Monday, May 20, 2024
More
    હોમપેજગુજરાતપોર્ટુગલમાં ફસાઈ હતી ગુજરાતી યુવતી, પતિ આપી રહ્યો હતો માનસિક ત્રાસ: પિતાની...

    પોર્ટુગલમાં ફસાઈ હતી ગુજરાતી યુવતી, પતિ આપી રહ્યો હતો માનસિક ત્રાસ: પિતાની રજૂઆત બાદ એક્શનમાં આવી સરકાર, ગણતરીના દિવસોમાં પરત લવાઈ

    પિતાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળીને રજૂઆત કર્યા બાદ સરકારે પોર્ટુગલ સ્થિત ભારતીય દૂતાવાસ અને કેન્દ્ર સરકાર સાથે સંપર્ક સાધ્યો હતો.

    - Advertisement -

    અનેક કિસ્સાઓમાં વિદેશોમાં ફસાયેલા નાગરિકોને હેમખેમ પરત લાવવામાં આવ્યા છે ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પોર્ટુગલમાં ફસાયેલી એક યુવતીને રાજ્ય-કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસે વતન પરત લાવવામાં આવી હતી. પરિવારની રજૂઆત બાદ સરકાર એક્શનમાં આવી હતી.

    પોર્ટુગલ ખાતે રહેતી અને પતિના ત્રાસથી હેરાન થઈ રહેલી યુવતીએ પોતાના પિતાને પતિ દ્વારા અપાતા શારીરિક અને માનસિક ત્રાસ વિશે જાણ કરી હતી. ત્યારબાદ યુવતીના પિતા અશોકભાઈ ચૌહાણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંયુકત પ્રયાસે પોર્ટુગલમાં ફસાયેલી યુવતીને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવી છે.

    સરકાર દ્વારા જણાવ્યા અનુસાર, ગુજરાતના વતની અશોકભાઈ ચૌહાણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી કે, તેમની દીકરી જિનલ વર્મા તેના પતિ અને પરિવાર સાથે પોર્ટુગલ ખાતે વસવાટ કરે છે. પરંતુ ત્યાં છેલ્લા થોડા સમયથી તેને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, તેમની દીકરીને તેના પતિ દ્વારા નજરકેદમાં રાખી હેરાન પરેશાન કરી દેવામાં આવી હોવાની ફરિયાદ પણ કરી હતી. આ ઘટનાને લઈને અશોકભાઇ ચૌહાણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી પોતાની દીકરીને પરત લાવવા વિનંતી કરી હતી.

    - Advertisement -

    ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસે યુવતીને પરત લવાઈ

    યુવતીના પિતાએ કરેલી રજૂઆતને ધ્યાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યુવતીને ત્વરિત ગુજરાત પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરવાના આદેશ છોડ્યા હતા. બીજી તરફ, કેન્દ્ર સરકાર સાથે પણ વાતચીત શરૂ કરી દેવામાં આવી. જ્યાંથી પણ આ માટે તમામ પ્રકારનો સહયોગ આપવા માટે ખાતરી આપવામાં આવી. કેન્દ્રે પોર્ટુગલ સરકાર સાથે વાટાઘાટો કર્યા બાદ યોગ્ય કાર્યવાહી પૂર્ણ કરી દીધી હતી, જેના પરિણામે પોર્ટુગલથી ગુજરાતની આ યુવતીને સહી સલામત રીતે ગુજરાત પરત લાવવામાં સફળતા મળી છે. યુવતીના પરિવારજનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર પણ માન્યો હતો.

    યુવતીના પિતાએ જણાવ્યું કે, તેમની દીકરીના પાસપોટ સહિતના દસ્તાવેજો તેના પતિ પાસે હોવાથી તે પરત ફરી શકતી નહોતી. આખરે તેમણે ગૃહ રાજ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કર્યા બાદ સરકારની બિનનિવાસી ગુજરાત પ્રભાગની કચેરીએ પોર્ટુગલ સ્થિત ઇન્ડિયન એમ્બેસી અને ભારત સરકારના વિદેશ મંત્રાલયને ઈ-મેઈલ મારફતે જાણ કરીને સમગ્ર મામલો સમજાવ્યો હતો. જેની ઉપર ગત 14 ઓગસ્ટના રોજ વળતો જવાબ આપતાં પોર્ટુગલના ભારતીય દૂતાવાસે પણ યોગ્ય અને ત્વરિત કાર્યવાહી કરવાની બાહેંધરી આપી હતી. આખરે જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને યુવતીને ત્યાંથી છોડાવવામાં આવી અને વતન લવાઈ હતી. 

    ગણતરીના દિવસોમાં જ યુવતીને પરત લાવવા બદલ તેના પરિજનોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ આવા કિસ્સા બની ચૂક્યા છે. ગત જૂન મહિનામાં એક દંપતીને ઈરાનમાં બંધક બનાવવામાં આવ્યું હતું. ગુજરાત સરકારને એક વોટ્સએપ મેસેજ મળ્યો અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાતોરાત તેમને છોડાવ્યા હતા. તાજેતરમાં જ આફ્રિકામાં બંધક બનાવવામાં આવેલા એક મુસ્લિમ યુવાનને પણ સરકારે છોડાવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં