પંજાબના ખેડૂતો દિલ્હી બોર્ડર તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂત નેતાઓએ સરકાર સાથે ચાર તબક્કાની વાતચીત કરી છે. તેમ છતાં તેનું કોઈ પરિણામ આવ્યું નથી. સરકાર સાથેની વાતચીતમાં સરકારના ચોથા પ્રસ્તાવનો પણ ખેડૂતોએ અસ્વીકાર કર્યો છે. ત્યારે હવે ફરી ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારીમાં છે. ખેડૂત આંદોલનમાં સામેલ થયેલા 14,000થી વધુ ખેડૂતો પોતાના 12,00થી વધુ ટ્રેક્ટરોની સાથે દિલ્હી તરફ આગળ વધવાની તૈયારી કરી રહ્યા છે. જેને લઈને હરિયાણા સરકાર પણ સતર્ક થઈ છે. હરિયાણા સરહદ પર ખેડૂતોનો ઉપદ્રવ વધવાથી પોલીસે ટિયરગેસ સેલ છોડ્યા છે.
સરકાર સાથે ચાર તબક્કાની વાતચીત કર્યા બાદ હવે ફરી ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી દીધી છે. જેને લઈને હરિયાણા સરકાર સતર્ક થઈ ગઈ છે. હજારોની સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતો હરિયાણા સરહદ પર ઉપદ્રવ મચાવી રહ્યા છે. તેઓ શંભુ બોર્ડર પાર કરીને દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેને લઈને શંભુ બોર્ડર અને ખનોરી બોર્ડર પર સ્પેશયલ એલર્ટ છે. શંભુ બોર્ડર પર લગભગ 14000 ખેડૂતોની ભીડ એકઠી થઈ છે. તેમની પાસે લગભગ 1200 ટ્રેક્ટર અને ટ્રોલી છે. પ્રદર્શનકારીઓ પાસે પોલીસ બેરિકેડ તોડવા માટે 2 પ્રો ક્લેમ મશીન અને જેસીબી મશીન છે. આ ઉપરાંત તેમની પાસે લાકડીઓ, પથ્થરો, લોખંડની ઢાલ અને ફેસ માસ્ક પણ છે.
હરિયાણા સરહદ પર ખેડૂતોનો ઉપદ્રવ જોતાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસે નક્કર તૈયારીઓ કરી છે. ડ્રોન દ્વારા ટિયરગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળે નાસભાગની સ્થિતિ છે. આ પહેલાં ખેડૂતોએ સવારે 11 વાગ્યે શંભુ બોર્ડરથી દિલ્હી તરફ જવાની જાહેરાત કરી હતી. ખેડૂતો આગળ વધવાની તૈયારી કરી કે તરત જ ડ્રોન દ્વારા ટિયરગેસ સેલ છોડવામાં આવ્યા હતા.
સરકારે પાંચમા તબક્કાની વાતચીત માટે આપ્યું આમંત્રણ
ખેડૂત નેતાઓને સરકારે પાંચમા તબક્કાની વાતચીત માટે આમંત્રણ મોકલ્યું છે. કૃષિ મંત્રી અર્જુન મૂંડાએ આ અંગે જણાવ્યું કે, સરકાર પહેલાં પણ ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર હતી અને આજે પણ તૈયાર છે. તેમણે કહ્યું, શાંતિ જાળવી રાખવી ખૂબ જરૂરી છે. નોંધનીય છે કે, ખેડૂતોએ સરકાર સમક્ષ 13 મુદ્દાની માંગણીઓ રજૂ કરી છે. જેમાંથી 10 મુદ્દા પર સંમતિ પણ બની છે. જ્યારે ત્રણ માંગણીઓની પૂર્તિને લઈને ખેડૂતો ઉપદ્રવ મચાવી રહ્યા છે. સરકારનું કહેવું છે કે, આ ત્રણ માંગણીઓ પૂરી કરવા માટે સમયનું જરૂર છે. જોકે, સરકારે MSP ગેરંટી અંગે ખેડૂતોને એક ફોર્મ્યુલા પણ રજૂ કરી હતી. તેમ છતાં ખેડૂતોનું આ પ્રદર્શન બંધ થયું નથી.