ચૂંટણી ટાણે નામનો દુરુપયોગ કરીને બે સમુદાયો વચ્ચે વર્ગવિગ્રહ થાય તે પ્રકારનાં નિવેદનોને ફરતાં કરવા મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે તાજેતરમાં જ ઑપઇન્ડિયાએ એક એક્સક્લુઝિવ ફેક્ટચેક થકી જુઠ્ઠાણું ખુલ્લું પાડ્યું હતું. હવે પૂર્વ મુખ્યમંત્રીએ આ અંગે કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.
વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર એક ન્યૂઝપ્લેટ ફરતી કરવામાં આવી હતી, જેમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીના નામ સાથે એક નિવેદન લખવામાં આવ્યું હતું. લખાણ એ પ્રકારનું હતું કે, ‘કોની પાસેથી મત લેવા એ અમને શિખવાડવું નહીં, ક્ષત્રિયો કે કોળીના મતની જરૂર નથી અમારે- વિજય રૂપાણી.’
જે ન્યૂઝપ્લેટ ફરતી કરવામાં આવી હતી તે ABP અસ્મિતા ચેનલની હતી અને લૉગો પણ ચેનલનો જ વાપરવામાં આવ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ ફેક લાગતા આ ફોટા પર ઑપઇન્ડિયાએ વિગતવાર તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે તે ફેક છે અને ન તો વિજય રૂપાણીએ ક્યારેય આવું નિવેદન આપ્યું છે કે ન ચેનલે આવા સમાચાર પ્રસારિત કર્યા છે. ઑપઇન્ડિયાએ ABP અસ્મિતા ચેનલના તંત્રી રોનક પટેલનો પણ સંપર્ક કર્યો હતો, તેમણે પણ જણાવ્યું હતું કે આ ફેક છે અને ફોટો એડિટ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ચેનલે પણ સ્પષ્ટીકરણ આપ્યું હતું.
ફરિયાદમાં શું જણાવવામાં આવ્યું?
બીજી તરફ, આ સમગ્ર મામલે પૂર્વ સીએમ રૂપાણીએ શુક્રવારે (19 એપ્રિલ) રાજકોટ પોલીસ કમિશનરને એક લેખિત અરજી આપીને સોશિયલ મીડિયા પર તેમના નામે ફેક ન્યૂઝ ફેલાવનારા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે વિનંતી કરી હતી.
પોલીસ કમિશનરને આપેલી ફરિયાદમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જે ABP અસ્મિતાના નામે આ ન્યૂઝપ્લેટ બનાવવામાં આવી હતી તેના દ્રારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમણે આવી કોઇ પ્લેટ બનાવી જ નથી અને ન્યૂઝપ્લેટમાં જણાવવામાં આવેલું નિવેદન તથ્યવિહોણું છે.
તેમણે જણાવ્યું કે, તેમના નામનો ખોટો ઉપયોગ કરીને, તેમના નામે ખોટાં કાલ્પનિક નિવેદનો ઉભાં કરીને ખોટા મેસેજો વાયરલ કરવાનો હીન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેની સીધી અસર રાજ્યની કાયદો-વ્યવસ્થા પર તેમજ સામાજિક સમરસતા પર પડી શકે છે તેમજ ભારતીય જનતા પાર્ટી પર પણ અસર પડે તેની સંભાવના છે. આવા ખોટા અને એડિટેડ મેસેજો થકી તેમની વર્ષોથી કમાયેલી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં આવી રહી છે, જેની ઉપર ગંભીરતાથી નોંધ લેવી જરૂરી છે. તેમણે અપીલ કરી હતી કે, આ હકીકતોને ધ્યાનમાં લઈને એડિટેડ ન્યૂઝપ્લેટ વાયરલ કરનાર આરોપીઓ સામે તાત્કાલિક ગુનો નોંધીને કાયદાકીય પગલાં હાથ ધરવામાં આવે.
આ મામલે વિજય રૂપાણીનાં નજીકનાં સૂત્રોનો સંપર્ક કરતાં ફરિયાદ નોંધવામાં આવી હોવાની વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. જોકે, પોલીસ તરફે આગળ શું કાર્યવાહી થઈ છે તે આ તબક્કે જાણી શકાયું નથી.