કેરળની હજારો હિંદુ યુવતીઓના ઇસ્લામી ધર્માંતરણ અને ત્યારબાદ તેમને ISIS કેમ્પમાં મોકલવાની ભયાનક કથાઓને ફિલ્મી પડદે રજૂ કરતી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ (The Kerala Story) આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. વિપક્ષી પાર્ટીઓ અને લેફ્ટ ઈકોસિસ્ટમના ભારે વિરોધ વચ્ચે પણ ફિલ્મે શાનદાર શરૂઆત કરીને પહેલા દિવસે 8 કરોડની કમાણી કરી લીધી છે.
#TheKeralaStory hits the ball out of the stadium 🔥🔥🔥… Takes a SMASHING START… Evening + night shows witness solid occupancy… The Day 1 numbers are an EYE-OPENER for the entire industry… TERRIFIC weekend assured… Fri ₹ 8.03 cr. #India biz. #Boxoffice pic.twitter.com/8dylt50Hcj
— taran adarsh (@taran_adarsh) May 6, 2023
ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને ‘The Kerala Story’ ફિલ્મની આ શાનદાર શરૂઆત વિશે જાણકારી આપી હતી. તેમણે પ્રથમ દિવસના આંકડાને આખી ઇન્ડસ્ટ્રી માટે આંખ ઉઘાડનારા ગણાવ્યા હતા. સાથે એવું પણ જણાવ્યું કે સાંજ અને રાત્રિના શૉમાં મોટી સંખ્યામાં લોકો ફિલ્મ જોવા પહોંચ્યા હતા.
રિપોર્ટ અનુસાર, હિન્દી ફિલ્મને સરેરાશ 28.48 ટકા જેટલી ઓક્યુપેન્સી મળી હતી. સવારના શૉમાં આ ટકાવારી 17.47 ટકા જેટલી હતી પરંતુ રાત્રિના શૉમાં તે વધી ગઈ હતી. પહેલા દિવસે ફિલ્મે 8 કરોડ રૂપિયાની કમાણી કર્યાની સાથે જ તે ગત વર્ષે આવેલી અને જબરદસ્ત સફળતા પામેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ કરતાં બમણી કમાણી કરનારી ફિલ્મ બની છે.
મધ્ય પ્રદેશ સરકારે ટેક્સ ફ્રી કરી
મધ્ય પ્રદેશની શિવરાજસિંહ ચૌહાણની આગેવાનીવાળી ભાજપ સરકારે ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે. સ્વયં સીએમએ આ બાબતની જાણકારી આપી હતી. ટ્વિટ કરીને તેમણે કહ્યું કે, ‘આતંકવાદની ભયાનક વાસ્તવિકતાને ઉજાગર કરતી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવે છે.
आतंकवाद की भयावह सच्चाई को उजागर करती फिल्म 'The Kerala Story' मध्यप्रदेश में टैक्स फ्री की जा रही है। pic.twitter.com/l5oizjqK7j
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) May 6, 2023
વિડીયો બાઈટમાં તેમણે કહ્યું, “ધ કેરાલા સ્ટોરી લવ જેહાદ, ધર્માંતરણ અને આતંકવાદના ષડ્યંત્રને ઉજાગર કરે છે, તેના ઘૃણાસ્પદ ચહેરાને સામે લાવે છે. ક્ષણિક ભાવુકતામાં જે દીકરીઓ લવ જેહાદની જાળમાં ફસાય છે તેમની કેવી રીતે બરબાદી થાય તે આ ફિલ્મ બતાવે છે. આતંકવાદની ડિઝાઇનને પણ આ ફિલ્મ ઉજાગર કરે છે. આ ફિલ્મ આપણને જાગૃત કરે છે…. મધ્ય પ્રદેશમાં અમે ધર્માંતરણ વિરુદ્ધ કાયદો બનાવ્યો છે, પરંતુ આ ફિલ્મ વાલીઓ-બાળકો અને દીકરીઓ સહિત સૌએ જોવી જોઈએ. આ માટે મધ્ય પ્રદેશ સરકાર આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી રહી છે.
ફિલ્મમાં શું છે?
આ ફિલ્મનું લેખન અને દિર્ગદર્શન સુદીપ્તો સેને કર્યું છે. જ્યારે તેનું પ્રોડક્શન વિપુલ અમૃતલાલ શાહે કર્યું છે. ફિલ્મમાં અદા શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ એક હિંદુ યુવતીના જીવન પર આધારિત છે જેનું તેના મુસ્લિમ મિત્રોએ બ્રેનવૉશ કરી નાંખ્યું હતું અને ત્યારબાદ તે ઇસ્લામમાં ધર્મપરિવર્તિત થઈને મુસ્લિમ વ્યક્તિ સાથે પરણી હતી. જ્યાંથી કઈ રીતે તે ISIS કેમ્પ પહોંચી અને તેનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું તેની પર ફિલ્મ આધારિત છે.
ફિલ્મ રોકવા સુધી કોર્ટ સુધી પહોંચ્યો હતો મામલો, પરંતુ સફળતા ન મળી
ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં તેનો વિરોધ પણ ખૂબ કરવામાં આવ્યો અને તેની ઉપર ‘પ્રોપેગેન્ડા’ ફેલાવવાના અને ‘સાંપ્રદાયિક સૌહાર્દ’ બગાડવાના પ્રયાસ કરવાના પણ આરોપ લગાવવામાં આવ્યા. હાઇકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી તેને પડકારવામાં આવી પરંતુ સુપ્રીમે અરજી પર હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ મદ્રાસ હાઇકોર્ટે પ્રતિબંધ મૂકવાની અરજી ફગાવી અને આખરે 5મેએ કેરળ હાઇકોર્ટે પણ ફિલ્મની રિલીઝ રોકવાની અરજી ફગાવી દીધી હતી.