Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત ચૂંટણી: 60 વર્ષમાં 3.95 કરોડ મતદારો ઉમેરાયા, 55 લાખ લોકો એવા...

    ગુજરાત ચૂંટણી: 60 વર્ષમાં 3.95 કરોડ મતદારો ઉમેરાયા, 55 લાખ લોકો એવા જેમણે ભાજપ સિવાયની પાર્ટીનું શાસન નથી જોયું 

    ગુજરાતમાં પહેલી ચૂંટણી 1962માં થઇ હતી, ત્યારથી અત્યાર સુધીમાં મતદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થઇ ગઈ છે. આગામી 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાશે. ત્યારે તાજેતરમાં સામે આવેલ આંકડાઓ અનુસાર, આ ચૂંટણીમાં કુલ 57 લાખ 75 હજાર 532 મતદારો ઉમેરાયા છે. જ્યારે પહેલી વિધાનસભા ચૂંટણીથી અત્યાર સુધીમાં રાજ્યમાં 3 કરોડ 95 લાખ મતદારોનો વધારો થયો છે. 

    ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર, ગુજરાતમાં કુલ 2 કરોડ 53 લાખ 36 હજાર 610 પુરુષ મતદારો અને 2 કરોડ 37 લાખ 51 હજાર 738 મહિલા મતદરો નોંધાયાં છે. જેમાંથી 27, 943 મતદારો સરકારી કર્મચારીઓ છે. 4 લાખ 4 હજાર 802 મતદારો દિવ્યાંગ મતદારો છે. 80 વર્ષથી વધુના કુલ 9 લાખ 87 હજાર 999 મતદારો, જ્યારે 100 વર્ષથી ઉપરના કુલ 10 હજાર 460 મતદારો નોંધાયા છે. 1, 417 મતદારો થર્ડ જેન્ડરના છે. જ્યારે 4 લાખ 61 હજાર 494 મતદારો પહેલી વખત મતદાન કરશે. 

    ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ પહેલી ચૂંટણી વર્ષ 1962માં થઇ હતી. આ ચૂંટણીમાં રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા 95 લાખ 34 હજાર 974 જેટલી હતી. હાલ મતદારો વધીને 4 કરોડ 90 લાખ 89 હજાર 765 જેટલા થયા છે. એટલે ટકાવારીની રીતે જોઈએ તો ગુજરાતમાં મતદારોની સંખ્યામાં 407.35 ટકાનો વધારો થયો છે. 

    - Advertisement -

    1962 બાદ પાંચ વર્ષ પછી 1967માં થયેલી ચૂંટણીમાં 11.60 લાખ મતદારો ઉમેરાયા હતા. ત્યારબાદ પણ દર વર્ષે મતદારોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. જોકે, વર્ષ 1980 થી 1985 દરમિયાન મતદારોની સંખ્યામાં 11.37 લાખનો ઘટાડો જોવા મળ્યો હતો. તદુપરાંત, 1995થી 1998 દરમિયાન પણ 2.46 લાખ મતદારો ઘટ્યા હતા. 

    એક રિપોર્ટ અનુસાર, રાજ્યમાં 55.42 લાખ લોકો હમણાં એવા છે જેમણે ભાજપ સિવાયની કોઈ પાર્ટીનું શાસન જોયું જ નથી. ભાજપ છેલ્લાં 27 વર્ષથી ગુજરાતમાં સરકારમાં છે. જેના કારણે તે પછી જન્મેલા લોકોએ કોંગ્રેસ કે અન્ય પાર્ટીનું શાસન જોયું જ નથી. 

    ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન યોજાશે. ત્યારબાદ બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. પરિણામો 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં