Thursday, November 14, 2024
More
    હોમપેજક્રાઈમદેશમાં ₹111 કરોડનું સાયબર ફ્રોડ કરનાર ચાઈના ગેંગના ઠગ સુરતથી ઝડપાયા: 8-10...

    દેશમાં ₹111 કરોડનું સાયબર ફ્રોડ કરનાર ચાઈના ગેંગના ઠગ સુરતથી ઝડપાયા: 8-10 ચોપડી ભણેલા આરોપીઓ 250થી વધુ બેંક એકાઉન્ટ કરતા હતા ઓપરેટ

    ધરપકડ બાદ ખુલાસો થયો હતો કે તેઓ માત્ર 8-10 ધોરણ જ ભણેલા છે અને સાયબર ફ્રોડ કરતી ટોળકીઓ માટે બેંક ખાતા પ્રોવાઈડ કરતા હતા. તપાસમાં ખુલ્યું હતું કે તેઓ જરૂરિયાતમંદ લોકો પાસેથી તેમના પુરાવા મેળવી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને બેંક કીટ દુબઈ મોકલતા હતા.

    - Advertisement -

    દેશમાં છેલ્લા કેટલાક સમયથી ડિજીટલ ફ્રોડ (Digital Fraud) ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ઠગ ટોળકીઓ ભોળા લોકો પાસેથી આધુનિક રીતે છેતરપીંડી કરી લાખો-કરોડો પડાવી રહી છે. મહત્વનું છે કે આ રૂપિયાના આદાન-પ્રદાન માટે બેંક ખાતાઓની પણ જરૂર પડે, ત્યારે સવાલ તે ઉભો થાય કે તેમની પાસે બેંક ખાતા આવતા ક્યાંથી હશે? ત્યારે સુરતથી (Surat) આ પ્રકારે જ ડિજીટલ ફ્રોડથી લોકોને ઠગતી એક ચાઇનીઝ ગેંગ (Chinese gang) માટે કામ કરતા ચાર એજન્ટો ઝડપાયા છે. આ ઠગ ટોળકીએ ₹111 કરોડના સાયબર ફ્રોડમાં ગેંગને બેંક એકાઉન્ટ પુરા પાડ્યા હોવાનું સામે આવ્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલે ફરિયાદ જૂન 2024માં દાખલ થઇ હતી અને તે સમયે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ ખુલાસો થયો હતો કે તેઓ માત્ર 8-10 ધોરણ જ ભણેલા છે અને સાયબર ફ્રોડ કરતી ટોળકીઓ માટે બેંક ખાતા પ્રોવાઈડ કરતા હતા. તપાસમાં ખુલ્યું હતું કે તેઓ જરૂરિયાતમંદ લોકો પાસેથી તેમના પુરાવા મેળવી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને બેંક કીટ દુબઈ મોકલતા હતા. કીટ દુબઈ પહોંચ્યા બાદ દેશભરમાં જે પણ સાયબર ફ્રોડની ઘટના બનતી હતી, તેના પૈસા આ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા.

    દેશ ભરમાં 200થી વધુ FIR, સુરતમાં જ 250 એકાઉન્ટ ઓપરેટ થતા

    બીજી તરફ આ એજન્ટ ટોળકીમાં અનેક લોકો સામેલ હોવાનું પણ ખૂલ્યું હતું. જેમાંથી ત્રણની પહેલા જ ધરપકડ થઈ ગઈ હતી. તે સિવાય દુબાઈ રહેતો એક આરોપી સુરત આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી લીધી હતી. ચારેયની ધરપકડ બાદ તેઓ દેશમાં ₹111 કરોડનું સાયબર ફ્રોડ આચરનાર ચાઇનીઝ ગેંગ માટે કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. તેમની વિરુદ્ધ કુલ 866થી વધુ અરજીઓ કરવામાં આવી હતી. જેમાંથી દેશભરમાં 200થી વધુ FIR નોંધાઈ છે. આરોપીઓમાં અજય ઇટાલીયા, જલ્પેશ નડિયાદરા, વિશાલ ઠુમ્મરની જૂન મહિનામાં અને હિરેનકુમાર ભરવાડીયા કે જે દુબાઈ ભાગવાની ફિરાકમાં હતો તેની હમણાં ધરપકડ થઈ છે.

    - Advertisement -

    નોંધનીય છે કે ડિજીટલ ફ્રોડથી લોકોને ઠગતી એક ચાઇનીઝ ગેંગ માટે કામ કરતા ચાર એજન્ટો સુરતથી ઝડપાયા તે ઉપરાંત અન્ય મિલન વાઘેલા, કેતન વેકરીયા, દશરથ ધાંધલીયા અને જગદીશ અજુડીયા નામના આરોપીઓ હજુ ફરાર છે અને તેમને ઝડપી લેવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ બેંકના કુલ 86 જેટલા ડેબિટ કાર્ડ, 28 મોબાઈલ ફોન, 180 બેંક પાસબુક, 30 ચેકબુક, 258 સીમકાર્ડ, એક કમ્પ્યુટર, એક સીપીયુ અને એક લેપટોપ જપ્ત કર્યા છે. કેસમાં ચોંકાવનારી બાબત તે છે કે તેઓ માત્ર સુરતમાં જ 250થી વધુ બેંક એકાઉન્ટ ઓપરેટ કરી રહ્યા હતા. આગળ તપાસમાં આ આંકડો વધે અને સુરત બહાર પણ તેના છેડા નીકળે તેવી સંભાવનાઓ નકારી શકાય નહીં.

    દેશમાં સતત વધી રહ્યા છે સાયબર ફ્રોડના કિસ્સા

    નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દેશમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઠગ ટોળકીઓ ડિજીટલ એરેસ્ટ (Digital Arrest), ઓટીપી સ્કેમ (OTP Scam), સીમકાર્ડ/એટીએમ કાર્ડ બંધ થવાના નામે નાણાકીય છેતરપીંડી, ભૂલથી રૂપિયા UPI ટ્રાન્સફર થઈ જવા જેવી વાતોમાં ઓછી માહિતી ધરાવતા લોકોના એક ખાસ વર્ગને ટાર્ગેટ કરીને લાખો કરોડો રૂપિયા પડાવી લેવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ પ્રકારની ઠગ ટોળકીઓ ખાસ કરીને મહિલાઓ અને વૃધ્ધોને વધુ ટાર્ગેટ કરતા હોય છે. આવા સમયમાં લોકોમાં સાયબર ફ્રોડને લઈને જાગરૂકતા આવે અને લોકો તેનાથી બચે તે ખૂબ મહત્વનું બની જાય છે. સરકાર અને પોલીસ પણ તે દિશામાં કાર કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં