Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘રાહુલ ગાંધીના કારણે છોડી હતી પાર્ટી’: ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પર સાધ્યું...

    ‘રાહુલ ગાંધીના કારણે છોડી હતી પાર્ટી’: ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું- ત્યાં રહીને તમે કરોડરજ્જુ વગરના થઇ જાઓ છો

    "તમે જાતે જ તમારી દીવાલોમાં કાણાં પાડ્યા છે, હવે કોઈ ડોકિયું કરે તો હોબાળો કેવો?": આઝાદ

    - Advertisement -

    કોંગ્રેસ સાથે છેડો ફાડનારા અને ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડવા પાછળ રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં રહેવું હોય તો તમારે કરોડરજ્જુવિહીન અને ડરપોક બની જવું પડે છે.

    ગુલામ નબી આઝાદે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપરાંત પૂર્વ પીએમ મનમોહન સિંહ પર પણ નિશાન સાધ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આઝાદ પોતે યુપીએ સરકારમાં કેબિનેટ મંત્રી હતા. તેમણે કહ્યું કે દોષિત સાંસદો અને ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેના સુપ્રીમ કોર્ટના ઓર્ડરને નકારવા માટે સરકાર વટહુકમ લાવી હતી. રાહુલ ગાંધી દ્વારા વટહુકમ ફાડવો તે ખોટું હતું. મનમોહન સિંહે રાહુલ ગાંધી સામે ઝૂકવું નહોતું જોઈતું. જો તે કાયદો આજે અમલમાં હોત તો રાહુલનું સાંસદપદ બચી ગયું હોત.

    જમ્મુ-કાશ્મીરના પૂર્વ CMએ એવું પણ જણાવ્યું કે, એ સમયે યુપીએ કેબિનેટ નબળી હતી. તત્કાલીન કેબિનેટે તેના નિર્ણય પર અડગ રહેવું જોઈતું હતું. તેમણે ઉમેર્યું, “તમે જાતે જ તમારી દીવાલોમાં કાણાં પાડ્યા છે, હવે કોઈ ડોકિયું કરે તો હોબાળો કેવો?”

    - Advertisement -

    પુસ્તકના લૉન્ચિંગ દરમિયાન પત્રકાર રાજદીપ સરદેસાઈએ ગુલામ નબી આઝાદના કોંગ્રેસ વિશેના એક નિવેદન વિશે પૂછ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે મને કોંગ્રેસમાં ન હોવાનો આનંદ છે કારણ કે હું રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત જઈને કોર્ટની બહાર ઉભો રહી શક્યો ન હોત. સરદેસાઈએ કહ્યું કે, જો તેઓ આજે કોંગ્રેસ નેતા હોત તો ચાલ્યા ગયા હોત. જેના જવાબમાં આઝાદે કહ્યું કે, તમે કોંગ્રેસમાં હોવ એટલે તમે કરોડરજ્જુ વગરના થઇ જાઓ છો, તમારે ઓપરેશન કરાવવું પડે છે. 

    કોંગ્રેસના ક્યારેય ‘ગુલામ’ નહીં બને ગુલામ નબી આઝાદ

    ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની પકડમાંથી ‘આઝાદ’ થયેલા ગુલામ નબી આઝાદે પોતાની આત્મકથા ‘આઝાદ’ના વિમોચનમાં આ નિવેદનો આપ્યા હતા. તેમણે પોતાના પુસ્તકમાં એક તરફ રાહુલ ગાંધી અને કોંગ્રેસની કામગીરી પર નિશાન સાધ્યું છે તો બીજી તરફ અનેક મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ પણ કર્યા છે. ગુલામ નબી આઝાદે કહ્યું કે તેઓ કોંગ્રેસમાં ક્યારેય પાછા નહીં જાય.

    ગુલામ નબી આઝાદને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તેમના કોંગ્રેસ છોડવા પાછળનું કારણ રાહુલ છે? ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ‘હા, રાહુલને કારણે મેં પાર્ટી છોડી. હું એકલો નથી. કેટલાય યુવા અને વરિષ્ઠ નેતાઓ એવા છે જેનું રિમોટ કંટ્રોલ કોંગ્રેસ પોતાના હાથમાં રાખે છે. તમે કોંગ્રેસમાં હોવ એટલે કરોડરજ્જુ વગરના થઈ જાઓ છો.’

    રાહુલ ગાંધી જ્યારે નેતાઓ સાથે સુરત કોર્ટમાં ગયા ત્યારે પણ ગુલામ નબી આઝાદે સવાલ ઉઠાવ્યા હતા. પાંચ દાયકાઓ સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા આઝાદે કોંગ્રેસના નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, “હું ટ્વિટર પર રાજકારણ ચલાવનારાઓ કરતાં 2,000 ટકા વધુ કોંગ્રેસી છું. હું ખાતરીપૂર્વક 24 કેરેટનો કોંગ્રેસી છું, તેઓ 18 કેરેટના પણ નથી.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં