Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ફિલ્મ જોયા વગર કઈ રીતે કહી શકાય કે તે વાંધાજનક છે?’: ‘ધ...

    ‘ફિલ્મ જોયા વગર કઈ રીતે કહી શકાય કે તે વાંધાજનક છે?’: ‘ધ કેરાલા સ્ટોરી’ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજી મદ્રાસ હાઇકોર્ટે ફગાવી

    દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે, કેરળ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પહેલેથી જ મામલાને સાંભળી રહ્યા છે, જેથી તેઓ અરજી ફગાવે છે. 

    - Advertisement -

    શુક્રવારે (5 મે, 2023) રિલીઝ થનારી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી મદ્રાસ હાઇકોર્ટે ફગાવી દીધી છે.  

    ચેન્નાઇના એક પત્રકારે હાઇકોર્ટમાં આ જાહેર હિતની અરજી દાખલ કરીને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી અને આ ફિલ્મને ‘પ્રોપેગેન્ડા ફિલ્મ’ પણ ગણાવી દીધી હતી. તેમણે દાવો કર્યો કે, ફિલ્મ કોઈ પણ પ્રકારના સંશોધન વગર બનાવવામાં આવી છે અને તેના કારણે સાંપ્રદાયિક સદભાવના અને જાહેર શાંતિને અસર પહોંચી શકે છે. 

    આ અરજી પર સુનાવણી કરતાં મદ્રાસ હાઇકોર્ટની જસ્ટિસ એડી જગદીશ ચંદિરા અને સી સર્વાનનની ખંડપીઠે તેને ફગાવી દીધી હતી અને અરજદારને એમ પણ પૂછ્યું હતું કે ફિલ્મ જોયા વગર તેઓ કઈ રીતે ધારણાઓ બાંધી શકે? 

    - Advertisement -

    કોર્ટે અરજદારને કહ્યું, “તમે અંતિમ ક્ષણે શું કામ આવ્યા? જો પહેલાં આવ્યા હોત તો અમે કોઈને ફિલ્મ જોવા માટે કહ્યું હોત અને પછી નિર્ણય લીધો હોત. ઉપરાંત, તમે ફિલ્મ જોયા વગર જ આવ્યા છો. તમે ફિલ્મ જોઈ નથી તો કઈ રીતે કહી શકો કે તેમાં વાંધો હશે. ઉપરાંત, કેરળ હાઇકોર્ટ પણ આ જ પ્રકારનો એક કેસ સાંભળી રહી છે.” 

    સુનાવણી વખતે ફિલ્મ તરફથી વકીલે કોર્ટને જણાવ્યું કે, કેરળ હાઇકોર્ટ પહેલેથી જ રિલીઝ કરવાની પરવાનગી આપી ચૂકી છે. તો પછી એક જ રાજ્યમાં તે કઈ રીતે રિલીઝ ન થઇ શકે? તેમણે કહ્યું કે, એક જ ફિલ્મને તેઓ કેટલી વખત કોર્ટમાં લઇ જશે? પહેલાં કેરળ હાઇકોર્ટ, પછી સુપ્રીમ કોર્ટ અને હવે ફરી હાઇકોર્ટ. તેમને ફિલ્મ તો રિલીઝ કરવા દો.

    દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે, કેરળ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પહેલેથી જ મામલાને સાંભળી રહ્યા છે, જેથી તેઓ અરજી ફગાવે છે. 

    ‘ધ કેરાલા સ્ટોરી’ સામે કેરળ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ અરજીઓ થઇ ચૂકી છે. ગત 2જી મેના રોજ કેરળ હાઇકોર્ટે ફિલ્મની રિલીઝ રોકવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરીને કેન્દ્ર સરકાર તેમજ ફિલ્મના નિર્માતાઓનો જવાબ માંગ્યો હતો. કોર્ટ 5 મેના રોજ વધુ સુનાવણી કરશે. 

    બીજી તરફ, ઇસ્લામિક સંસ્થા જમીયત ઉલેમા-એ-હિંદે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને ફિલ્મમાં ડિસ્ક્લેમર ઉમેરવાની માંગ કરી હતી, જેમાં જણાવવામાં આવે કે ફિલ્મ સંપૂર્ણપણે કાલ્પનિક છે. બીજી તરફ, અન્ય એક અરજીમાં ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. જોકે, ફિલ્મ નિર્માતાઓ તરફથી રજૂ થયેલા વકીલ હરીશ સાલવેએ ડિસ્ક્લેમર મૂકવા પર અસહમતી દર્શાવી હતી. 

    ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેન્ચે બંને અરજીઓ પર હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરીને અરજદારોને કેરળ હાઇકોર્ટનો સંપર્ક કરવા માટે કહ્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં