન્દ્ર મોદીનો છે. ગુજરાતના લોકોએ મોદીને કામ કરતા જોયા છે, ગુજરાતના વિકાસ માટે નરેન્દ્ર મોદીએ કરેલા દ્રઢ પુરુષાર્થ અને સખત પરિશ્રમના ગુજરાતીઓ સાક્ષી રહ્યા છે. જે દિવસથી ગુજરાતની સત્તા સંભાળી એ દિવસથી મોદીએ સખત મહેનત કરી છે. તેમણે ક્યારેય ‘કેન્દ્ર (ત્યારે કોંગ્રેસની સરકાર હતી) કામ નથી કરવા દઈ રહ્યું’નાં બહાનાં કાઢ્યાં નથી કે ગુજરાતીઓને મફતની યોજનાઓની લ્હાણી પણ કરી ન હતી. પણ પોતાનાથી જે કંઈ પણ થઇ શકે એ બધું જ કર્યું અને ગુજરાતને આજે અહીં પહોંચાડ્યું. અને એટલે લોકોને મોદી ઉપર, તેમનાં કામો ઉપર અને ભાજપ ઉપર વિશ્વાસ બેસી ગયો છે અને એ હજુ પણ અકબંધ છે. આ એક મોટું કારણ છે કે ભાજપ અહીં પંચાયતથી લઈને વિધાનસભા સુધીની ચૂંટણી જંગી બહુમતીએ જીતે છે. 

  સીઆર-સરકાર પણ એટલા જ ભાગીદાર

  જોકે, એ વાત પણ એટલી જ સાચી છે કે આવી ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક જીત મેળવવી હોય તો માત્ર મોદી લહેર પર આધારિત રહેવાય નહીં, ભલે એ ગુજરાત પણ કેમ ન હોય. લોકસભા ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ ઓછા ધ્યાને લેવાય, પરંતુ વિધાનસભામાં બીજા પણ અનેક મુદ્દાઓ હોય છે. ભાજપે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડી હતી. 

  આ જીતનો ઘણો શ્રેય ભાજપના મજબૂત સંગઠનને પણ જાય છે અને આ સંગઠનમાં પ્રાણ ફૂંકનાર વ્યક્તિ જો કોઈ હોય તો એ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ છે. સીઆર પાટીલનું માઈક્રોમેનેજમેન્ટ હમણાં વખણાય છે, તેમની રણનીતિની પ્રશંસા થઇ રહી છે. સીઆર પાટીલે સતત સરકાર સાથે, હાઈકમાન્ડ સાથે સંકલનમાં રહીને પાર્ટીને, સંગઠનને ધબકતું રાખ્યું હતું, નેતાઓને દોડતા રાખ્યા હતા, કાર્યકર્તાઓ પાસે પણ એટલું જ કામ લેવડાવ્યું હતું. અને તેનું પરિણામ પણ જોવા મળ્યું. 

  ઉપરાંત, ગયા વર્ષે પાર્ટીએ મુખ્યમંત્રી સહિતનું આખું મંત્રીમંડળ બદલી નાંખ્યું હતું, તેની સીધી અસર હમણાં જોવા મળી. કોરોનાના કારણે લોકોને વિજય રૂપાણી સરકાર પ્રત્યે થોડોઘણો અસંતોષ હતો. જોકે, ત્યારે બધાં જ રાજ્યોમાં આ પરિસ્થિતિ હતી અને કદાચ ભાજપ એ જ સરકાર સાથે લડ્યું હોત તોપણ સત્તા ટકાવી જ રાખી હોત, પણ પાર્ટીનું લક્ષ્ય માત્ર સત્તા ટકાવી રાખવાનું ન હતું. જે હતું એ તેમણે પૂરું કરી લીધું છે. 

  ચૂંટણી લડવાના નામે કોંગ્રેસે રીતસરની વેઠ ઉતારી 

  કોંગ્રેસનું આ ચૂંટણીનું પ્રદર્શન જોઈને લાગી રહ્યું છે કે પાર્ટી જીતવા માટે તો ઠીક પરંતુ અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ લડી ન હતી. પાર્ટીએ પહેલેથી જ આત્મસમર્પણ કરી દીધું હતું અને રીતસરની વેઠ ઉતારી હતી. કોઈ પાર્ટી આગલી ચૂંટણીમાં માંડ 15 બેઠકો માટે સરકાર બનાવવાની રહી ગઈ હોય તો એ બીજી ચૂંટણીમાં ભરપૂર મહેનત કરે, પણ અહીં અવળું થયું. કોંગ્રેસે ન કોઈ મોટા ચહેરાઓને ચૂંટણીમાં ઉતાર્યા કે ન સરખો પ્રચાર કર્યો. 

  ગુજરાતમાં 2017માં જે કોંગ્રેસ નેતાઓ મહેનત કરી રહ્યા હતા તેમણે પણ ખાસ રસ દાખવ્યો નહીં. પાર્ટી હાઈકમાન્ડે પણ રીત પૂરી કરી હોય તેવું લાગ્યું. રાહુલ ગાંધી ગણીને માત્ર ત્રણ રેલી કરી ગયા. પ્રિયંકા ગાંધીને આમંત્રણ અપાયું હોવા છતાં ન આવ્યાં. છેક સુધી પાર્ટીએ પ્રચાર પણ શરૂ કર્યો ન હતો. પછી તો પીએમ મોદીએ જાહેર મંચ પરથી કહેવું પડ્યું કે, કોંગ્રેસ હજુ જીવે છે! 

  જોકે, પાર્ટી મહેનત એ સંજોગોમાં કરે જ્યારે તેને લોકોમાંથી પણ પ્રતિસાદ મળતો હોય. અહીં પાર્ટીનો સતત નીચો જતો ગ્રાફ જોઈને લોકો પણ સમર્થન આપવા બહાર ન નીકળ્યા. જ્યાં કોંગ્રેસ જીતી છે એ એવી બેઠકો છે જ્યાં ઉમેદવારો મજબૂત હતા અને તેઓ પોતાની લોકપ્રિયતા અને કાબેલિયતથી જીત્યા છે, પાર્ટીના ચિહ્ન પર નહીં. 

  આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પર માહોલ બનાવ્યો, જમીની સ્તરે મળ્યું કશું નહીં

  આમ આદમી પાર્ટીએ આ વખતે છ મહિના પહેલાંથી પ્રચાર શરૂ કરી દીધો હતો. માહોલ બનાવવાનો તો વર્ષ પહેલાં શરૂ કર્યો હતો. પણ તોય પાર્ટી ખાસ ઉકાળી શકી નહીં. 13 ટકા વોટશેર સાથે 5 બેઠકો મળી. ઉપરથી 128 બેઠકો પર ડિપોઝીટ ગુમાવવી પડી. તમામ મોટા ચહેરાઓ હારી ગયા અને આખરે તેમણે કોંગ્રેસના વોટ તોડીને સંતોષ માનવો પડ્યો. જ્યાંથી પાર્ટીનો ઉદય થયો હતો એ સુરતમાં પણ ખાસ કંઈ મળ્યું નહીં! 

  આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો, પણ સોશિયલ મીડિયા ચૂંટણી જીતાડતું નથી. ચૂંટણી જીતવા માટે તમારે જરૂર પડે છે સંગઠનની, ગ્રાઉન્ડ પર કામ કરે તેવા કાર્યકર્તાઓની. AAP પાસે કાર્યકર્તાઓ તો હતા, પણ ફેસબુક પોસ્ટ પર જઈને ‘Only AAP’ લખી આવે તેવા. મત માંગી લાવે એવા કાર્યકર્તાઓનો અભાવ પાર્ટીને આ ચૂંટણીમાં નડ્યો. 

  આમ આદમી પાર્ટીને નેતૃત્વનો પણ અભાવ નડ્યો. ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી, બંને નેતાઓ પોતાની બેઠકો પણ બચાવી શક્યા નથી. અને સરખું નેતૃત્વ જ ન હોય તો સંગઠન ટકતું નથી, ટકે તોય માણસો કામ કરતા નથી. અને સંગઠન બાબતે ભાજપની સરખામણી આખી દુનિયામાં કોઈ કરી શકે એમ નથી. 

  ઓવૈસી મુસ્લિમ મતદારોનો વિશ્વાસ પણ ન જીતી શક્યા

  અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMનો ઘાટ તો તેના કરતાં પણ ખરાબ થયો. તેઓ 13 બેઠકો પર લડ્યા હતા, એ તમામ મુસ્લિમ બહુમતી બેઠકો હતી. જેનું પરિણામ અપેક્ષિત હતું એ જ આવ્યું, પાર્ટી બધે જ હાથ ધોઈ બેઠી. ઉપરથી ઘણી બેઠકો પર કોંગ્રેસના વોટ કાપ્યા, જેવું બધી ચૂંટણીઓમાં થતું આવ્યું છે. ઓવૈસી મુસ્લિમ મતદારોનો વિશ્વાસ પણ જીતી શક્યા નહીં અને આખરે તેમણે 0 બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો. એટલું જ નહીં, ક્યાંય પાર્ટી બીજા ક્રમે પણ આવી નહીં! 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં