Monday, November 25, 2024
More
    હોમપેજરાજકારણગોપાલ ઇટાલિયા-મુમતાઝ પટેલ વચ્ચે ટ્વિટર યુદ્ધ, હરિયાણા ચૂંટણીથી શરૂ થયેલી વાત ભરૂચ...

    ગોપાલ ઇટાલિયા-મુમતાઝ પટેલ વચ્ચે ટ્વિટર યુદ્ધ, હરિયાણા ચૂંટણીથી શરૂ થયેલી વાત ભરૂચ સીટ પર આવીને અટકી: INDI નેતાઓએ જણાવી દીધું કેવી હોય છે ‘વિપક્ષી એકતા’

    મુમતાઝ પટેલના આ નિવેદન બાદ ગુજરાત AAPના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને કઠી ગયું હતું. તેમણે મુમતાઝ પટેલને જવાબ આપતી એક X પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં સ્પષ્ટપણે દેખાઈ આવતું હતું કે ગઠબંધન કરીને ટાળી દેવાની અને પાડી દેવાની વાત કરતી આ બંને પાર્ટીઓ વચ્ચે કેવુંક 'ગઠબંધન' હતું.

    - Advertisement -

    હમણાં હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી ગઈ. જેમાં વિપક્ષે બહુ ધમપછાડા કર્યા હોવા છતાં ભાજપે હેટ્રિક મારી અને ત્રીજી વખત સત્તા મેળવી. કોંગ્રેસ બીજા ક્રમે રહી અને આમ આદમી પાર્ટી ક્યાંય નહીં! એક પણ બેઠક પાર્ટીને ન મળી અને ઉપરથી 88માંથી 87 બેઠકો પર ડિપોઝિટ જપ્ત થઈ ગઈ એ નફામાં! અહીં AAP અને કોંગ્રેસે પહેલાં સાથે લડવાના પ્રયાસ કરી જોયા હતા અને ખાસ રસ તો AAPને જ હતો, પણ પછી વાત ન બની અને બંને અલગ લડ્યાં. હવે દિલ્હીમાં પણ રસ્તા અલગ થઈ જશે તેવી જાહેરાત થઈ ગઈ છે. આ બધા વચ્ચે ગુજરાતમાં પણ AAP અને કોંગ્રેસના નેતાઓ જાહેરમાં ટ્વિટર વૉર કરતા જોવા મળી રહ્યા છે.

    વાસ્તવમાં તાજેતરમાં જ ભરૂચનાં કોંગ્રેસ નેતા અને અહમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલે હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને યોજાયેલી એક ટીવી ચેનલની ડિબેટમાં ભાગ લીધો હતો. એન્કર દ્વારા તેમને ગઠબંધન પર સવાલ કરવામાં આવતાં તેમણે આશ્ચર્યજનક રીતે ગઠબંધન ન થઈ શકવાનો દોષનો ટોપલો ભાજપ પર ઢોળ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “ચોક્કસ આમાં સમીક્ષાની જરૂર છે અને ક્યાં ભૂલ થઇ છે તે જોવાની જરૂર છે. જો ગઠબંધન હોત તો શું કેજરીવાલને જામીન મળી ગયા હોત? ક્યાંકને ક્યાંક આ ભાજપની રણનીતિ રહી હતી કે તેમણે કેજરીવાલને જામીન આપ્યા, જેથી કરીને આમ આદમી પાર્ટી ભાજપના પક્ષમાં વોટ નખાવે. જોક્ક્સ અમે જોઈશું કે ભૂલ ક્યાં થઇ છે. કોંગ્રેસ પાર્ટી ગ્રાઉન્ડ પર ઉતરીને કામ કરી રહી હતી.”

    જોકે તેમની આ વાતને એન્કરે તેમના મોઢા પર જ હાસ્યાસ્પદ ગણાવી દીધી અને તે સ્પષ્ટ છે કે કોંગ્રેસ પાર્ટીના હરિયાણા હાઈકમાન્ડે ઓન રેકોર્ડ કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ગઠબંધન માટે જેટલી બેઠકો AAPને આપવાની વાત કરી હતી, તેટલી તેમને મંજૂર નહોતી આથી ગઠબંધન ન થઇ શક્યું. બીજી તરફ મુમતાઝનો કહેવાનો સીધો અર્થ એ હતો કે ભાજપે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે અને એ પણ તે શરતે કે તેમની પાર્ટી ચૂંટણીમાં ભાજપ તરફે વોટિંગ કરાવશે. બીજું, કોઈ પણ આરોપીને જામીન આપવાનું કામ કોર્ટનું છે, સરકારનું નહીં.

    - Advertisement -

    મુમતાઝની વાત સાંભળી ગોપાલ ઈટાલિયા અકળાયા

    બીજી તરફ મુમતાઝ પટેલના આ નિવેદન બાદ ગુજરાત AAPના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને કઠી ગયું હતું. તેમણે મુમતાઝ પટેલને જવાબ આપતી એક X પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં સ્પષ્ટપણે દેખાઈ આવતું હતું કે ગઠબંધન કરીને ટાળી દેવાની અને પાડી દેવાની વાત કરતી આ બંને પાર્ટીઓ વચ્ચે કેવુંક ‘ગઠબંધન’ હતું. ગોપાલ ઈટાલિયાએ લોકસભા ચૂંટણી વખતે ભરૂચ બેઠકની ખેંચતાણ યાદ અપાવીને મુમતાઝ પટેલને મેણું મારતા હોય એવા શબ્દોમાં કહ્યું કે, “આદરણીય મુમતાઝજી, હરિયાણામાં ભાજપે ગઠબંધન ન થવા દીધું એ વાત તમારું વ્યક્તિગત નિવેદન છે કે પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું ઓફિશિયલ સ્ટેન્ડ છે? ભરૂચ લોકસભાની ચૂંટણી દરમ્યાન તમે ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા માટે મત માંગવા કેટલી સભાઓ કરેલી? ભરૂચમાં ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને મત આપવા માટે જાહેર અપીલ કરતા કેટલા નિવેદન કર્યા હતા?”

    અહીં ઈટાલિયા જોકે ખોટા તો નથી પણ એ પણ એક વાત છે કે તેઓ ઢોલની દાંડીએ પક્ષની ખટપટ જાહેર કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી વખતે ગુજરાતમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન હતું અને 26માંથી 2 બેઠકો AAPના ફાળે (બાકીની કોંગ્રેસના) ગઈ હતી. આ બે બેઠકોમાંથી એક એટલે ભરૂચ. (બીજી ભાવનગર.) અહીં AAPએ ડેડિયાપાડાના વિવાદિત MLA ચૈતર વસાવાને ટિકિટ આપી હતી, જેમણે પછીથી કારમી હારનો સામનો કરવો પડ્યો.

    હવે અહમદ પટેલ ભરૂચના વતની હતા. અહીંથી તેઓ ચૂંટણી પણ લડ્યા હતા. જેના કારણે તેમનાં સંતાનોમાંથી કોઈ એકને ટિકિટ મળે તેવું તેમના સમર્થકો ઇચ્છતા હતા. તેમણે તે સમયે નારાજગી પણ વ્યક્ત કરી હતી, પણ કોંગ્રેસ હાઈકમાન્ડ પણ સુષુપ્ત અવસ્થામાં જ રહ્યું અને બહુ ધ્યાન ન આપ્યું. પછીથી બંનેએ પાર્ટી સામે તો તલવારો ન ખેંચી પણ AAP માટે પ્રચાર કરવાનું પણ સદંતર માંડી વાળ્યું. આમ એક રીતે જોવા જઈએ તો ભરૂચમાં માત્ર નામનું જ ગઠબંધન હતું.

    મુમતાઝ પટેલનો ઈટાલિયાને વળતો જવાબ

    આ ખેંચતાણ અહીં જ પૂર્ણ નથી થઈ જતી. ગોપાલ ઈટાલિયાએ જે સવાલો મુમતાઝ પટેલને પૂછ્યા તેના જવાબમાં મુમતાઝે પણ જાહેરમાં એક પોસ્ટ કરીને AAP નેતાને પૂછી નાખ્યું હતું કે તેમને શાની તકલીફ થઈ? તેમણે ગોપાલ ઈટાલિયાની પોસ્ટ ક્વોટ કરીને કહ્યું કે, ‘મેં ભાજપને કહ્યું છે, તમને મરચાં શેનાં લાગ્યાં?’

    રાષ્ટ્રીય સ્તરે INDI ગઠબંધનની જે સ્થિતિ હોય તે, ગુજરાતમાં હાલત શું છે તે જોવા માટે આ ટ્વિટર વૉર પૂરતું છે.

    લોકો એમ પણ કહી રહ્યા છે કે ગોપાલ ઈટાલિયા આમ કાયમ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પડકારો ફેંકતા રહે છે અને અવનવાં ગતકડાં કરતા રહે છે. પણ બીજી તરફ તેમની સહયોગી પાર્ટીના નેતાઓ જ તેમને ગંભીરતાથી લેતા નથી અને આવું બધું સંભળાવી જાય છે.

    આ ઘટના એ વાતની પણ સાબિતી આપે છે કે આમ ભલે INDI ગઠબંધનની પાર્ટીઓ કહ્યા કરતી હોય કે તેઓ એક છે અને દેશ માટે લડી રહ્યાં છે, પણ હકીકત એ છે કે આ તમામ વચ્ચે પણ પૂરતો મનમેળ નથી અને તેમના નેતાઓ પણ આ રીતે બાખડતા રહે છે. કારણ એક થવાનું માત્ર એટલું છે કે ભાજપને કે મોદીને હરાવી શકાય તેવી હવે કોઈ એક પાર્ટીની શક્તિ રહી નથી, એટલે નછૂટકે આમ સાથે આવવું પડ્યું હતું. જોકે, લોકસભા ચૂંટણીમાં સાથે આવીને અને પૂરેપૂરું જોર લગાવીને પણ તેઓ વધુ કાંઈ પામી ન શક્યા. ભાજપ હજુ સત્તામાં છે, તેઓ હજુ વિપક્ષમાં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં