15 ઑગસ્ટે દેશ સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે, જે પહેલાં દેશભરમાં ‘તિરંગા યાત્રા’ઓ આયોજિત કરવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામમાં આવી યાત્રા લઈને નીકળેલાં એક શાળાનાં બાળકોને કોંગ્રેસ નેતાઓએ અટકાવ્યાં હતાં. કારણ એ હતું કે બાળકોએ જે ભગવા રંગની ટી-શર્ટ પહેરી હતી, તેની ઉપર વીર સાવરકરનો ફોટો હતો. કોંગ્રેસીઓએ તેનો વિરોધ કરીને બાળકો પાસે યુનિફોર્મની ઉપર પહેરેલી ટી-શર્ટ કઢાવી નાખવામાં આવી હતી. આ મામલે હવે કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતની જાણકારી આપી.
સુરેન્દ્રનગરની એક શાળાની ‘તિરંગા યાત્રા’ દરમિયાન કોંગ્રેસી નેતાઓએ આવું વર્તન કર્યું હતું. ઘટનાના વિડીયો સામે આવતા સોશિયલ મીડિયા પર વિરોધ શરૂ થઈ ગયો હતો. બીજી તરફ આ મામલે પોલીસે કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 126(2), 189(3), 221, 197 (સી) (ડી), 352 અને 353 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા માધ્યમ X પર જાણકારી આપતાં લખ્યું હતું કે “વીર સાવરકરજીને દેશભક્તિનું પ્રમાણપત્ર આપવાની લાયકાત કોંગ્રેસ કે વિડીયોમાં નજરે પડતા નેતાઓની નથી. સુરેન્દ્રનગર ખાતે તિરંગા યાત્રામાં બાળકોનાં ટી-શર્ટ લઈ લેવા તે અતિનિંદનીય બાબત છે.” ત્યારબાદ તેમણે કાયદાકીય કાર્યવાહી અંગે જાણકારી આપી હતી.
The Congress or the leaders seen in the video are not worthy of certifying the patriotism of Veer Savarkar Ji & Netaji
— Harsh Sanghavi (@sanghaviharsh) August 14, 2024
Snatching T-shirts from the young children participating in the Tiranga Yatra in Surendranagar is highly condemnable.
Today, those who insulted Veer Savarkar… https://t.co/TRCoXG6jMJ
સમગ્ર ઘટના સુરેન્દ્રનગર જિલ્લાની સાંગણી ગામની શાળાની છે. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની પૂર્વ ઉજવણી અંતર્ગત શાળા દ્વારા ‘તિરંગા યાત્રા’ યોજાઈ હતી. બાળકો ‘તિરંગા યાત્રા’માં ઉત્સાહભેર જોડાયાં હતાં અને તેમણે સુભાષચંદ્ર બોઝ અને વીર સાવરકરની તસવીર છાપેલી ટી-શર્ટ પહેરી હતી. ત્યારે રસ્તામાં કોંગી નેતાઓએ આ ‘તિરંગા યાત્રા’ રોકી અને ટી-શર્ટ મામલે શાળાના શિક્ષકો સાથે રકઝક કરવા માંડ્યા હતા, જેના વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થઈ ગયા હતા.
ત્યારબાદ નેતાઓએ બાળકો પાસેથી ટી-શર્ટ પણ કઢાવી લીધી. કોંગ્રેસી નેતાઓએ વીર સાવરકરને ગાંધી હત્યાના જવાબદાર ગણાવ્યા જ્યારે આજદિન સુધી સાવરકર વિરુદ્ધ કોઈ પણ પુરાવો મળ્યો નથી અને તેમને કેસમાં પણ દોષમુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ નૌશાદ સોલંકીએ તો કલેક્ટર સમક્ષ સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પર પ્રતિબંધ લાગવાની માંગ કરતો પત્ર પણ લખી દીધો હતો. કોંગ્રેસી નેતાઓનો શાળાના શિક્ષકો અને બાળકો સાથેના દુર્વ્યવહારના ઘણા વિડીયો સામે આવતા હોબાળો મચ્યો હતો. આખરે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.