Sunday, April 21, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટપીએમ મોદીએ ગુજરાતીમાં કરી હતી ટિપ્પણી, પોર્ટલે ખોટું ભાષાંતર કરીને મહિલાઓનું અપમાન...

  પીએમ મોદીએ ગુજરાતીમાં કરી હતી ટિપ્પણી, પોર્ટલે ખોટું ભાષાંતર કરીને મહિલાઓનું અપમાન કર્યું હોવાનો દાવો કર્યો: નેટિઝન્સે ખોલી પોલ

  નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે BBCને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂની એક નાનકડી ક્લિપ શૅર કરીને તેમાં પીએમ મોદીએ આ ટિપ્પણીઓ કરી હોવાનો દાવો થઇ રહ્યો છે. 

  - Advertisement -

  છેલ્લા થોડા દિવસોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધના અપપ્રચારે જોર પકડ્યું છે. BBCએ બનાવેલી ડોક્યુમેન્ટ્રી વિવાદમાં જ છે ત્યારે હવે સોશિયલ મીડિયા ઉપર PM મોદીને લઈને વધુ એક અસત્ય ફેલાવવામાં આવી રહ્યું છે. તેમના એક ઇન્ટરવ્યૂની વિડીયો ક્લિપ શૅર કરીને તેમાં મોદીએ મહિલા વિરોધી ટિપ્પણી કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

  નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે BBCને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂની એક નાનકડી ક્લિપ શૅર કરીને તેમાં પીએમ મોદીએ આ ટિપ્પણીઓ કરી હોવાનો દાવો થઇ રહ્યો છે. 

  ટ્વિટર ઉપર ‘South Asian Journal’ નામના એક ટ્વિટર અકાઉન્ટે પીએમ મોદીના આ જૂના ઇન્ટરવ્યૂની ક્લિપ શૅર કરીને દાવો કર્યો કે, પીએમ મોદીએ ઇન્ટરવ્યૂ દરમિયાન મહિલા વિરોધી ટિપ્પણી કરી હતી અને જે ક્ષણ BBCના કેમેરામાં કેદ થઇ ગઈ હતી. 

  - Advertisement -

  આ વિડીયોમાં સાથે સબ-ટાઇટલ પણ ચાલતાં જોવા મળે છે. જેમાં પીએમ મોદીને ટાંકીને લખવામાં આવ્યું હતું કે, ‘દુનિયા બહુ આગળ આવી ગઈ પરંતુ મહિલાઓનાં મગજ હજુ વિકસ્યાં નથી.’

  શું છે સત્ય? 

  વાસ્તવમાં ઇન્ટરવ્યૂ દરમિયાન પીએમ મોદીએ બાજુમાં બેઠેલા કોઈ વ્યક્તિને હળવા મૂડમાં કહ્યું હતું કે, “દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ પરંતુ ઓક્ટોબર મહિનો આવ્યો જ નથી.” પીએમ મોદી આ વાક્ય ગુજરાતીમાં બોલ્યા હતા. ગુજરાતીમાં સ્પષ્ટ સાંભળી શકાય તેમ છે કે તેમણે મહિલાઓને લઈને કશું જ વાંધાજનક ટિપ્પણી કરી ન હતી. પરંતુ જાણીજોઈને તેનું ખોટું ભાષાંતર કરીને અપપ્રચાર ફેલાવવામાં આવ્યો હતો. 

  ઘણા ટ્વિટર યુઝરોએ પણ ખોટું ભાષાંતર કરવા બદલ ઉધડો લીધો હતો અને દુષ્પ્રચાર ન ફેલાવવા માટે કહ્યું હતું. 

  ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ BBC દ્વારા પીએમ મોદી ઉપર એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ કરવામાં આવી હતી જેમાં ગુજરાત રમખાણોનો ઉલ્લેખ કરીને મોદીને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ વિવાદિત ડોક્યુમેન્ટ્રીનો એક ભાગ રિલીઝ થયા બાદ વિરોધ શરૂ થઇ ગયો તો યુ-ટ્યુબ પરથી તેને હટાવી લેવામાં આવી હતી. 

  પછીથી ભારત સરકારે પણ આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું અને કહ્યું હતું કે, એક ચોક્કસ નરેટિવને આગળ ધપાવવા માટે અને પીએમ મોદી વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવા માટે આ ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી છે. બીજી તરફ, બ્રિટિશ સંસદમાં આ મુદ્દો ચર્ચાતા ત્યાંના વડાપ્રધાન ઋષિ સુનક પણ પીએમ મોદીના સમર્થનમાં આવ્યા હતા.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં