છત્તીસગઢના નારાયણપુરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રવિવારે નાતાલના દિવસે (25 ડિસેમ્બર 2022) અહીંના ઓછામાં ઓછા 20 ઈસાઈ પરિવારોએ સ્વધર્મમાં ઘરવાપસી કરી હતી. જે બાદ તેઓએ પોતાના જુના ધર્મના ધાર્મિક પુસ્તકોનું વિસર્જન પણ કર્યું હતું.
નોંધનીય છે કે છત્તીસગઢનો આ વિસ્તાર મોટા ભાગે આદિવાસીબહુલ છે. અહીં મિશનરીઓ દ્વારા ભોળા આદિવાસીઓને ધાક-ધમકી અથવાતો લાલચ આપીને ઈસાઈ બનાવવાનો રીતસરનો ધંધો ચાલી રહ્યો છે અને આ ખુલ્લું પાડતા અહેવાલ અવારનવાર સામે આવતા હોય છે.
પરંતુ તાજા અહેવાલો મુજબ, નારાયણપુરમાં 20 પરિવારો જે ભૂતકાળમાં આવી ધાક ધમકી અને લાલચમાં આવીને ઈસાઈ બન્યા હતા, તેઓએ આ નાતાલના દિવસે જ ફરી પોતાના સ્વધર્મમાં, હિંદુધર્મ, ઘરવાપસી કરી છે. સાથે જ તેઓએ બાઇબલ સહિતના ઈસાઈ ધાર્મિક પુસ્તકોનું વિસર્જન પણ કર્યું હતું.
પુરી વાત એમ છે કે નારાયણપુરમાં મહિમાગાવડી ગ્રામ પંચાયત અંતર્ગત આવતા ગામ મડમનારમાં 20 આદિવાસી પરિવારો ભૂતકાળમાં ઈસાઈ ધર્મ ધર્માંતરિત થયા હતા જેઓએ હવે ફરી સ્વધર્મમાં ઘરવાપસી કરી છે. ગામના વડા ગાયતા પટેલ પુજારીની હાજરીમાં આ બાબતે રવિવારે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભૂતકાળમાં ઈસાઈ ધર્મમાં ધર્માંતરિત થયેલ પરિવારના સભ્યો મંગુરામ કોરામ, સોમજી, સીતુરામ, માનકુ, માણિક, સુખુ, સુખદેવ, કુમા, સોનારૂ, સિઘ્રાય, ફુલસિંઘ, બિશરૂ, ખેમુ સહીત અન્ય લોકોએ જણાવ્યું હતું કે તેઓ એને તેમનો પરિવાર કોઈ પણ જાતના દબાણ વગર સ્વયંભૂ પોતાના સ્વધર્મમાં ઘરવાપસી કરી રહ્યા છે. સાથે જ તેઓએ કહ્યું હતું કે હવેથી તેઓ ગામના બધા રીતિરીવાજોનું પાલન પણ કરશે.
તેઓએ આગળ જણાવ્યું હતું કે પોતાનો મૂળ ધર્મ છોડીને તેઓ બીજા ધર્મમાં ગયા હતા તે તેઓની મોટી ભૂલ હતી. હવે તેઓ સ્વધર્મમાં ઘરવાપસી કરવા માંગે છે. આ માટે તેઓએ પોતાના ધર્માંતરિત ધર્મના બાઇબલ સહિતના પુસ્તકોનું નદીમાં વિસર્જન કરી દીધું હતું.
જે બાદ આ ઘરવાપસી કાર્યક્રમમાં આવેલા વિવિધ અમાજોનાં પ્રમુખોએ તેમને શ્રીફળ આપીને ગંગાજળથી પવિત્ર કરીને સ્વધર્મમાં ઘરવાપસી કરાવી હતી. જેના પુરાવા તરીકે આખું ગામ હાજર રહ્યું હતું.
નોંધનીય છે કે વિસ્તારમાં વધી રહેલ ઘરવાપસીની ઘટનાઓ બાદ જેમના ઘર ધર્માંતરણની પ્રવૃત્તિઓથી ચાલે છે તેમના પેટમાં તેલ રેડાયું હતું અને તેઓએ આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો. તેઓએ આને બળજબરીપૂર્વકની ઘરવાપસી ગણાવી હતી. સાથે જ આ બાબતે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.