Thursday, July 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટપેપરલીક કાંડ: કઈ રીતે પેપરલીકનો ભાંડો ફૂટ્યો? કોને બનાવ્યો હતો પ્લાન? 16માંથી...

  પેપરલીક કાંડ: કઈ રીતે પેપરલીકનો ભાંડો ફૂટ્યો? કોને બનાવ્યો હતો પ્લાન? 16માંથી કોણ છે મુખ્ય આરોપી? અને હવે આગળ શું? જાણો હમણાં સુધીના મુખ્ય અપડેટ

  તપાસ બાદ સામે આવ્યું કે આ સમગ્ર પેપરલીક કાંડમાં મુખ્ય સૂત્રધાર ગુજરાત બહારની ગેંગ હતી. જે 16 આરોપીઓને ATSએ પકડ્યા છે તેમાંથી 5 ગુજરાતના છે અને અન્ય 11 ગુજરાત બહારના છે. તેમાં પણ બિહારના આરોપીઓની સંખ્યા વધારે છે.

  - Advertisement -

  રવિવાર, 29 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં વધુ એક સરકારી ભરતી પરીક્ષા માટેનું પેપર ફૂટ્યું હતું. આ વખતે GPSSBની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થયું હતું જેના માટે ગુજરાતભરમાંથી 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. હવે જયારે આ પેપરલીક કાંડમાં સંમેલિત તમામ મુખ્ય આરોપીઓ પકડાઈ ગયા છે તો આખા ઘટનાક્રમ વિષે એક પછી એક ખુલાસાઓ થઇ રહ્યા છે.

  નોંધનીય છે કે પોલીસે પરીક્ષા યોજાય એ પહેલા જ પેપરલીક થવાનો ભાંડો ફોડી દીધો હતો અને આગલી રાતે જ વડોદરાથી 15 આરોપીઓને પકડી લીધા હતા. જે બાદ સવારે આ બાબતે મીડિયામાં માહિતી અપાઈ હતી અને પરીક્ષાને રદ્દ કરવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 24 કલાકમાં જ આ આખી ઘટના ઉકેલી દીધી છે. તો ચાલો આપણે જાણીએ કે શરૂઆતથી હમણાં સુધી શું થયું હતું આ પેપરલીક કાંડમાં.

  પોલીસે પ્રેસ કોન્ફ્રન્સ કરીને કઈ રીતે આ સમગ્ર ઘટના ઘટી તેની માહિતી આપી

  રવિવારે પંચાયત પસંદગી મંડળના જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા જ તમામ આરોપીઓ પકડાઈ ગયા હતા. આ બાબતે ATS એ પ્રેસ કોન્ફરન્સ કરીને આખા નેટવર્કનો કેવી રીતે પર્દાફાશ કર્યો તેની માહિતી આપી હતી. ગુજરાત ATSના એસપી સુનિલ જોશીએ માહિતી આપી કે, આ પેપર ક્યાંથી ફુટ્યુ, કોણે ફોડયુ. 

  - Advertisement -

  ગુજરાત ATSના એસપી સુનિલ જોશીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું, “ગુજરાત ATS, ક્રાઈમ અને SOG અને IBની ટીમો એક્ટિવ હતી, પકડાયેલા આરોપીઓ પહેલાથી સર્વેલન્સ પર હતા. ખાનગી બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કેતન અને ભાસ્કર બરોડા પેપર આપવાનો હતો. તેથી અમે એક્ટિવ થયા.”

  તેઓએ આગળ જણાવ્યું, “ગુજરાત એટીએસ, સુરત ક્રાઈણ બ્રાન્ચ અને વડોદરા એસઓજીની ટીમે મળીને આખી ગેંગને પકડી પાડી હતી. સ્થળ પરથી જ તમામ આરોપીઓને પકડ્યા. ફોટા અને પેપરની કોપી રિકવર કરી હતી. બંડલ તપાસમાં મોકલ્યા. પેપર કોપી ખાતરી કરી તો ઓરિજિનલ હોવાની માહિતી મળી એટલે પરીક્ષા રદ કરી.”

  “પ્રદીપ નાયક આ બન્ને આરોપીઓને પેપર આપવા આવ્યો હતો. કેર હાઇટેકમાં પ્રદીપના ઓળખીતા હતા જેમણે પેપર આપ્યુ હતું. અમે પ્રદીપ નાયકની તપાસ કરી કે, હૈદરાબાદમા પ્રદીપ નાયકના ઓળખીતા જીત નાયક દ્વારા પેપરની કોપી અપાઈ હતી. અમે જીત નાયકની પણ ધરપકડ કરી છે. તેને અમદાવાદ લાવવાની કાર્યવાહી ચાલી રહી છે. પ્રદીપ નાયક મુરારી પાસવાનની ગેંગના સંપર્કમાં આવ્યો હતો. મુરારી પહેલા પણ આ પ્રકારની કામગીરી અગાઉ કરી ચૂક્યો છે.”

  પોલીસના જણાવ્યા પ્રમાણે આ રીતે પરીક્ષાની આગલી રાતે જ તેઓએ સફળતાપૂર્વક આખા પેપેરલીક કાંડનો ભાંડાફોડ કરી લીધો હતો અને તમામ આરોપીઓને પણ પકડી પાડ્યા હતા.

  પેપરલીક કાંડ માટે જવાબદાર ગેંગ પકડાઈ, તમામ 16 આરોપીઓ હાથે ચડ્યા

  જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે ગુજરાત એટીએસએ 406, 420 409 અને 120 બી હેઠળ ગુનો નોંધ્યો છે. ગુજરાતના છ લોકો સહિત 16 લોકોની ધરપકડ કરાઈ છે. કુલ 16 આરોપી ધરપકડ કરી 15 અરોપી સોલા સિવિલ મેડિકલ માટે લાવવવામાં આવ્યા હતા અને એક આરોપીને હૈદરાબાદથી અમદાવાદ લાવવાની કાર્યવાહી ચાલી રહી છે.

  તપાસ બાદ સામે આવ્યું કે આ સમગ્ર પેપરલીક કાંડમાં મુખ્ય સૂત્રધાર ગુજરાત બહારની ગેંગ હતી. જે 16 આરોપીઓને ATSએ પકડ્યા છે તેમાંથી 5 ગુજરાતના છે અને અન્ય 11 ગુજરાત બહારના છે. તેમાં પણ બિહારના આરોપીઓની સંખ્યા વધારે છે.

  હમણાં સુધી પકડાયેલા તમામ આરોપીઓનાં નામ

  1. પ્રદીપ કુમાર નાયક – ઓડિશા
  2. મુરારી કુમાર પાસવાન – પશ્ચિમ બંગાળ
  3. કમલેશ કુમાર ચૌધરી – બિહાર
  4. મોહમદ ફિરોજ – બિહાર
  5. સવેશકુમાર સિંગ – બિહાર
  6. મિન્ટુ રાય – બિહાર
  7. મુકેશકુમાર – બિહાર
  8. પ્રભાતકુમાર – બિહાર
  9. અનિકેત ભટ્ટ – બરોડા
  10. ભાસ્કર ચૌધરી – બરોડા
  11. કેતન બારોટ – અરવલ્લી
  12. રાજ બારોટ – અરવલ્લી
  13. પ્રણય શર્મા – અમદાવાદ
  14. હાર્દિક શર્મા – સાબરકાંઠા
  15. નરેશ મોહંતી – સુરત

  તપાસમાં સામે આવ્યું છે કે આખા પેપરલીક કાંડમાં કુલ 4 ગેંગ સામેલ હતી. પહેલી ગેંગ ગુજરાતની હતી જેમાં કેતન અને ભાસ્કરનું ગ્રુપ હતું, જે એજ્યુકેશન કન્સલ્ટન્સી ચલાવતા અને જ્યાંથી પેપર મારે રસ ધરાવતા વિદ્યાર્થીઓને શોધવામાં આવતા હતા. બીજું એક ગ્રુપ ઓડિશાનું હતું જેમાં પ્રદીપ નાયક હતો. ત્રીજું અને સૌથી મોટું ગ્રુપ બિહારના મુરારી પાસવાનનું હતું. ચોથું ગ્રુપ જીત નાયકનું હતું, જેઓ હૈદરાબાદની પ્રિન્ટીંગપ્રેસમાંથી પેપર કાઢી લાવ્યા હતા.

  પેપરલીકના આરોપીઓ કેતન બારોટ અને હાર્દિક શર્મા પહેલાથી છે કુખ્યાત

  આ સમગ્ર પેપરલીક કાંડમાં ગુજરાતમાંથી પકડાયેલ મુખ્ય આરોપીઓમાં બાયડના કેતન બારોટ અને સાબરકાંઠાના હાર્દિક શર્માનો સમાવેશ થયા છે. આ બંને આરોપીઓ પહેલાથી જ શિક્ષણક્ષેત્રમાં કુખ્યાત નામ ધરાવે છે.

  કેતન બારોટ દિશા એજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ખોટા કામો કરતો આવ્યો છે. તે ખોટી રીતે એડમિશન કરાવવાના નામે પૈસા ખંખેરવા માટે જાણીતો છે. તપાસમાં જાણવા મળ્યું કે કેતન આ પહેલા બિહારની તિહાર જેલમાં પણ રહી આવ્યો છે. તેને વૈભવી ગાડીઓનો શોખ છે.

  બીજી બાજુ સાબરકાંઠાના પ્રાંતિજનો હાર્દિક શર્મા એક મેડિકલ કોલેજ સાથે સંકળાયેલો છે. આ સિવાય નર્સીંગ કોલેજ સમેત ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં તેનો ભાગ છે. આ પહેલાના એક પેપરલીક કાંડમાં પ્રાંતિજ એપી સેન્ટર હતું અને ત્યારે પણ આ હાર્દિક શર્માનું નામ ચર્ચામાં આવ્યું હતું. તે અમદાવાદના નિકોલમાં આવેલી પંચામૃત નર્સિંગ કોલેજમાં પણ ભાગ ધરાવે છે.

  આમ હમણાં સુધીની તપાસમાં પોલીસે ખુબ મોટા ખુલાસા કર્યા છે. પેપરલીક રોકવામાં તો પોલીસ જોઈએ તેવી સફળ નથી રહી પરંતુ પેપરલીક બાદ ત્વરિત રીતે આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા જરૂરથી મળી છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં