Monday, September 16, 2024
More
    હોમપેજરાજકારણપાંચ તબક્કામાં કઈ બેઠક પર કેટલા મત પડ્યા, કેટલું મતદાન થયું… ચૂંટણી...

    પાંચ તબક્કામાં કઈ બેઠક પર કેટલા મત પડ્યા, કેટલું મતદાન થયું… ચૂંટણી પંચે તમામ ડેટા સાર્વજનિક કર્યો: પ્રોપગેન્ડા ધ્વસ્ત કરીને કરી અગત્યની સ્પષ્ટતાઓ

    આંકડાઓ જાહેર કરતાં ચૂંટણી પંચે જણાવ્યું કે, મતદાનની સમગ્ર પ્રક્રિયા સુવ્યવસ્થિત અને પારદર્શી હોય છે. વધુમાં ઉમેર્યું કે, મતદાનની ટકાવારી જાહેર કરવામાં કોઇ વિલંબ થતો નથી અને આ ડેટા 24*7 એપ પર ઉપલબ્ધ હોય છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી હવે પૂર્ણતાને આરે છે. શનિવારે (25 મે) છઠ્ઠા તબક્કાનું મતદાન પણ પૂર્ણ થઈ ગયું. હવે માત્ર એક તબક્કો રહ્યો છે, જે 1 જૂનના રોજ યોજાશે. આ ચૂંટણી દરમિયાન સમગ્ર પ્રક્રિયા અને ચૂંટણી પંચ પર સવાલો ઉભા કરીને નકામા વિવાદો સર્જવાના પ્રયાસો પણ ઘણા કરવામાં આવ્યા. અમુક મામલા સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યા. જેમાંથી તમામમાં લપડાક જ મળી છે. આ બધા વચ્ચે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં ચૂંટણી પંચને તમામ બૂથના મતદાનના ડેટા જાહેર કરવા માટે સૂચના આપવાની ના પાડી દીધી અને કહ્યું કે હાલ પ્રક્રિયામાં કોઇ હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી. ત્યારે હવે ચૂંટણી પંચે 5 તબક્કામાં યોજાયેલા મતદાનનો વિગતવાર ડેટા સાર્વજનિક કર્યો છે. જેમાં દરેક મતવિસ્તારમાં કેટલા મત પડ્યા, ટકાવારી શું તમામ જાણકારી આપવામાં આવી છે.

    ચૂંટણી પંચે જાહેર કરેલા ડેટા અનુસાર પ્રથમ ચરણમાં કુલ 66.14 ટકા મતદાન થયું હતું, જેમાં 102 લોકસભા બેઠકો પર 110052103 મત પડ્યા હતા. આ જ રીતે દ્વિતીય ચરણમાં 88 લોકસભા બેઠકો પર 66.71% મતદાન થયું હતું, જેમાં કુલ 105830572 મત પડ્યા હતા. ત્રીજા ચરણમાં 93 લોકસભા બેઠક પર 65.68% મતદાન થયું અને મતદારોએ 113234676 મત EVMમાં કેદ કર્યા. ચોથા ચરણમાં 96 લોકસભા બેઠક પર 69.16% મતદાન સાથે કુલ 122469319 મત પડ્યા અને છેલ્લે પાંચમાં ચરણમાં 49 બેઠકો પર 62.20% મતદાન સાથે કુલ 55710618 પડ્યા હતા.

    આંકડાઓ જાહેર કરતાં ચૂંટણી પંચે જણાવ્યું કે, મતદાનની સમગ્ર પ્રક્રિયા સુવ્યવસ્થિત અને પારદર્શી હોય છે. કમિશન અને તમામ રાજ્યોમાં તેના કર્મચારીઓ મતદાનની ટકાવારી વિશે પણ સતત જાણકારી આપતા જ રહે છે. 19 એપ્રિલ, 2024થી (જ્યારે પહેલા તબક્કાનું મતદાન થયું હતું) અત્યાર સુધી મતદાનની ટકાવારી જાહેર કરવાની પ્રક્રિયા એકદમ વ્યવસ્થિત રીતે, સાતત્ય સાથે અને ચૂંટણી પ્રક્રિયાના નિયમોને આધીન રહીને જ કરવામાં આવી છે અને તેમાં ક્યાંય પણ કોઇ ખામી નથી. 

    - Advertisement -

    ત્યારબાદ ચૂંટણી પંચે સમજાવ્યું છે કે કઈ રીતે મતદાનનો ડેટા એકઠો કરવામાં આવે છે અને 17C ફોર્મનો ઉપયોગ કરી રીતે કરવામાં આવે છે. કમિશને જણાવ્યું કે, તમામ ઉમેદવારોના એજન્ટોને 17C ફોર્મ આપવામાં આવે છે. આ ફૉર્મમાં પડેલા મતની જેટલી સંખ્યા લખી હોય તે કોઇ કાળે અને કોઇ સંજોગોમાં બદલાય શકે નહીં. તમામ ઉમેદવારોના એજન્ટોને છેક સ્ટ્રોંગ રૂમ સુધી EVM અને અન્ય દસ્તાવેજો પહોંચે ત્યાં સુધી સાથે રહેવાની પરવાનગી હોય છે. તેઓ પરિણામના દિવસે પણ આ ફોર્મની નકલ લાવી શકે છે અને દરેક રાઉન્ડની ગણતરી બાદ સરખામણી કરી શકે છે. નોંધવું જોઈએ કે 17C એ ફોર્મ હોય છે, જેમાં દરેક મતદાન મથકે કેટલા મત પડ્યા તેની જાણકારી સંગ્રહવામાં આવે છે. (આ ફોર્મ વિશે વિગતવાર જાણકારી અહીંથી મેળવી શકાશે.)

    કમિશને એ પણ જણાવ્યું કે, મતદાનની ટકાવારી જાહેર કરવામાં કોઇ વિલંબ થતો નથી અને આ ડેટા 24*7 એપ પર ઉપલબ્ધ હોય છે. મતદાનના દિવસે બે-બે કલાકે જાહેર કરવામાં આવે છે અને ત્યારબાદ સાંજે તમામ મતદાન મથકેથી ડેટા મંગાવીને એકઠો કરીને 12 વાગ્યા સુધીમાં સરેરાશ અંદાજિત આંકડાઓ જાહેર થાય છે. પરંતુ જે-તે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ અને અન્ય સંજોગોને જોતાં અંતિમ આંકડો પહોંચતાં સમય લાગે છે. 

    ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટતા કરી કે અંતિમ આંકડા જાહેર કરવામાં થોડો સમય પણ લાગે તો તેનો અર્થ એ નથી કે આ ડેટા ત્યાં સુધી પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ હોતો નથી. વોટર ટર્નઆઉટ એપ પર આ માહિતી હંમેશા મળી રહે છે. ચૂંટણી પંચ માત્ર તેને એકઠી કરીને સુવ્યવસ્થિત રીતે જાહેર કરે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં