Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટCBI-EDના સકંજામાં લાલુ પ્રસાદ યાદવનો પરિવાર: જમીન બદલે નોકરી કૌભાંડ મામલે ઇડીને...

    CBI-EDના સકંજામાં લાલુ પ્રસાદ યાદવનો પરિવાર: જમીન બદલે નોકરી કૌભાંડ મામલે ઇડીને 600 કરોડની સંપત્તિ વિશે જાણવા મળ્યું, ઘરેણાં-દસ્તાવેજો જપ્ત

    ઇડીની તપાસમાં પટના અને અન્ય વિસ્તારોમાં અમુક સ્થળોએ એવી જમીન વિશે જાણવા મળ્યું જે તત્કાલીન રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવાર દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરી લેવામાં આવી હોય.

    - Advertisement -

    જમીન બદલે નોકરી આપવાના કૌભાંડ મામલે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમનો પરિવાર હાલ સીબીઆઈ અને ઇડીની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. તાજેતરની જાણકારી અનુસાર, તપાસ દરમિયાન ઇડીને કુલ 600 કરોડની સંપત્તિ વિશે જાણવા મળ્યું છે. જેમાં 1 કરોડ રૂપિયા રોકડા સામેલ છે. 

    એજન્સીએ જણાવ્યું કે, સ્પેશિયલ ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે તેમણે દિલ્હી NCR, પટના, મુંબઈ અને રાંચી વગેરે શહેરોમાં કુલ 24 ઠેકાણે શોધખોળ હાથ ધરી હતી. એજન્સીએ બિહારના ઉપ-મુખ્યમંત્રી અને લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવના દિલ્હીના ઘરે પણ દરોડા પાડ્યા હતા. 

    એજન્સીએ જણાવ્યું કે, તપાસ દરમિયાન તેમને 1 કરોડ રૂપિયા રોકડા, 1900 યુએસ ડોલર સહિતનું વિદેશી ચલણ, 540 ગ્રામ સોનુ, 1.5 કિલો સોનાનાં ઘરેણાં (કિંમત આશરે સવા કરોડ), સંપત્તિના દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ વગેરે મળી આવ્યું હતું. આ તમામ ઠેકાણેની તપાસમાં કુલ 600 કરોડ રૂપિયાની સંપત્તિ વિશે જાણવા મળ્યું છે, જેમાંથી 350 કરોડની સ્થાવર મિલ્કતો છે અને 250 કરોડ રૂપિયા બેનામીદારો વચ્ચે થયેલી લેવડદેવડના હોવાનું જણાયું છે. 

    - Advertisement -

    150 કરોડના બંગલાની કિંમત માત્ર 4 લાખ!

    ઇડીની તપાસમાં પટના અને અન્ય વિસ્તારોમાં અમુક સ્થળોએ એવી જમીન વિશે જાણવા મળ્યું જે તત્કાલીન રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવાર દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરી લેવામાં આવી હોય. આ જમીનના બદલામાં રેલવે વિભાગમાં નોકરી આપવામાં આવી હતી. આ જમીનની હાલની માર્કેટ કિંમત 200 કરોડ જેટલી થાય છે. આ મામલે એજન્સીએ અમુક બેનામીદાર સહિતના લોકોની ઓળખ પણ કરી લીધી હોવાનું જણાવવામાં આવ્યું છે. 

    તપાસમાં એવું પણ સામે આવ્યું કે નવી દિલ્હીની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની સ્થિત બંગલો એબી એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના નામે છે, જેનું સંચાલન તેજસ્વી યાદવ અને પરિવારના હાથમાં છે. જેની કિંમત માત્ર 4 લાખ જણાવવામાં આવી છે પરંતુ હાલની તેની બજારની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા છે. આ સંપત્તિ કંપનીની ઓફિસ તરીકે દર્શાવવામાં આવી હતી પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેજસ્વી યાદવ તેનો ઉપયોગ નિવાસસ્થાન તરીકે કરી રહ્યા છે. 

    ઇડીની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મળેલી રકમનો મોટો હિસ્સો તેજસ્વી યાદવના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. રેલવેમાં નોકરી આપવા માટે ગરીબ બાળકોના માતા-પિતા પાસેથી જમીન ખરીદવામાં આવી હતી. લાલુ યાદવ પરિવાર દ્વારા આવી જ કેટલીક જમીન માત્ર 7.5 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી અને ત્યારબાદ સૈયદ અબુ દોજાના નામના આરજેડીના પૂર્વ ધારાસભ્યને રાબડી દેવી દ્વારા સાડા ત્રણ કરોડમાં વેચી દેવામાં આવી હતી. 

    સપ્ટેમ્બર 2021માં શરૂ થઇ હતી તપાસ

    જમીન બદલે નોકરી આપવાનું આ કૌભાંડ લાલુ પ્રસાદ યાદવ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે આચરવામાં આવ્યું હતું. પટનામાં રહેતા કેટલાક લોકોએ રેલવે વિભાગના વિવિધ ઝોનમાં નોકરી મેળવવા માટે લાલુ પ્રસાદ યાદવના પરિવારના સભ્યો કે તેમના હસ્તકની કંપનીઓને જમીન કાં તો ભેટમાં આપી દીધી હતી અથવા તો સાવ ઓછા ભાવે વેચવામાં આવી હતી. 

    આ મામલે સીબીઆઈએ સપ્ટેમ્બર 2021માં કાર્યવાહી શરૂ કરી હતી. ગત વર્ષે મે મહિનામાં એજન્સીએ ભ્રષ્ટાચાર વિરોધી કાયદા અને આઇપીસીની કલમ 120B હેઠળ FIR દાખલ કરી હતી. જેમાં લાલુ યાદવ સહિત કુલ 14 વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં ચાર્જશીટ દાખલ થઇ હતી. પરંતુ પછીથી કેન્દ્રની મંજૂરી મેળવવાની બાકી હોઈ કોર્ટે તેની ઉપર સંજ્ઞાન લીધું ન હતું. જાન્યુઆરી 2023માં કેન્દ્ર સરકારે CBIને કેસ ચલાવવાની પરવાનગી આપી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં