Friday, October 18, 2024
More
    હોમપેજદેશGST ફ્રોડ કેસ મામલે ED એક્શનમાં, ગુજરાતમાં એકસાથે 23 સ્થળે દરોડા: ‘પત્રકાર’...

    GST ફ્રોડ કેસ મામલે ED એક્શનમાં, ગુજરાતમાં એકસાથે 23 સ્થળે દરોડા: ‘પત્રકાર’ લાંગા સંબંધિત ઠેકાણાં પર પણ તપાસ

    એજન્સી રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર અને વેરાવળમાં કુલ 23 ઠેકાણે દરોડાની કાર્યવાહી કરી રહી છે. આ મામલે એજન્સીએ PMLA હેઠળ એક કેસ દાખલ કર્યો હોવાનું રિપોર્ટ્સ જણાવી રહ્યા છે. 

    - Advertisement -

    GST ફ્રોડ કેસ મામલે હવે તપાસમાં EDની એન્ટ્રી થઈ છે. ગુરુવારે (17 ઑક્ટોબર) એજન્સીએ ગુજરાતમાં અનેક ઠેકાણે દરોડા પાડીને સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. જેમાં ‘ધ હિન્દુ’ના ‘પત્રકાર’ મહેશ લાંગા (Mahesh Langa) સાથે સંબંધિત ઠેકાણાંનો પણ સમાવેશ થાય છે. 

    મીડિયા અહેવાલો અનુસાર, ED રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર અને વેરાવળમાં કુલ 23 ઠેકાણે દરોડાની કાર્યવાહી કરી રહી છે. આ મામલે એજન્સીએ PMLA હેઠળ એક કેસ દાખલ કર્યો હોવાનું રિપોર્ટ્સ જણાવી રહ્યા છે. 

    કાર્યવાહી દરમિયાન ‘પત્રકાર’ મહેશ લાંગા સંબંધિત ઠેકાણાં પર પણ દરોડા પાડવામાં આવ્યા. 

    - Advertisement -

    આ કેસ અમદાવાદ પોલીસની એક FIR પર આધારિત છે, જે GST વિભાગની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવી હતી. વિભાગે કરોડોના ફ્રોડની જાણકારી મેળવ્યા બાદ અમુક ફર્જી કંપનીઓ અને તેના પ્રોપરાઇટરો સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાંથી એક ફર્મનું કનેક્શન ‘પત્રકાર’ મહેશ લાંગા સાથે નીકળ્યું હતું. ત્યારબાદ પૂછપરછ પછી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલ તે 10 દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ છે. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ના એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, મહેશ લાંગાનું કનેક્શન અમુક સરકારી IAS-IPS અધિકારીઓ સાથે પણ નીકળ્યું છે, જેઓ તેને અમુક સંવેદનશીલ માહિતી પહોંચાડતા હતા. જેને લાંગા વિપક્ષી પાર્ટીઓ અને અમુક ઉદ્યોગસમૂહોને પહોંચાડતો હતો. 

    આ માહિતી કે દસ્તાવેજો પરથી ક્યારેય કોઈ રિપોર્ટ પ્રકાશિત થયા નથી. જેથી તેનો શું ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે બદલ કોઈ નાણાકીય લેવડદેવડ થઈ હતી કે કેમ તે મામલે હાલ એજન્સી અને પોલીસ તપાસ કરી રહ્યાં છે. 

    આ કેસમાં મહેશ લાંગા ઉપરાંત અન્ય ત્રણની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ય આરોપીઓ પણ પકડાયા. એમ અત્યાર સુધી કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ મામલાની તપાસ કરી રહી હતી, પરંતુ તેમાં વધુ ઘટસ્ફોટ થતાં માહિતી ઇન્કમ ટેક્સ વિભાગ અને EDને આપવામાં આવી હતી. 

    આ માહિતીના આધારે EDએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ ECIR (FIRની સમકક્ષ) નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે તો પત્રકારની કસ્ટડી પણ મેળવવામાં આવે તે શક્યતા પણ નકારી શકાય નહીં. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં