Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતોડકાંડ કેસમાં યુવરાજસિંહના સાળા કાનભાના 5 દિવસના રિમાન્ડ મંજૂર, ડમીકાંડ મામલે વધુ...

    તોડકાંડ કેસમાં યુવરાજસિંહના સાળા કાનભાના 5 દિવસના રિમાન્ડ મંજૂર, ડમીકાંડ મામલે વધુ 5 આરોપીઓ પકડાયા: વાંચો મહત્વના અપડેટ્સ

    કાનભાની ધરપકડ બાદ ભાવનગર લાવીને પોલીસે પૂછપરછ આદરી હતી, જેમાં તેણે યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી પ્રદીપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી પૈસા લીધા હોવાની કબૂલાત કરી લીધી હતી.

    - Advertisement -

    1 કરોડના તોડકાંડ મામલે પકડાયેલા આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજાના સાળા કૃષ્ણરાજસિંહ ગોહિલ ઉર્ફે કાનભાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 

    ભાવનગર પોલીસે સુરતથી કાનભાની ધરપકડ કરી લીધી હતી. તે પણ યુવરાજસિંહ સાથે તોડકાંડમાં આરોપી છે. ધરપકડ બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે કાનભાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા છે. 

    કાનભાની ધરપકડ બાદ ભાવનગર લાવીને પોલીસે પૂછપરછ આદરી હતી, જેમાં તેણે યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી પ્રદીપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી પૈસા લીધા હોવાની કબૂલાત કરી લીધી હતી અને એમ પણ જણાવ્યું હતું કે તેમના ભાઈ શિવુભાએ આ પૈસા તેમના એક મિત્રના ફ્લેટ પર રાખ્યા છે. 

    - Advertisement -

    સવારે 38 લાખ રોકડા મળ્યા હતા 

    કાનભાની દોરવણીથી પોલીસે ફ્લેટ પર જઈને તપાસ કરતાં 38 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. પોલીસે આ રકમ કબ્જે કરીને આગળની તપાસ હાથ ધરી છે. કાનભાએ પોલીસને જણાવ્યું હતું કે, તેમણે શિવુભાની ઓફિસે પીકે અને પ્રદીપ સાથે યુવરાજની પ્રેસ કોન્ફરન્સમાં નામ જાહેર નહીં કરવા માટે ડીલ નક્કી કરી હતી.

    ડમીકાંડમાં વધુ પાંચ પકડાયા 

    બીજી તરફ, અગાઉ ડમીકાંડ કૌભાંડ મામલે જે ગુનો નોંધવામાં આવ્યો હતો તેમાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી ચાર આરોપીઓ એવા છે જેમનો ઉલ્લેખ FIRમાં કરવામાં આવ્યો નથી પરંતુ અન્ય આરોપીઓની પૂછપરછમાં તેમનાં નામો સામે આવ્યાં હતાં. 

    આ આરોપીઓની ઓળખ હસમુખ ભટ્ટ, જયદીપ ભેડા, દેવાંગ રામાનુજ, યુવરાજસિંહ પરમાર અને હિરેન જાની તરીકે થઇ છે. જેમાંથી જયદીપ ભેડાનું નામ FIRમાં છે, જ્યારે બાકીના આરોપીઓની પૂછપરછ બાદ પકડાયા છે. 

    શું છે આ બંને કેસ? 

    આ કેસ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી વિદ્યાર્થીઓ બેસાડીને મોટાપાયે કૌભાંડ આચરવા મામલેનો છે, જેને લઈને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પરંતુ આરોપ છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં નામ ન લેવા બદલ બે વ્યક્તિઓ પ્રકાશ દવે અને પ્રદીપ બારૈયા પાસેથી તેમણે પોતાના માણસો સાથે મળીને એક કરોડ રૂપિયા પડાવ્યા હતા. 

    જે બે વ્યક્તિઓ પાસેથી પૈસા પડાવવામાં આવ્યા છે તે બંને ડમીકાંડ કેસમાં આરોપીઓ છે. બંનેની પૂછપરછમાં આ 1 કરોડના તોડ અંગેની વિગતો સામે આવી હતી. ત્યારબાદ ભાવનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાને સમન્સ પાઠવ્યું હતું. ગત 21મીએ યુવરાજ હાજર તો રહ્યા હતા પરંતુ પોલીસના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપી શક્યા ન હતા. ત્યારબાદ તેમની અને તેમના માણસો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસ હાલ ચાલી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં