ભારતીય જનતા પાર્ટી (BJP) વિરુદ્ધ તેના અભિયાનમાં, મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (MVA)એ રવિવારે છત્રપતિ સંભાજીનગરમાં તેની પ્રથમ સંયુક્ત રેલી યોજી હતી. આ રેલીમાં લગભગ એક લાખ લોકો સામેલ થયા હતા અને અહીં પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેને મળેલા સન્માને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રેલીથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે એકનાથ શિંદે સામે પક્ષનું નામ અને ચિહ્ન ગુમાવ્યા છતાં MVA ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ કામ કરવા જઈ રહ્યું છે.
આ રેલીમાં કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણ અને બાલાસાહેબ થોરાટ હાજર રહ્યા હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નું નેતૃત્વ વિપક્ષના નેતા અજીત પવાર પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે કર્યું હતું. જોકે, અહીં ઉદ્ધવ ઠાકરે કેન્દ્રસ્થાને હતા. તેઓ રેલીમાં સૌથી છેલ્લે પહોંચ્યા હતા અને તેમને સેન્ટરમાં બાકીના નેતાઓની તુલનાએ મોટી ખુરશી પણ મળી હતી.
ભાજપે હિન્દુત્વની ઓળખ છોડી દીધી છે
ઠાકરેએ ભાજપ પર પ્રહાર કર્યા કે, તેમણે હિન્દુત્વની ઓળખ છોડી દીધી છે. પીએમ મોદીની ડિગ્રી મામલે ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલને ફટકારેલા દંડનો ઉલ્લેખ કરતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, “પીએમ જે કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા છે, તે જાહેર કરતાં કોલેજને ગર્વ થવો જોઈએ કે તેમનો વિદ્યાર્થી હવે વડાપ્રધાન છે. પણ અફસોસ છે કે, આવા ગર્વ પર કોઈ દાવો કરવા માટે આગળ નથી આવતું.”
ઠાકરેએ ભારતીય સેનાના સૈનિક ઔરંગઝેબનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેનું ત્રણ વર્ષ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. ઠાકરેએ કહ્યું કે શું આપણે તેમની શહાદતને એટલા માટે ભૂલી જઈએ કારણકે તેઓ મુસ્લિમ હતા?
ઔરંગાબાદનું નામ બદલવાને લઈને થઈ રહ્યો છે વિરોધ
ઉલ્લેખનીય છે કે, ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર રાખવાને લઈને ઔરંગાબાદમાં વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે ઠાકરેએ શહીદનો ઉલ્લેખ કરીને બીજેપી પર કટાક્ષ કર્યો હતો. ઔરંગાબાદનું મૂળ નામ ખડકી હતું. 1700ના દાયકાની શરૂઆતમાં મુઘલ આક્રમણખોર ઔરંગઝેબે શહેરનું નામ બદલીને ઔરંગાબાદ રાખ્યું હતું. લોકો લાંબા સમયથી આ શહેરનું નામ બીજા મરાઠા રાજા છત્રપતિ સંભાજીના નામ પર રાખવા માટે માગણી કરી રહ્યા છે.
એમવીએ નેતા તરીકે ઠાકરેનો ઉદ્ભવ એ નિર્ણાયક વ્યૂહરચનાનો ભાગ હોવાની શક્યતા છે. કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે ત્યારે એનસીપીની વિશ્વસનીયતા ઘણી ઓછી છે. બીજી તરફ ઠાકરેને સહાનુભૂતિ તરીકે વોટબેંક મળવાની શક્યતા છે.
આ ઉપરાંત, કોંગ્રેસ કે એનસીપી નેતાઓની જેમ તેઓ કોઈ નાણાંકીય કેસમાં ફસાયેલા નથી. સામે ભાજપ સાથેના સંબંધો તોડી નાખવાથી ઉદ્ધવ ઠાકરે દળને મુસ્લિમોનો પણ ઘણો ટેકો મળ્યો છે.
એમવીએ માત્ર ગઠબંધનથી જ ભવિષ્યની ચૂંટણીઓ લડવાનું આયોજન કરી રહ્યું છે અને સ્પષ્ટ છે કે MVA ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં જ આગળ વધવા માંગે છે. ગયા મહિને પુણેમાં કસ્બા પેઠની પેટાચૂંટણીમાં આ ગઠબંધનથી જ 27 વર્ષ બાદ ભાજપ પાસેથી બેઠક છીનવી હતી.
સુપ્રીમ કોર્ટ એપ્રિલના બીજા સપ્તાહ સુધીમાં શિવસેનાના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર પોતાનો ચુકાદો આપે તેવી શક્યતા છે. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો એમવીએ નેતા તરીકે ઠાકરેનું ભાવિ નક્કી કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. જો ચુકાદો તેમની વિરુદ્ધ જશે તો, ઠાકરે પોતાને ‘વિક્ટિમ’ તરીકે રજૂ કરશે અને તેમની તરફેણમાં ગયું તો તેનો પણ લાભ લેશે.