કોંગ્રેસના વરિષ્ઠ નેતા અસભ્નેયપદે ભૂતપૂર્વ રાજ્યસભા સંસદ સભ્ય ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડી દીધી છે. હમણાં જ પ્રાપ્ત થતાં સમાચાર અનુસાર ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પક્ષના તમામ પદ પરથી અને પોતાનાં પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે. છેલ્લાં ઘણાં સમયથી આઝાદ કોંગ્રેસ અને તેની વરિષ્ઠ નેતાગીરીથી નારાજ ચાલી રહ્યાં હતાં.
ગુલામ નબી આઝાદે હમણાં થોડા દિવસો અગાઉ જ જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસની એક ઓછી મહત્ત્વની સમિતિના અધ્યક્ષ પદે થયેલી તેમની નિમણુંકને પણ ફગાવી દીધી હતી. અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે ગુલામ નબી આઝાદ કોંગ્રેસની હાલની નેતાગીરીથી નારજ એવા G23 જૂથના એક મહત્ત્વના સભ્ય છે અને જેમાં શશી થરુર, અભિષેક મનુ સિંઘવી અને આનંદ શર્મા જેવા વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ પણ સામેલ છે.
ગુલામ નબી આઝાદ અને તેમનું જૂથ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ તેમજ તેની ઉપલી હરોળની નેતાગીરીમાં આમૂલ પરિવર્તન લાવીને પક્ષને ફરીથી બેઠો કરવાની માંગ કરી રહ્યાં છે, પરંતુ કોંગ્રેસના પ્રમુખ પદે છેવટે ગાંધી પરિવારના સભ્યો જ આરૂઢ થતા જોવા મળે છે. આ અઠવાડિયે જ G23ના એક અન્ય સભ્ય આનંદ શર્માએ કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ ફક્ત એક કે બે નેતાઓ પૂરતો જ સીમિત પક્ષ નથી અને અત્યારે જે થઇ રહ્યું છે તે ન થવું જોઈએ.
જુન મહિનામાં પણ સોનિયા ગાંધીએ ગુલામ નબી આઝાદને પોતાના નિવાસસ્થાને ખાસ બોલાવીને તેમની જે કોઇપણ માંગણી અથવાતો નારાજગી હોય તે દૂર કરવાની વાત કરી હતી પરંતુ તેમ છતાં પણ ગુલામ નબી આઝાદ માન્યા ન હતા.
છેવટે આજે મળેલા સમાચાર અનુસાર ગુલામ નબી આઝાદે કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ પણ છોડી દીધું છે. પોતાના રાજીનામાંના પત્રમાં ગુલામ નબી આઝાદે 2014માં કોંગ્રેસ પક્ષની લોકસભાની ચૂંટણીમાં થયેલી જબરદસ્ત હાર પાછળ રાહુલ ગાંધીની બાળકબુદ્ધિને જવાબદાર ગણી છે. આઝાદે આગળ જણાવ્યું છે કે રાહુલ ગાંધીના પક્ષ પ્રમુખ તરીકે જવાબદારી સાંભળ્યા બાદ પક્ષમાં વરિષ્ઠ નેતાઓને કિનારા ઉપર મૂકી દેવામાં આવ્યા અને એક ખાસ લોકોની ટોળીએ પક્ષ પર કબજો જમાવી લીધો છે.
#GhulamNabiAzad resigns from all #Congress posts
— The Times Of India (@timesofindia) August 26, 2022
The 'childish' behaviour of #RahulGandhi, more than anything else, contributed significantly to the defeat of UPA in 2014, says Ghulam Nabi Azad in his 5-page resignation letter from the Congress partyhttps://t.co/XkxzqgCVp5 pic.twitter.com/MGunm5Ee7R
આઝાદે પત્રમાં એ પ્રસંગને પણ યાદ કર્યો છે જેમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ સરકાર દ્વારા જ જાહેર કરવામાં આવેલા જાહેરનામાને જાહેરમાં ફાડી નાખ્યો હતો. આઝાદના મત મુજબ આ ઘટના રાહુલ ગાંધીની અપરિપક્વતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.