Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુંબઈ પોલીસનું રાજનીતિકરણ એળે ગયું: ફેક ટીઆરપી કેસમાં અર્ણબ અને રિપબ્લિક સામે...

    મુંબઈ પોલીસનું રાજનીતિકરણ એળે ગયું: ફેક ટીઆરપી કેસમાં અર્ણબ અને રિપબ્લિક સામે પુરાવા અંગે ઇડીની કોર્ટમાં અંતિમ સ્પષ્ટતા

    અર્ણબ ગોસ્વામી અને તેમની ચેનલ રિપબ્લિક ટીવી અને રિપબ્લિક ભારત સામે લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા સાબિત થયા.

    - Advertisement -

    થોડા સમય પહેલાં દેશભરમાં ચર્ચામાં આવેલા કથિત ટીઆરપી ગોટાળામાં જાણીતી ચેનલ રિપબ્લિક ટીવી ઉપર પણ આરોપો લગાવવામાં આવ્યા હતા. જોકે, હવે આ મામલાની તપાસ કરતી એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે આ કેસમાં રિપબ્લિક ટીવી સામે કોઈ પુરાવા મળ્યા નથી. એજન્સીએ બુધવારે (21 સપ્ટેમ્બર) ચાર્જશીટ દાખલ કરીને આ બાબતનો ખુલાસો કર્યો હતો. 

    પ્રવર્તન નિદેશાલયે (ઇડી) મુંબઈની એક વિશેષ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરીને જણાવ્યું હતું કે કથિત ટીઆરપી ગોટાળા મામલે મીડિયા ચેનલ રિપબ્લિક ટીવી સામે કોઈ પુરાવા મળ્યા નથી. જોકે, એજન્સીએ એ જણાવ્યું હતું કે કેટલીક ક્ષેત્રીય અને મનોરંજન ચેનલોએ ટીઆરપીમાં ગોટાળો કર્યો હોય તેવું તપાસમાં સામે આવ્યું છે. 

    આ કેસમાં ઇડીએ નવેમ્બર 2020માં ECIR દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. ECIR પોલીસની FIR સમકક્ષ હોય છે. આ ECIR મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવી, બે મરાઠી ચેનલો અને અન્ય કેટલાક લોકો સમક્ષ દાખલ કરેલ FIRના આધારે દાખલ કરવામાં  આવી હતી.

    - Advertisement -

    ઇડીએ જણાવ્યું કે, આ કૌભાંડમાં રિપબ્લિક ટીવીની કથિત ભૂમિકા અંગે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ બાદ નિષ્કર્ષ નીકળ્યો છે કે મુંબઈ પોલીસે કરેલી તપાસ અને એજન્સી દ્વારા કરવામાં આવેલ તપાસ, બંને ભિન્ન છે. લોકોએ રિપબ્લિક ટીવી કે રિપબ્લિક ભારત જોવા માટે પૈસા લીધા હોવાની વાતનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. 

    ચાર્જશીટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, જે ક્ષેત્રીય ચેનલોના મેનેજરોએ અમુક ચેનલો જોવા માટે પૈસા આપ્યાની કબૂલાત કરી હતી તેમણે પણ રિપબ્લિક ટીવીનું નામ લીધું ન હતું. જેથી કોઈ નિવેદન કે કોઈ પણ ડિજિટલ પુરાવા એ બાબતની સાબિતી આપતા નથી કે રિપબ્લિક ટીવી કે રિપબ્લિક ભારત, બંને ચેનલો આ કૌભાંડમાં સામેલ હતી. 

    એજન્સીએ ચાર્જશીટમાં એ પણ જણાવ્યું કે, આ અંગે મુંબઈ પોલીસે જે ફોરેન્સિક ઓડિટ રિપોર્ટનો આધાર લીધો હતો તે સીમિત પાસાંના ઉપરછલ્લા વિશ્લેષણ પર આધારિત હતો. ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે જૂન મહિનામાં એક ચાર્જશીટ દાખલ કરીને ટીઆરપી કેસમાં રિપબ્લિક ટીવી અને તેના એડિટર ઈન ચીફ અર્ણવ ગોસ્વામી ઉપર આરોપ લગાવ્યા હતા અને અર્ણવને મુખ્ય આરોપી ગણાવ્યા હતા. 

    ફેક ટીઆરપી મામલેનો કેસ 2020ના ઓક્ટોબર મહિનામાં સામે આવ્યો હતો. જ્યારે રેટિંગ એજન્સી બ્રોડકાસ્ટ એન્ડ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) દ્વારા હંસા રિસર્ચ ગ્રુપ સામે ફરિયાદ કરવામાં આવી હતી અને જેમાં રિપબ્લિક સહિત અમુક ટીવી ચેનલોને લઈને આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ ટીઆરપીમાં ગોટાળો કરી રહ્યા છે. 

    આ મામલે મુંબઈના તત્કાલીન પોલીસ કમિશનર પરમવીર સિંહે એક પ્રેસ કોન્ફરન્સ કરીને રિપબ્લિક ટીવીનું પણ નામ લીધું હતું અને આ ચેનલ પર પણ આ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. પરમવીર સિંહે રિપબ્લિક ટીવી  ઉપરાંત બોક્સ સિનેમા અને ફક્ત મરાઠી ચેનલ પર આરોપ લગાવ્યા હતા. 

    રિપબ્લિક ટીવી સહિતની ચેનલો પર અમુક પરિવારોને તેમની ચેનલો ચાલુ રાખવા માટે પૈસા આપ્યા હોવાના અને જાણીજોઈને ટીઆરપીમાં ગડબડ કરી હોવાના આરોપ લાગ્યા હતા. પરંતુ ઇડીની તપાસમાં રિપબ્લિક ટીવી સામેના આરોપો પુરવાર થઇ શક્યા નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં