Wednesday, April 24, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગાંધીનગરમાં હથિયાર ભરેલી બિનવારસી કારના કેસમાં આરોપીને પકડી પડાયો: ગાડીમાંથી મળેલી દાનની...

  ગાંધીનગરમાં હથિયાર ભરેલી બિનવારસી કારના કેસમાં આરોપીને પકડી પડાયો: ગાડીમાંથી મળેલી દાનની એક પાવતીના આધારે પગેરું મળ્યું

  વર્ષ 2017માં જીતેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદના હુન્ડાઈ સર્વિસ સ્ટેશનમાં આ ગાડી સર્વિસ કરાવ્યા હોવાના પુરાવા મળતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો.

  - Advertisement -

  ગાંધીનગરના સરગાસણમાંથી હથિયારો ભરેલી બિનવારસી કાર મળવા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કારના ચેસીસ નંબર અને દાનની પાવતીના આધારે જીતેન્દ્ર નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ લોકડાઉન પહેલા મધ્યપ્રદેશથી હથિયારો મંગાવ્યા હોવાનું ખૂલ્યું છે.

  ગાંધીનગર પોલીસ દ્વારા બિનવારસી ગાડીમાં મળેલા મુદ્દામાલમાં દાનની પાવતીના એક ભાગમાં જીતેન્દ્ર પટેલનું નામ લખેલું હોવાનું સામે આવતા આ ધર્માદા પાવતીના આધારે જીતેન્દ્ર પટેલની તપાસ કરતા સમગ્ર ગુનો ઉકેલવામાં આવ્યો છે.

  આરોપી સામે અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 3 મર્ડર સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે. સરગાસણના સ્વાગત એફોર્ડ ફ્લેટના બેઝમેન્ટમાં પડેલી બિનવારસી કારમાંથી દેશી બનાવટના ગેરકાયદે હથિયારો મળી આવ્યા હતા.

  - Advertisement -

  પોલીસને કારમાંથી બે રિવોલ્વર, બે દેશી કટ્ટા અને 300 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા કારનો નંબર પણ ડમી નીકળ્યો. જે બાદ પોલીસે કારના એન્જિન નંબર અને ચેસીસ નંબરના આધારે તપાસ કરતા તેનો અસલી રજિસ્ટ્રેશન નંબર મધ્ય પ્રદેશનો નીકળ્યો. તપાસમાં જીતેન્દ્ર પટેલ નામના શખ્સે વર્ષ 2017માં કારની સર્વિસ કરાવી હોવાના પુરાવા મળી આવ્યા. જે બાદ પોલીસે જીતેન્દ્રને ઝડપી લીધો.

  એક ફેલેટના બેઝમેંટમાં હતી બિનવારસી કાર

  ગાંધીનગર સરગાસણ વિસ્તારમાં આવેલા એફોર્ડ ફ્લેટના પાર્કિંગમાં બિનવારસી એક વર્ના કારમાં તપાસ કરતા પાછળની ડેકીમાંથી એક થેલામાં અલગ-અલગ પ્રકારના હથિયાર મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમાં લાયસન્સ વગરની દેશી બનાવટી બે પિસ્તોલ, બે તમંચા, પિસ્તોલના ત્રણ ખાલી મેગેઝીન, પેન ડ્રાઈવ, કાર રીડર પાઉચ, બાર બોર રાયફલના કાર્ટીઝ, રિવોલ્વર અને પિસ્તોલ મળી આવી હતી.

   આમ કુલ 340 કર્ટજ સાથે 5.28 લાખનો મુદ્દામાલ બિનવારસી હાલતમાં ગાંધીનગર પોલીસને મળી આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

  નંબર પ્લેટ પણ હતી ખોટી

  બિનવારસી પકડાયેલી ગાડીનો નંબર ખોટો હોવાનું જણાતા ગાડીના એન્જિન નંબર અને ચેસીસ નંબરના આધારે તપાસ કરતા આ ગાડીનો રજિસ્ટ્રેશન નંબર MP 09 CR 4165 જણાઈ આવ્યો હતો.

  મળી આવેલી ગાડી નંબરના માલિક સુરજીતસિંહ વિજયસિંહ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જેમને બોલાવી આ પકડાયેલી ગાડી બતાવી હતી. ત્યારે તેમણે, આ ગાડી પોતાની નહીં હોવાનું જણાવ્યું હતું. તેમજ રજિસ્ટ્રેશન નંબર મધ્યપ્રદેશનો હોવાનું જાણવા મળ્યું હતું. આ ગાડી હાલમાં મેમ્બર્સ ચોમોવાલા એન્ડ સન્સ રહેવાસી સુશીલ ગોયલ મધ્યપ્રદેશના નામે હોવાની વિગતો તપાસમાં સામે આવી હતી.

  દાનની પાવતી અને સર્વિસ રેકોર્ડ આધારે આરોપી પકડાયો

  ગાંધીનગર પોલીસે આ તપાસ દરમિયાન ગાડીમાંથી મળી આવેલી એક ધર્માદા સ્લીપ જેમાં જીતેન્દ્ર પટેલ લખ્યું છે. આ સ્લીપ અંગે તપાસ કરતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો હતો. વર્ષ 2017માં જીતેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદના હુન્ડાઈ સર્વિસ સ્ટેશનમાં આ ગાડી સર્વિસ કરાવ્યા હોવાના પુરાવા મળતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો.

  પોલીસે આ દિશામાં આગળ તપાસ કરતા સ્વાગતમાં જઈ મકાન નંબર 104માં જીતેન્દ્ર બળદેવભાઈ પટેલ બે વર્ષ અગાઉ રહેતા હોવાનું અને મકાન તેના માલિકનું હોવાનું જાણવા મળ્યું હતું.

  હાલ આ મકાનમાં રહેતા ભાડુઆતને પૂછતા જીતેન્દ્ર બળદેવ પટેલનો ભાડુઆત હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગાંધીનગર રેન્જ આઇ.જી અને ગાંધીનગર જિલ્લા પોલીસ વડાએ એલસીબી એસઓજી અને સ્થાનિક ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ બનાવી તપાસ કરતા જીતેન્દ્ર બળદેવભાઈ પટેલે હિસ્ટ્રી સિટર હોવાનું સામે આવ્યું હતું.

  જેલના સાથીની મદદથી મધ્યપ્રદેશથી મંગાવ્યા હતા હથિયાર

  પોલીસની તપાસમાં એ બાબત સામે આવી હતી કે જીતેન્દ્ર પટેલ સાબરમતી જેલમાં હતો ત્યારે રાજુ ભાઉ નામના આરોપીના સંપર્કમાં આવ્યો હતો અને તેના માધ્યમથી મધ્યપ્રદેશથી આ હથિયારો તેણે મેળવ્યા હતા.  લાંબા સમયથી સરગાસણના સ્વાગત એફોર્ડ નામના અપાર્ટમેન્ટના પાર્કિંગમાં આ ગાડી પડી હતી અને હથિયાર પણ અંદર હતા. જે સોમવારે પોલીસે કબજે કર્યા હતા અને ગણતરીના કલાકોમાં અમદાવાદથી જીતેન્દ્ર પટેલ નામના રીઢા ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં